ત્રણ વાર આત્મહત્યાનો પ્રયાસ કરનાર મહિલા ૬૫ ટકા દાઝી

29 November, 2012 05:49 AM IST  | 

ત્રણ વાર આત્મહત્યાનો પ્રયાસ કરનાર મહિલા ૬૫ ટકા દાઝી



ટ્રેનમાંથી પડીને આત્મહત્યાનો પ્રયાસ કરનારી એક મહિલાને સહપ્રવાસીઓએ પકડીને પોલીસને સોંપી દેતાં આ મહિલાએ સાયન રેલવે-સ્ટેશન પર પોલીસોની હાજરીમાં તેમની સામે જ સળગી મરવાનો પ્રયાસ કર્યો હતો. ઘાટકોપર (વેસ્ટ)માં ચિરાગનગરની અબ્દુલ પઠાણ ચાલમાં રહેતી ૨૧ વર્ષની સમીરા આરિફ શેખ નામની આ મહિલાને હાલમાં સાયન હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી છે. સોમવારે બપોરે એક વાગ્યે બનેલી આ ઘટનામાં દાદર જીઆરપીએ સમીરા સામે ઇન્ડિયન પીનલ કોડની કલમ ૩૦૯ (આત્મહત્યાનો પ્રયાસ) હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

દાદર જીઆરપીના પોલીસ-ઇન્સ્પેક્ટર પ્રકાશ કિરદાતે કહ્યું હતું કે ‘સોમવારે બપોરે પાટીલ નામનો કૉન્સ્ટેબલ સાયન સ્ટેશન પર ફરજ બજાવી રહ્યો હતો ત્યારે સીએસટી જતી ટ્રેનના લેડીઝ ડબ્બામાંથી કેટલીક મહિલાઓએ પોલીસની મદદ માટે બૂમો પાડી હતી. સમીરા નામની એક મહિલા ટ્રેનમાંથી કૂદવાનો પ્રયાસ કરતી હતી ત્યારે બીજી મહિલાઓએ તેને પકડી લીધી હતી અને પોલીસને સોંપી દીધી હતી. તેને પકડનારી એ બે મહિલાઓ તેને સમજાવવાનો પ્રયાસ કરતી હતી. આ સમયે સમીરાએ પોતાની પાસે રહેલી દિવાસળીથી શરીર પર આગ ચાંપીને બળી મરવાનો પ્રયાસ કર્યો હતો. એને બચાવવા જતાં કૉન્સ્ટેબલ પાટીલ પણ દાઝી ગયો હતો. અમે હાલમાં તેને બચાવી લેવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.’

સમીરાના પતિ આરિફે પોલીસને કહ્યું હતું કે ‘સમીરાની માનસિક સ્થિતિ બરાબર નથી અને તેનો ઉપચાર ચાલી રહ્યો છે. એક વાર વધુપડતી ઊંઘની ગોળીઓ ખાઈને અને બીજી વાર ફિનાઇલ પીને તેણે સુસાઇડ કરવાનો પ્રયાસ કર્યો હતો. મારાં માતા-પિતાની તબિયત સારી નહીં હોવાથી તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે અને હવે મારી પત્નીને પણ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. અમારે ૧૫ મહિનાનું બાળક પણ છે.’

જીઆરપી : ગવર્નમેન્ટ રેલવે પોલીસ, સીએસટી : છત્રપતિ શિવાજી ટર્મિનસ