Women’s Day: સફળ કારકિર્દી અને શોખમાંથી શોખની પસંદગી કરી છે યુવતીએ

08 March, 2021 11:51 AM IST  |  Mumbai | Rachana Joshi

Women’s Day: સફળ કારકિર્દી અને શોખમાંથી શોખની પસંદગી કરી છે યુવતીએ

ધર્મિષ્ઠા પટેલ, લૉકડાઉન હળવું થતા ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં તેઓ કેદારકંઠા ટ્રેક પર ગયા હતા

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આ વર્ષે તમને એવી મહિલાઓની વાત જણાવી રહ્યું છે, જેમણે પોતાના જીવનમાં અનોખી સિદ્ધિ મેળવી હોય અને સમાજના અનેક લોકો સમક્ષ એક જુદું ઉદાહરણ સ્થાપિત કર્યું હોય. આજે અમે તમને જણાવીશું એક સફળ પત્રકારની વાત જેણે જીવનમાં એક તબક્કે પહોચ્યા પછી કારકિર્દીને પ્રાધાન્ય આપવાને બદલે પોતાના ટ્રેકિંગના શોખને સમય આપવાનું નક્કી કર્યું. જાણીએ ધર્મિષ્ઠા પટેલની વાત, તેમના જ શબ્દોમાં.

અમદાવાદમાં જન્મેલા, ઉછરેલા અને અત્યારે મુંબઈમાં સ્થાયી થયેલા ધર્મિષ્ઠા પટેલ વ્યવસાયે પત્રકાર છે પરંતુ શોખથી તેઓ ટ્રેકર છે. બાળપણથી જ ટ્રેકિંગનો શોખ ધરાવતા ધર્મિષ્ઠા પટેલે નાનપણમાં આબુ, જુનાગઢ વગેરે સ્થળોએ ટ્રેકિંગ કર્યું હતું. સપના જોવાની સમજણ આવી ત્યારથી ટ્રાવેલિંગના જ સપના જોયા હતા. તેમણે નક્કી કર્યું હતું કે, એવું જ કંઈક ભણવું કે કામ કરવું જેમા ટ્રાવેલિંગ થઈ શકે. પરંતુ સપનાઓ સ્થિતિ જોઈને નથી આવતા અને પરિસ્થિતિ કેવી હશે તે કોઈને ખબર નથી હોતી. તે જ રીતે ધર્મિષ્ઠા પટેલને ખબર નહોતી કે, ટ્રેકિંગનું તેમનું સપનું માત્ર સપનું જ રહી જશે. બાળપણમાં જે નાના-નાના ટ્રેક્સ પર ગયા બસ એટલું જ. પણ પછી પરિવારની આર્થિક પરિસ્થિત એવી થઈ કે તે ભણતર માંડ પુર્ણ કરી શકે તેવી સ્થિતિમાં હતા. ત્યાં ટ્રેકિંગને તો ખરેખર અભેરાઈએ મુકવું જ પડે તેવા સંજોગો હતા.

ધર્મિષ્ઠા પટેલે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ‘હું દસમાં ધોરણમાં આવી ત્યારે મારા પપ્પાને ધંધામાં નુકસાન ગયું અને અમારી આર્થિક પરિસ્થિતિ બગડવા લાગી. એક ચોપડી ખરીદવાના પૈસા ન હોય ત્યારે ટ્રેકિંગના શૂઝ લેવાનો વિચાર પણ હું ન કરી શકું એટલે મેં મારા શોખને બાજુએ મુકીને ભણવા પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. મારા ભણવા માટે મારા ભાઈ-બહેનોએ નોકરી કરીને પૈસા ભર્યા અને એમના ભણવા માટે મેં નોકરી કરી’.

‘મેં પત્રકારત્વને કારર્કિદી તરીકે પસંદ કરી અને નોકરીની શરૂઆત કરી. મારે ટ્રાવેલ જર્નલિસ્ટ બનવું હતું. ઈન્ટરનેશનલ ટ્રાવેલ શો હોસ્ટ કરવાના સપના લઈને હું પત્રકારત્વની દુનિયામાં પ્રવેશી. પરંતુ હું કામમાં એટલી વ્યસ્ત થઈ ગઈ કે ટ્રાવેલિંગને ભુલી જ ગઈ. પત્રકારત્વમાં ક્રાઈમ અને મનોરંજનના રિપોર્ટિંગમાં ઉંડી ઘુસતી ગઈ. દરમિયાન મારી આર્થિક પરિસ્થિતિ પણ સુધરી. ત્યારે મને ભાન થયું કે હવે હું મારા શોખ પુરા કરી શકું તેટલી સક્ષમ છું. એટલે મેં ફરી ટ્રાવેલિંગ અને ટ્રેકિંગ શરૂ કર્યું. ટ્રેકિંગ સમય માંગી લે તેવી એક્ટિવિટી છે અને પત્રકારત્વ પણ. મારે મારા કામ અને શોખ બન્ને વચ્ચે સમતુલન રાખવાનું હતું એટલે હું બે-ત્રણ મહિના સુધી સતત કામ કરું, અઠવાડિયાના વિકલી-ઓફ પણ ન લઉં. પછી થોડીક રજાઓ ભેગી થાય ત્યારે ટ્રેકિંગ પર ઉપડી જાવ.’, એમ ધર્મિષ્ઠાએ જણાવ્યું હતું.

