25 August, 2026 09:04 AM IST | palghar | Gujarati Mid-day Correspondent
રોડ પર પડેલા ખાડા પૂરી રહેલી મહિલાઓ.
પાલઘર જિલ્લાના લાલઠાણે ગામની મહિલાઓએ સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતાં તાંદુળવાડી માર્ગ પર પડેલા મોટા ખાડા જાતે પૂર્યા હતા. ચોમાસા દરમ્યાન રોડ પર પડેલા ઊંડા ખાડાઓમાં પાણી ભરાઈ જવાને કારણે વાહન ચલાવતા લોકોને અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડતી હતી તથા અકસ્માતનો ભય રહેતો હતો. પ્રશાસનની રાહ જોયા વગર ગામની મહિલાઓએ એકજૂથ થઈને ખાડા પૂરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. એને પગલે પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (PWD) તાત્કાલિક હરકતમાં આવ્યો હતો અને કાંકરી તેમ જ ડામરનો ઉપયોગ કરીને રસ્તાના સમારકામની કામગીરી શરૂ કરી દીધી હતી.
ઝડપી કામગીરી શરૂ થતાં વાહનચાલકોને કામચલાઉ રાહત તો મળી છે, પરંતુ સ્થાનિક રહેવાસી મહિલાઓ અને ગ્રામજનોએ આટલેથી ન અટકતાં પ્રશાસન સામે મક્કમ માગણી મૂકી છે. ગ્રામજનોનું કહેવું છે કે ‘માત્ર ટેમ્પરરી ખાડા પૂરવાથી સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવ. એટલે PWD વિભાગે માત્ર થીગડાં મારવાને બદલે સમગ્ર રોડનું મજબૂતીકરણ કરીને એનું કાયમી અને સંપૂર્ણ સમારકામ હાથ ધરવું જોઈએ જેથી ભવિષ્યમાં લોકોને ફરી આ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.’