18 April, 2026 08:38 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે રાજ્યસભામાં મહિલા અનામત બિલ વિશે સંબોધન કરી રહેલા નરેન્દ્ર મોદી
મહિલા આરક્ષણ બિલ સાથે સંકળાયેલું ૧૩૧મું સંવિધાન સંશોધન બિલ ગઈ કાલે લોકસભામાં લાંબી ચર્ચા પછી નામંજૂર થઈ ગયું હતું. એ બિલમાં સંસદની બેઠકો ૫૪૩થી વધારીને ૮૫૦ કરવાની જોગવાઈની વાત હતી. બિલ માટે જ્યારે મતદાન કરવામાં આવ્યું ત્યારે બિલની તરફેણમાં ૨૯૮ મત અને વિરોધમાં ૨૩૦ મત મળ્યા હતા. લોકસભામાં કુલ ૪૮૯ સંસદસભ્યોએ મત આપ્યા હતા. બિલને પાસ કરવા માટે બે-તૃતીયાંશ બહુમતીની જરૂર હતી એને પગલે મૅજિક ફિગર ૩૫૨ આવતો હતો. જોકે સરકારને બહુમતી માટે ૫૪ મત ખૂટતાં બિલ પડી ભાંગ્યું હતું.
લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું હતું કે ‘આ બિલ બે-તૃતીયાંશ સભ્યો દ્વારા પાસ નથી થઈ શક્યું. હવે આ સંવિધાન સંશોધક બિલ પર આગળની કાર્યવાહી સંભવ નથી. હવે બાકીનાં બે બિલોના સંબંધમાં આગળની કાર્યવાહી પર સત્તા પક્ષ દ્વારા નિર્ણય લેવામાં આવશે. સરકારે સીમાંકન સંશોધન બિલ અને એની સાથે જ કેન્દ્રશાસિત પ્રદેશો સાથે સંકળાયેલા સંશોધન બિલ પર વોટિંગ કરવાની ના પાડીને કહ્યું હતું કે આ બિલ એકબીજા સાથે સંકળાયેલાં હોવાથી અલગથી વોટિંગની જરૂર નથી.
સંસદીય કાર્યના પ્રધાન કિરેન રિજિજુએ કહ્યું હતું કે ‘આ મહિલાઓને સન્માન અને અધિકાર આપવાનું ઐતિહાસિક અને મહત્ત્વપૂર્ણ બિલ હતું. એમાં વિપક્ષે સાથ નથી આપ્યો એ ખેદની વાત છે.’
૧૧ વર્ષના નરેન્દ્ર મોદીના શાસનમાં પહેલી વાર સરકાર બિલ પાસ નથી કરાવી શકી. આ સંશોધિત બિલો પર લોકસભામાં ૨૧ કલાક ચર્ચા થઈ હતી. કુલ ૧૩૦ સંસદસભ્યોએ આ વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા. એમાં ૫૬ મહિલા સંસદસભ્યોએ પણ સ્પીચ આપી હતી. આ બિલ પર મતદાન થાય એ પહેલાં ગૃહપ્રધાન અમિત શાહે એક કલાક સ્પીચ આપી હતી. તેમણે કહ્યું હતું કે ‘જો આ બિલો પાસ નહીં થાય તો એની જવાબદારી વિપક્ષની રહેશે. દેશની મહિલાઓ જોઈ રહી છે કે તેમના વિકાસની રાહમાં કોણ રોડું નાખી રહ્યું છે. વિપક્ષ વિચાર્યા વિના જ માત્ર વિરોધ કરી રહ્યો છે. મોદીજી જે કરે એનો તેમણે વિરોધ કરવાનું નક્કી કરી લીધું છે. દેશની માતાઓ અને બહેનો માટે આરક્ષણ આવી રહ્યું છે ત્યારે લાગ્યું હતું કે વિરોધ નહીં થાય, પણ એમ છતાં થઈ રહ્યો છે. ૨૦૨૩માં સર્વસંમતિથી આ બિલ પાસ થયું, પરંતુ આજે હવે કૉન્ગ્રેસ પીછેહઠ કરી રહી છે.’
