કસ્ટમ્સ-ડ્યુટી ભરો અથવા ટ્રોફી પાછી દુબઈ લઈ જાઓ : કસ્ટમ્સ

21 November, 2012 06:01 AM IST  | 

કસ્ટમ્સ-ડ્યુટી ભરો અથવા ટ્રોફી પાછી દુબઈ લઈ જાઓ : કસ્ટમ્સ



સોમવારે સાંજે કસ્ટમ્સ અધિકારીઓએ ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ  (આઇસીસી) વિમેન્સ વલ્ર્ડ કપ ટ્રોફી જપ્ત કર્યા પછી હવે ક્રિકેટ ર્બોડના અધિકારીઓ કહી રહ્યા છે કે ભારત સરકારે ડ્યુટીમાં કોઈ છૂટ આપી હોવાનું કોઈ સર્ટિફિકેટ ન હોવાથી તેઓએ ટ્રોફી માટેની કસ્ટમ્સ-ડ્યુટી ભરવી પડશે અથવા એને પાછી દુબઈ લઈ જશે.

સોમવારે સાંજે મુંબઈ ઍરપોર્ટ કસ્ટમ્સના ઍર ઇન્ટેલિજન્સ યુનિટ (એઆઇયુ) દ્વારા આઇસીસી કપ ટ્રોફી જપ્ત કરવામાં આવી હતી. આ ટ્રોફી દુબઈથી આવેલી જેટ ઍરવેઝની ફ્લાઇટમાં લાવવામાં આવી હતી. આ ટ્રોફીની કસ્ટમ્સ-ડ્યુટીમાં માફી આપવાની છે એવી કોઈ સૂચના ભારત સરકાર દ્વારા તેમને આપવામાં આવી નથી એટલે કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટે સોના તથા ચાંદીથી બનેલી આ ટ્રોફીની બજારકિંમત જાણવાનો પ્રયાસ કર્યો હતો જેથી એ પ્રમાણે ડ્યુટી લઈ શકાય.

ક્રિકેટ બોર્ડના ચીફ ઍડ્મિનિસ્ટ્રેટિવ ઑફિસર (સીએઓ) પ્રોફેસર રત્નાકર શેટ્ટીએ કહ્યું હતું કે ‘આઇસીસીના વિમેન્સ વલ્ર્ડ કપ માટે ભારત યજમાન દેશ છે. આ ટ્રોફી આવી રહી હોવાની સૂચના અમે કસ્ટમ્સને આપી હતી છતાં તેમણે એ જપ્ત કરી લીધી છે. અમારી પાસે આઇસીસીને આ વિશે જાણકારી આપવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.’

૨૦૧૩ની ૩૧ જાન્યુઆરીથી ૧૩ ફેબ્રુઆરી સુધી શહેરમાં વલ્ર્ડ કપની મૅચો ચાલશે.