આ લેડી કૉન્સ્ટેબલ્સ લોકલ ટ્રેનમાં તમારી રક્ષા કરશે ગન સાથે

26 February, 2021 08:30 AM IST  |  Mumbai | Preeti Khuman Thakur

આ લેડી કૉન્સ્ટેબલ્સ લોકલ ટ્રેનમાં તમારી રક્ષા કરશે ગન સાથે

સેન્ટ્રલ રેલવેની આ પચાસ મહિલા આરપીએફ આર્મ્સ સાથે આજથી જનરલ ડબ્બામાં સવારથી રાત સુધી ફરજ બજાવતી જોવા મળશે

આજથી તમે સેન્ટ્રલ રેલવેની ટ્રેનોમાં પ્રવાસ કરતા હશો તો લેડીઝની સાથે જનરલ કોચમાં પણ મહિલા આરપીએફ તમારી સુરક્ષા કરતી જોવા મળે તો નવાઈ નહીં પામતા; કારણ કે મહિલા આરપીએફ હવે લોકલના જનરલ ડબ્બામાં અને પ્લૅટફૉર્મ પર કાર્બાઇન અને પિસ્તોલ સાથે તમારી સુરક્ષા કરવાની છે. હવેથી સવારથી લઈને છેલ્લી લોકલ સુધી મહિલા આરપીએફ ટ્રેનોમાં સુરક્ષા કરવાની પોતાની ફરજ બજાવતી નજરે ચડશે. સેન્ટ્રલ રેલવેના આરપીએફ કાફલામાં જોડાયેલી પચાસ મહિલા આરપીએફને ખાસ ટ્રેઇનિંગ આપીને લોકલમાં સુરક્ષા કરવા ફ્રન્ટ પર ઉતારવામાં આવી છે. મહિલા આરપીએફને ફ્રન્ટ પર લાવીને એને ‘આરપીએફ ગર્લ પાવર વિથ આર્મ્સ’ નામ પણ અપાયું છે.

 ‘આરપીએફ ગર્લ પાવર વિથ આર્મ્સ’ વિશે સેન્ટ્રલ રેલવેના આરપીએફના સિનિયર ડિવિઝનલ સિક્યૉરિટી કમિશનર જિતેન્દ્ર શ્રીવાસ્તવે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘આરપીએફમાં ગર્લ પાવરની સ્ટ્રેન્થનો ઉપયોગ કરવા અને તેમને ફ્રન્ટ પર લાવીને ફરજ બજાવવા માટે પચાસ મહિલા આરપીએફને ખાસ ટ્રેઇનિંગ આપીને તૈયાર કરવામાં આવી છે. પહેલાં મહિલા આરપીએફ મહિલાઓ સંબંધી ફરિયાદો હૅન્ડલ કરતી હતી કે પછી લેડીઝ કોચમાં પૅટ્રોલિંગ કરતી હતી, પરંતુ તેમને હવે ટ્રેઇનિંગ આપીને આર્મ્સ સાથે સુસજ્જ કરવામાં આવી છે. એટલે આજથી મહિલા આરપીએફ ફક્ત મહિલા સિક્યૉરિટીનું જ કામ નહીં કરે, જનરલ કોચમાં પૅટ્રોલિંગ પણ કરશે. આ પચાસ મહિલા આરપીએફ લોકલ સાથે લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનોમાં અને પ્લૅટફૉર્મ પર પૅટ્રોલિંગ તેમ જ મોબાઇલ-ચેકિંગના કેસને ઓછા કરવા કામ કરતી જોવા મળશે.’

એક્સપ્રેસ ટ્રેનમાં એકે-૪૭ સાથે

આજથી સેન્ટ્રલ રેલવેની લોકલ ટ્રેનોમાં મહિલા આરપીએફ ફરજ બજાવતી દેખાશે. એની સાથે આગામી અઠવાડિયાથી લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનોમાં પણ મહિલા આરપીએફ સુરક્ષા કરવાની છે. એટલું જ નહીં, એ વખતે એકે-૪૭ સાથે તેઓ ફરજ બજાવશે.

સેન્ટ્રલ રેલવેની એક લોકલમાં દસ મહિલા આરપીએફ અને બેથી ત્રણ પુરુષ આરપીએફ ફરજ બજાવવાના છે

mumbai mumbai news central railway preeti khuman-thakur