૧૫ દિવસમાં ૪ મહિલાની ઘાતકી હત્યા, સિરિયલ કિલરનો હાથ તો નથીને?

19 August, 2012 02:58 AM IST  | 

૧૫ દિવસમાં ૪ મહિલાની ઘાતકી હત્યા, સિરિયલ કિલરનો હાથ તો નથીને?

મહિલાઓનું ગળું ચીરીને કરવામાં આવી રહેલી હત્યાના સિલસિલામાં ગઈ કાલે વધુ એક કિસ્સો નોંધાયો હતો. સાંતાક્રુઝ (વેસ્ટ)માં રાહેજા કૉલેજ પાસેના નાળા નજીકથી ૩૦થી ૩૫ વર્ષની એક મહિલાનો ગળું ચીરીને હત્યા કરાયેલો નગ્ન મૃતદેહ ગઈ કાલે સવારે મળી આવ્યો હતો. ઑગસ્ટમાં મહિલાઓની હત્યાનો આ ચોથો બનાવ છે. ત્રણ કેસમાં ગળાં ચીરી નાખીને હત્યા કરવામાં આવી હતી, જ્યારે શુક્રવારે મલાડમાંથી મળેલી ડેડબૉડમાં ગળું કાપીને માથું ધડથી અલગ કરીને હત્યા કરવામાં આવી હતી. ચારેચાર કિસ્સામાં હત્યારાનો કશો પત્તો નથી લાગ્યો એથી આની પાછળ કોઈક સિરિયલ કિલર હોવાની શક્યતાને ચકાસવામાં આવી રહી છે.

સાંતાક્રુઝ (વેસ્ટ)માં રાહેજા કૉલેજ પાસે મળી આવેલા મહિલાના મૃતદેહ વિશે માહિતી આપતાં સાંતાક્રુઝ પોલીસ-સ્ટેશનના એક ઑફિસરે કહ્યું હતું કે ‘જુહુમાં સવારે જૉગિંગ કરવા નીકળેલા લોકો મહિલાનો હત્યા કરાયેલો નગ્ન મૃતદેહ જોઈને ચોંકી ઊઠ્યાં હતા અને એેમાંની જ એક વ્યક્તિએ અમને આ વિશે જાણ કરી હતી. મહિલાનું ગળું ચીરી નાખવામાં આવ્યું છે. એવું લાગી રહ્યું છે કે મહિલાની હત્યા અન્ય કોઈક જગ્યાએ કર્યા બાદ તેના મૃતદેહને અહીં ફેંકી દેવામાં આવ્યો હોય. હત્યારાએ એ બાબતની કાળજી લીધી હતી કે તેના શરીર પર એક પણ વસ્ત્ર કે ઘરેણું રહેવા નથી દીધું એથી તેની ઓળખ કે એ બાબતે તપાસ કરવામાં મુશ્કેલી અનુભવાઈ રહી છે.’

સાંતાક્રુઝ પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર અરુણ ચવાણે આ બાબતે કહ્યું હતું કે ‘તેના કાંડા અને શરીરના અન્ય ભાગો પર ઈજાનાં ચિહ્નો છે. મહિલાની ઓળખ તો નથી થઈ શકી, પણ તે ૩૦થી ૩૫ વર્ષની ગૃહિણી હોવાનું લાગી રહ્યું છે. અમે તેનો ફોટો લોકોને બતાવીને ઓળખ પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.’

કેસની તપાસ કરી રહેલા પોલીસ-ઇન્સ્પેક્ટર સુનીલ કુડાળકરે કહ્યું હતું કે ‘મહિલાની હત્યા ગળું ચીરીને કરવામાં આવી છે એવું પ્રાથમિક તપાસમાં જણાયું છે, પણ શું એ પહેલાં તેના પર બળાત્કાર કરવામાં આવ્યો હતો કે નહીં એ વિશે પોસ્ટમૉર્ટમ-રિપોર્ટ આવ્યા બાદ જ જાણ થઈ શકશે.’

આ પહેલાં શુક્રવારે ૧૭ ઑગસ્ટે મલાડમાં માલવણીના કારગિલનગર પાસેના અંબુજવાડી નજીકની એક ઝાડીમાંથી ૨૫થી ૩૦ વર્ષની દેખાતી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. તેનું ગળું કાપીને માથું ધડથી અલગ કરી નાખવામાં આવ્યું હતું. એ પહેલાં ૯ ઑગસ્ટે મલાડ (ઈસ્ટ)ના કુરાર વિલેજમાં બની રહેલી સાંઈ સૈનિક ઇમારતના કમ્પાઉન્ડમાંથી ગૂણીમાં સંતાડવામાં આવેલો અંદાજે ૨૫ વર્ષની મહિલાનો મૃતદહે મળી આવ્યો હતો. તેની હત્યા દોરી વડે ગળું ટૂંપો દઈને કરવામાં આવી હતી. જોકે તેની સાથે બળાત્કાર કરવામાં નહોતો આવ્યો એવું તેના પોસ્ટમૉર્ટમ-રિપોર્ટમાં જણાયું હતું. એ પહેલાં મીરા રોડ રેલવે-સ્ટેશન પાસેની ખાડીમાંથી ૩ ઑગસ્ટે ૨૦થી ૨૫ વર્ષની દેખાતી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. પહેલા બે કેસમાં પોલીસ શરૂઆતમાં અલગ-અલગ તપાસ કરી રહી હતી, પણ શુક્ર અને શનિવારે બનેલી અન્ય બે હત્યાઓને કારણે અને એમાં પણ મહિલાઓનાં ગળાં ચીરીને અથવા ગળાં કાપીને કરવામાં આવેલી હત્યાની એકસરખી પદ્ધતિ વાપરવામાં આવી હોવાથી આ બધી જ હત્યા પાછળ કોઈ એક વ્યક્તિ કે કોઈ સિરિયલ કિલર તો નથીને એ બાબતે પોલીસ તપાસ ચલાવી રહી છે.

હત્યા કરાયેલી મહિલાઓમાંથી એકની પણ ઓળખ થઈ શકી ન હોવાથી તપાસ ધીમી થઈ રહી છે એવું લાગી રહ્યું છે. દરમ્યાન પોલીસ-ડિપાર્ટમેન્ટે અફવાઓ પર વિશ્વાસ ન કરવા તેમ જ એકલી મહિલાઓએ અજાણી જગ્યાએ જવાનું ટાળવું અને અજાણી વ્યક્તિઓથી સાવધ રહેવા જેવાં સાવચેતીનાં પગલાં લેવા જણાવ્યું છે.