લોકસભામાં ૨૧ કલાક જે બિલ પર ચર્ચા કરવામાં આવી એ બિલ પાસ નહીં થાય એવું સરકાર પહેલેથી જાણતી હતી એવા આરોપો વિપક્ષે લગાવ્યા છે. લોકસભામાં બહુમતી મળે એટલી સંખ્યા નથી એટલે જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, સંસદીય કાર્યપ્રધાન કિરેન રિજિજુ સહિત અનેક નેતાઓ વિપક્ષને આ બિલ પર સપોર્ટ કરવા માટે અપીલ કરી રહ્યા હતા.
ગઈ કાલે મતદાન પહેલાં કિરેન રિજિજુની સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ સાથે બંધબારણે ૨૦ મિનિટ વાતચીત થઈ હતી. આ મુલાકાત વખતે એવું લાગતું હતું કે કદાચ સમાજવાદી પાર્ટીને આ બિલની તરફેણમાં લાવવા માટેની આ ગતિવિધિ હોઈ શકે છે, પરંતુ BJPનો એ દાવ પણ સીધો પડ્યો નહોતો.
રાહુલ ગાંધીએ કહ્યું : અમે સંવિધાન પર થનારા હુમલાને હરાવી દીધો છે. અમે સાફ રીતે કહ્યું છે કે આ મહિલા આરક્ષણ બિલ નથી પરંતુ ભારતની રાજનીતિક સંરચનાને બદલવાનો એક પ્રયાસ છે.
પ્રિયંકા ગાંધીએ કહ્યું : મહિલા આરક્ષણ બિલ જે રીતે રજૂ કરવામાં આવ્યું હતું એ પાસ થાય એ અશક્ય જ હતું. મેં સંસદમાં પણ કહ્યું હતું કે હાલની ૫૪૩ બેઠકોમાં જ ૩૩ ટકા આરક્ષણ કેમ નથી આપવામાં આવતું? આરક્ષણને પરિસીમાંકન અને જનગણના સાથે જોડીને આ બિલને નિષ્ફળ કરવા માટે જ રજૂ કરવામાં આવ્યું હતું.
શશી થરુરે કહ્યું : અમે હંમેશાં કહ્યું છે કે અમે મહિલા આરક્ષણનું સંપૂર્ણ સમર્થન કરીએ છીએ અને આજે પણ એની તરફેણમાં મતદાન કરવા તૈયાર હતા, પરંતુ એને પરિસીમાંકન સાથે જોડવું ન જોઈએ.
લોકસભામાં બિલ નામંજૂર થતાં NDAની મહિલા સંસદસભ્યોએ સંસદની બહાર પ્રદર્શન કર્યું હતું. તેમણે બૅનરો અને પોસ્ટરો લઈને ‘મહિલાવિરોધી હાય-હાય’ અને ‘ઇન્ડી અલાયન્સ હાય-હાય’ના નારા લગાવ્યા હતા. પોસ્ટરમાં લખ્યું હતું, ‘નારી શક્તિ કા અપમાન, નહીં સહેગા હિન્દુસ્તાન.’
