ડોમ્બિવલીમાં જમીન-વિવાદમાં બુલડોઝરને રોકવા મહિલાઓએ બાથ ભીડી : હાથાપાઈ થતાં થયો દેકારો

26 August, 2026 11:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ દરમ્યાન બન્ને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી અને શારીરિક અડપલાં થવા લાગતાં પરિસ્થિતિ વણસી હતી.

બુલડોઝરથી કાર્યવાહી હાથ ધરાઈ તે.

ડોમ્બિવલી વિસ્તારની એક વિવાદાસ્પદ જમીન પર ગેરકાયદે બાંધકામ હટાવવા બુલડોઝર સાથે પહોંચેલા બિલ્ડરના માણસો દ્વારા શરૂ કરાયેલી ડિમોલિશન કાર્યવાહી દરમ્યાન ભારે હોબાળો મચ્યો હતો. બિલ્ડર દ્વારા જમીન ખાલી કરાવવા માટે લાવવામાં આવેલા બુલડોઝરને રોકવા સ્થાનિક મહિલાઓ બુલડોઝરની સામે આવી ગઈ હતી અને વિરોધ-પ્રદર્શન કર્યું હતું. આ દરમ્યાન બન્ને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી અને શારીરિક અડપલાં થવા લાગતાં પરિસ્થિતિ વણસી હતી.

જમીનની માલિકી વિશેના જૂના વિવાદને લઈને બિલ્ડર દ્વારા આ મિલકત ખાલી કરાવવા માટે ઘટનાસ્થળે બુલડોઝર મોકલાવાયું હતું. સ્થાનિક રહીશોને જાણ થતાં જ મોટી સંખ્યામાં મહિલાઓ એકઠી થઈ ગઈ હતી અને આ કાર્યવાહી રોકવા બુલડોઝરની આગળ ઊભી રહી ગઈ હતી. વિરોધ દર્શાવતી વખતે એક મહિલાએ બુલડોઝરના મિકેનિકલ આર્મને પકડી લીધો હતો અને ત્યાંથી હટવાનો ઇનકાર કરી દીધો હતો. અન્ય મહિલાઓ જોકે તેને સમજાવીને બાજુ પર ખસેડવાનો પ્રયાસ કરી રહી હતી.

જોતજોતામાં પરિસ્થિતિ વણસી ગઈ હતી અને બુલડોઝર સાથે આવેલા બિલ્ડરના માણસો તેમ જ વિરોધ કરી રહેલા સ્થાનિક રહીશો વચ્ચે મારામારી શરૂ થઈ ગઈ હતી. ઝપાઝપી બાદ વાતાવરણ તંગ  બનતાં બન્ને પક્ષોએ સ્થાનિક પોલીસ મથકે પહોંચીને એકબીજા સામે ક્રૉસ કમ્પ્લેન નોંધાવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે ગુનો નોંધી આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

mumbai news mumbai dombivli mumbai police