મહિલાઓના વિનયભંગનો સિલસિલો હજી સુધી ચાલુ જ

27 December, 2012 06:06 AM IST  | 

મહિલાઓના વિનયભંગનો સિલસિલો હજી સુધી ચાલુ જ



મહિલાઓની વિરુદ્ધ થતા ગુનાના ત્રણ અલગ-અલગ બનાવ શહેરમાં નોંધાયા હતા. ઉલ્હાસનગરમાં ભેંસના એક તબેલામાં મજૂર તરીકે કામ કરતા એક પુરુષે માનસિક રીતે અક્ષમ એક મહિલા પર બળાત્કાર કર્યો હતો, જ્યારે દાદરમાં ઍર ઇન્ડિયાના એક કર્મચારીએ એક મહિલા ટ્રાફિક-કૉન્સ્ટેબલનો વિનયભંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. અન્ય બનાવમાં પોતાની જ સ્ટુડન્ટનો વિનયભંગ કરવાની ફરિયાદ જિમ્નૅસ્ટિકના ટીચર વિરુદ્ધ કરવામાં આવી હતી.

બળાત્કારીના પંજામાંથી છોડાવી

મંગળવારે રાત્રે ઉલ્હાસનગરના શહાડ ફાટક ફ્લાયઓવર પરથી આનંદ શર્મા પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમણે પચીસ વર્ષની સોનલ (નામ બદલ્યું છે) પર બળજબરી થતી જોઈ. ૪૭ વર્ષનો ઉદયરાજ તિવારી આ કૃત્ય કરી રહ્યો હતો. આનંદ શર્માએ રેલવે ઓવરબ્રિજ પરથી નીચે આવી ત્યાં હાજર રહેલા રિક્ષાડ્રાઇવરોને જાણ કરી હતી. છ-સાત જણ ત્યાં પહોંચ્યા તેમ જ આરોપીને સારોએવો માર મારીને પોલીસને હવાલે કર્યો હતો. મહિલા માનસિક રીતે બીમાર હોવાથી તેને બદલાપુરની સ્પેશ્યલ હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવી છે. મહિલાએ તામિલ ભાષામાં પોતાની કથની કહેતાં તેને મેડિકલ તપાસ માટે ઉલ્હાસનગરની સેન્ટ્રલ હૉસ્પિટલમાં મોકલવામાં આવી હતી. પોલીસે આરોપીની બળાત્કારના ગુના બદલ ધરપકડ કરી છે.

લેડી કૉન્સ્ટેબલ પણ ઝપટમાં

ઍર ઇન્ડિયાના કર્મચારી વિનય વાઘે દાદરમાં ફરજ બજાવી રહેલી મહિલા-કૉન્સ્ટેબલનો વિનયભંગ કયોર્ હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદી કૉન્સ્ટેબલે કહ્યું કે દાદર ટીટી પાસે વિનય વાઘને ઊભા રહેવાનું જણાવવામાં આવતાં તે પોતાની કારમાંથી નીચે ઊતર્યો હતો તેમ જ નેમપ્લેટ જ્યાં લગાવવામાં આવી છે ત્યાં છાતીના ભાગમાં વિનયભંગ થાય એ રીતે સ્પર્શ કર્યો હતો.

ટીચર વિરુદ્ધ સ્ટુડન્ટની ફરિયાદ

મહિલા સ્ટુડન્ટનો વિનયભંગ કરવાની ફરિયાદ બદલ માટુંગા પોલીસે માટુંગામાં આવેલી શિશુવન સ્કૂલના જિમ્નેસ્ટિક ટીચરની ધરપકડ કરી હતી. સ્કૂલના પ્રિન્સિપાલે કરેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે ગણેશ ભિસેએ મહિલા સ્ટુડન્ટના પ્રાઇવેટ પાર્ટ્સને ખોટી રીતે સ્પર્શ કરતો હતો. તેને નોકરીમાંથી હાંકી કાઢવામાં આવ્યો છે. પોલીસે તેની ધરપકડ કરીને બીજી જાન્યુઆરી સુધી પોલીસ-કસ્ટડી મેળવી છે.