ગઈ કાલે સંસદમાં પોતાના ભાષણ દરમ્યાન રાહુલ ગાંધીએ ૧૬ નંબરને લઈને અજીબ રહસ્ય ઊભું કર્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘હું તમને એક ઉખાણું આપવા માગું છું. મને લાગે છે કે દેશના લોકો એ સૉલ્વ કરી શકશે. કાલે જ્યારે હું વડા પ્રધાનને સાંભળી રહ્યો હતો ત્યારે તેઓ ખૂબ થાકેલા અને અંદરથી તૂટી ગયેલા જણાતા હતા. ત્યારે મેં નોટિસ કર્યું કે કાલે ૧૬ એપ્રિલ હતી. તેઓ આ બિલ બહુ ઉતાવળમાં લઈ આવ્યા છે. મેં મનમાં કહ્યું કે હે ભગવાન, એ જ તો નંબર છે ૧૬ જેમાં જવાબ છુપાયેલો છે. તમને કોઈને સમજમાં આવે તો મને સોશ્યલ મીડિયા પર કહેજો. તમે બહુ જલદીથી આ નંબરનું રહસ્ય જાણી જશો.’
મહિલા અનામત બિલ પર બોલતી વખતે ગઈ કાલે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ બાળપણની જાદુગરની એક સ્ટોરી કહીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર હુમલો કર્યો હતો. જોકે આ સ્ટોરી મુદ્દે સ્પીકર ઓમ બિરલાએ તેમને વારંવાર ટોક્યા હતા અને સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ અને કેન્દ્રીય પ્રધાન કિરેન રિજિજુએ પણ ઊભા થઈને વિપક્ષના નેતા પર પલટવાર કર્યા હતા.
રાહુલ ગાંધીએ જાદુગરની વાત કરતાં કહ્યું હતું કે ‘એક મશહૂર જાદુગર હતો જે મૅજિક શો કરતો હતો અને ૩૦૦થી ૪૦૦ બાળકો એ જોવા ગયાં હતાં જેમાં હું અને મારી બહેન પણ હતાં. તેણે શરૂમાં નાના-નાના જાદુના ખેલ કર્યા અને પછી છેલ્લે જાદુગરે પોતાના શરીર પર ચેઇન બાંધી દીધી અને તે ફસાઈ ગયો. જાદુગર એ પછી આખી જિંદગી જાદુ કરી શક્યો નહીં.’
આ પછી રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ‘મારાં દાદી (ઇન્દિરા ગાંધી)એ એક વાત સમજાવી હતી કે અંધારાથી ડરવું જોઈએ નહીં, અસલી તાકાત અંધારામાં છુપાયેલી હોય છે. પહેલાં સાચું બોલો અને પછી એના પર કાયમ રહો.’
મેં તમને જાદુગરની વાત કેમ કરી એમ જણાવીને વડા પ્રધાન તરફ ઇશારો કરીને રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ‘જાદુગર અને બિઝનેસમેન વચ્ચે પાર્ટનરશિપ છે. સરકારને ખબર છે કે આ બિલ પાસ થઈ શકે એમ નથી છતાં આ પૅનિક રીઍક્શન છે કારણ કે વડા પ્રધાન મોદી કોઈ પણ રીતે બે મેસેજ આપવા માગે છે. તેઓ ભારતનો ઇલેક્ટોરલ મૅપ બદલવા માગે છે અને બીજો મેસેજ મહિલાતરફી ઝોકનો છે. અમને સૌને ખબર છે કે તેઓ આમ શા માટે કરી રહ્યા છે.’
રાહુલ ગાંધીએ આ વાતને ઑપરેશન સિંદૂર અને બાલાકોટ સ્ટ્રાઇક સાથે જોડતાં સંસદમાં હોબાળો મચ્યો હતો.
કેન્દ્રીય સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે કહ્યું હતું કે ‘વિપક્ષના નેતા વડા પ્રધાન માટે જે ભાષાનો ઉપયોગ કરે છે એની જેટલી નિંદા કરીએ એટલી ઓછી છે. દેશની જનતાએ નરેન્દ્ર મોદીને વડા પ્રધાન બનાવ્યા છે. જાદુગરની વાત કરીને તેઓ કોઈ વ્યક્તિનું નહીં પણ દેશના વડા પ્રધાનનું અપમાન કરી રહ્યા છે. આ મુદ્દે રાહુલ ગાંધીએ માફી માગવી જોઈએ.’