પતિ અને સસરાના ત્રાસથી બળીને ગુજરાતી ગૃહિણીએ જીવન ટૂંકાવ્યું

17 November, 2014 03:34 AM IST  | 

પતિ અને સસરાના ત્રાસથી બળીને ગુજરાતી ગૃહિણીએ જીવન ટૂંકાવ્યું




અંકિતા સરીપડિયા

બોરીવલી (વેસ્ટ)ના રોશનનગરમાં બે બાળકો સાથે રહેતી ૩૯ વર્ષની ગૃહિણી અમીષા ચિંતન શાહે પતિ અને સસરાના ત્રાસથી કંટાળીને શનિવારે રાતે ૧૦ વાગ્યા પછી પોતાના ઘરના બેડરૂમમાં પોતાના પર કેરોસીન છાંટી સળગાવીને જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટનાની જાણ અમીષાની મમ્મીને થતાં તેઓ પાડોશીની મદદથી અમીષાને કાંદિવલીની શતાબ્દી હૉસ્પિટલમાં સારવાર માટે લઈ ગયાં હતાં અને અમીષાના પતિ ચિંતન તેમ જ તેના પિતા વિરુદ્ધ બોરીવલી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બોરીવલી પોલીસે હૅરૅસમેન્ટ અને આત્મહત્યાના પ્રયાસ માટે ઉશ્કેરવાનો ગુનો નોંધીને આરોપી ચિંતન અને તેના પિતાની ગઈ કાલે પૂછપરછ કરી હતી.

આ ઘટના વિશે વધુ માહિતી આપતાં ઇન્વેસ્ટિગેશન ઑફિસર કામતે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘અમીષા અને તેનો પતિ ચિંતન છેલ્લાં બે વર્ષથી અલગ રહે છે. શનિવારે રાતે અમીષાનો તેના પતિ ચિંતન સાથે ફોન પર ઝઘડો થતાં માનસિક રીતે ત્રાસેલી અમીષાએ પોતાને બેડરૂમમાં બંધ કરી કેરોસીન છાંટીને સળગાવી દીધી હતી. આ ઘટનાની જાણ તેના ઘરે રહેતી તેની મમ્મીને થતાં તેણે તરત જ પાડોશીને જાણ કરી હતી અને પાડોશીની મદદથી અમીષાને સારવાર માટે કાંદિવલીની શતાબ્દી હૉસ્પિટલમાં લઈ ગયાં હતાં. ત્યાં ડૉક્ટરોએ અમીષા ૯૦ ટકા જેટલી દાઝી ગઈ હોવાનું જણાવ્યું હતું. સારવાર દરમ્યાન પોલીસે અમીષાનું વિડિયો-સ્ટેટમેન્ટ લેતાં તેણે ચિંતન અને તેના પિતા ત્રાસ આપી રહ્યા હોવાનું અને પિયરથી રકમની માગણી કરી હોવાને કારણે આ પગલું ભર્યું હોવાનું સ્પષ્ટ કર્યું હતું. અમીષાના સ્ટેટમેન્ટના આધારે અમે આરોપી ચિંતન અને તેના પિતાની ગઈ કાલે પૂછપરછ કરી હતી. સારવાર દરમ્યાન અમીષાએ ગઈ કાલે વહેલી સવારે સાડાપાંચ વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા.’

અમીષાના પરિવાર વિશે જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે ‘અમીષાના તેના પતિ સાથે રોજેરોજ ઝઘડા થતા હોવાને કારણે તેમ જ પતિ અને સસરાના માનસિક ત્રાસથી પીડાઈને છેલ્લાં બે વર્ષથી તે તેની ૧૧ વર્ષની પુત્રી અને ત્રણ વર્ષના પુત્ર સાથે અલગ રહેતી હતી. ચિંતન તેનાં મમ્મી-પપ્પા સાથે બોરીવલી (વેસ્ટ)માં ચંદાવરકર લેનમાં આવેલા ઘરે રહે છે. ચિંતનની બન્ને કિડની પોણાબે વર્ષ કરતાં વધુ સમયથી ફેલ છે.’