ધર્મિષ્ઠા પટેલે આમ તો નાના-મોટા ઘણા ટ્રેક કર્યા પરંતુ ઓફિશ્યલી ટ્રેકર તરીકે શરૂઆત કરી ઉત્તરાખંડના વેલી ઓફ ફ્લાવર્સથી. પણ તેમની આ પ્રથમ ટ્રેક સરળ નહોતી. રજીસ્ટ્રેશન માટે પહેલી વાર વર્ષ 2013માં એપ્લિકેશન કરી પણ ઉત્તરાખંડમાં આવેલા પૂરને કારણે ટ્રેક શક્ય ન થઈ. ફરી વર્ષ 2014માં પણ એવું જ બન્યું . આખરે વર્ષ 2017માં તેઓ ઉત્તરાખંડ ટ્રેક પર ગયા. આ ટ્રેકિંગ જ ધર્મિષ્ઠાના જીવનમાં એક નવો વળાંક પણ લઈને આવ્યું, માત્ર ટ્રેકિંગના શોખ માટે જ નહીં પણ અંગત જીવનમાં પણ. બદ્રીનાથના મંદિરમાં જ તેમણે નક્કી કર્યું કે તે હવે શોખ માટે વધુ સમય આપશે.

ઉત્તરાખંડના ટ્રેક દરમિયાન ધર્મિષ્ઠાની દોસ્તી મહેશ કારેકર નામના યુવક સાથે થઈ. દોસ્તી ધીમે ધીમે પ્રેમમાં પરિણમી અને પછી લગ્ન સુધી. આ વિશે તેઓ કહે છે કે, ‘મેં ક્યારેય વિચાર્યું નહોતું કે, મારો ટ્રેકિંગનો શોખ મારા સપનાના રાજકુમાર સાથે મારી મુલાકાત કરાવશે. ગુજરાતીમાં કહેવત છે ને કે સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે પણ મારા જીવનમાં આ કહેવત થોડીક જુદી રીતે બંધબેસે છે. મારા શોખના સપનાને સફળ બનાવવમાં મારા પતિનો હાથ છે. લગ્ન કર્યા પછી સામાન્ય રીતે મહિલાઓની ઘરની જવાબદારી વધી જતી હોય છે. ત્યારે તેમને પોતાના શોખનો તો ખ્યાલ પણ નથી હોતો. મારી પણ સ્થિતિ સામાન્ય મહિલાઓ જેવી જ હતી. પણ ત્યારે મહેશે મને બહુ જ મદદ કરી અને મોટિવેટ પણ કરી. તેણે મને કહ્યું કે તે તારી કારર્કિદી પર બહુ ધ્યાન કેન્દ્રિત કર્યું હવે જો તું ઈચ્છે તો તારા શોખ માટે સમય ફાળવી શકે છે. ટ્રેકિંગના તારા સપનાઓ પુરા કરી શકે છે. આ પછી મેં નક્કી કર્યું કે હું હવે પત્રકારત્વની નોકરી નહીં કરું અને ટ્રેકિંગ જ કરીશ. મારા શોખ માટે સમય કાઢીશ. ક્યારેક પારિવારિક જવાબદારીઓ અને પરિસ્થિતિને લીધે કે પછી કામને લીધે જે શક્ય ન બન્યું તે હવે શક્ય બનાવીશ. બસ ત્યારથી મેં મારા શોખને ફુલ ટાઈમ જોબ બનાવી દીધો.’ અત્યારે ધર્મિષ્ઠા ફુલ ટાઈમ જોબને ગુડબાય કહીને માત્ર ફ્રી લાન્સિંગ પર ધ્યાન આપી રહી છે, જેથી ટ્રેકિંગના શોખને શાંતિથી સમય આપી શકે.

ધર્મિષ્ઠા પટેલ પતિ મહેશ કારેકર સાથે મેઘાલય ટ્રેક દરમિયાન

ધર્મિષ્ઠાએ અત્યાર સુધી ઉત્તરાખંડ, હિમાલય, લદ્દાખ અને મહારાષ્ટ્રના અનેક ટ્રેક કર્યા છે. એટલું જ નહીં હનીમૂન માટે પણ તેમણે ટ્રેકિંગ પર જવાનું પસંદ કર્યું હતું. લગ્ન પછી હનીમૂન માટે તેઓ પતિ સાથે મેઘાલય ગયા હતા અને ત્યાં બાઈક ટ્રેક કર્યું હતું. 

‘જરૂરિયાતોને પુરી કરવામાં શોખ પુરા કરવાનું રહી જાય તેવું લગભગ દરેકના જીવનમાં બને છે. પરંતુ શોખ માટે થોડોક તો થોડોક સમય કાઢવો જ જોઈએ. પ્રકૃતિ એવી છે જે તેના પ્રેમમાં પડવા માટે મજબુર કરે છે. પ્રકૃતિનો પ્રેમ સામે રીટર્નમાં ઉર્જા અને પૉઝિટિવિટી આપે છે. ટેન્શન લઈને તાકાત આપે છે’, તેમ ધર્મિષ્ઠા પટેલ કહે છે.

ધર્મિષ્ઠા પટેલની વાત આપણને શીખવે છે કે, મહિલાઓએ તેમના જીવનની જવાબદારીઓમાંથી અંગત જીવન માટે સમય કાઢવો ખુબ જરૂરી છે. કારર્કિદીને પ્રાધાન્ય આપો પણ સાથે શોખને મહત્વ આપવાનું ભૂલતા નહીં.

mumbai mumbai news womens day