Women`s Day 2025: લાડકી બહેનોને ફડણવીસ સરકાર તરફથી ડબલ ભેટ! એકાઉન્ટમાં જમા થશે આટલા પૈસા

09 March, 2025 07:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Women`s Day 2025: ગઈકાલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ એ વાતને દોહરવી હતી કે લાડકી બહિણ યોજના ચાલુ જ રહેવાની છે.

અદિતિ તટકરેની ફાઇલ તસવીર

આજે સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (Women`s Day 2025)ની ઉજવણી કરી રહ્યું છે ત્યારે મહારાષ્ટ્રની મહિલાઓને ડબલ લાભ થવાનો છે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા આજે ફેબ્રુઆરી અને માર્ચનો હપ્તો એકસાથે આપવામાં આવનાર છે. આજે લાડલી બહિણ યોજનાની પાત્ર લાયક મહિલાઓને આ લાભ મળવાનો છે. મહિલા અને બાળ વિકાસ મંત્રી અદિતિ તટકરેએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે અમે અમારી બહેનોના ખાતામાં ડીબીટી (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર) દ્વારા ફેબ્રુઆરી અને માર્ચ મહિનાના 3000 રૂપિયાના બંને હપ્તાની ચૂકવણી કરવાનું શરૂ કરી રહ્યા છીએ.

તેઓએ આગ ઉમેર્યું હતું કે, "આ પગલું મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને બંને નાયબ મુખ્યમંત્રીઓ એકનાથ શિંદે અને અજિત પવારની સૂચનાઓ અનુસાર લેવામાં આવ્યું છે જેથી અમારી બહેનોને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (Women`s Day 2025)ના પ્રસંગે આ સન્માન મળી શકે. રાજ્ય સરકાર મહિલાઓના કલ્યાણ માટે ઘણી યોજનાઓ સતત અમલમાં મૂકી રહી છે અને તેમનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો અને તેમની જીવનશૈલીમાં સુધારો કરવાનો છે. મહિલાઓ માટે આવા પગલાં લેવા જરૂરી છે જેથી તેઓ દરેક ક્ષેત્રમાં સમાન રીતે આગળ વધી શકે અને સમાજમાં તેમના યોગદાનને યોગ્ય માન્યતા મળે."

ગઈકાલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે પણ એ વાતને દોહરવી હતી કે લાડકી બહિણ યોજના ચાલુ જ રહેવાની છે. અને એમ પણ ઉમેર્યું કે તેમની સરકાર આ યોજના માટેના નાણાકીય સહાય મેળવનારાઓને લાભ મળે એ માટે કટિબદ્ધ છે. ફડણવીસ વિધાનસભામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (Women`s Day 2025) નિમિત્તે આયોજિત ચર્ચામાં ભાગ લઈ રહ્યા હતા. તેઓએ ઉમેર્યું કે લાડકી બહિણ યોજના રદ કરવામાં આવશે નહીં. લાભાર્થીઓને નાણાકીય સહાયનો લાભ મળે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકાર કામ કરી રહી છે. આ યોજનાનો અસરકારક રીતે અમલ કરવામાં આવશે.

એ ઉપરાંત મે 2024થી જન્મેલા બાળકનું નામ એ રીતે લખાશે કે બાળકના નામ પછી પિતાનું નામ અને અંતે અટક પહેલાં તેની માતાનું નામ મૂકવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે સમાજમાં માતા અને પિતા સમાન છે એવો સંદેશ ફેલાવવાના નિર્ણયનું મહત્વ સમજાવ્યું છે. 

તેમજ આરોગ્ય અને મહિલા અને બાળ વિકાસ વિભાગે 9થી 14 વર્ષની વય જૂથની 50થી 55 લાખ છોકરીઓને રસી આપવાનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે જેથી તેઓ રસી મેળવી શકે. મહિલાઓના સ્વાસ્થ્યનું (Women`s Day 2025) રક્ષણ કરવા માટે સર્વાઇકલ કેન્સર નિવારક રસીકરણ કાર્યક્રમની પણ જાહેરાત કરવામાં આવી હતી. વળી, આંગણવાડી કાર્યકર્તાઓ માટે આરોગ્ય તપાસ શિબિરની જેમ મહિલાઓ માટે કાયમી આરોગ્ય કાર્ડ અને આરોગ્ય તપાસ શિબિરોનું આયોજન કરવામાં આવશે એવી પણ જાહેરાત થઈ છે.

mumbai news mumbai devendra fadnavis maharashtra news maharashtra ajit pawar eknath shinde womens day