છેડતી કરનારાઓ ન્યૂ યરની પાર્ટીમાં રહેજો સાવધાન!

31 December, 2011 04:24 AM IST  | 

છેડતી કરનારાઓ ન્યૂ યરની પાર્ટીમાં રહેજો સાવધાન!



(શિવા દેવનાથ)

મુંબઈ, તા. ૩૧

છેડતી કરનારાઓની ખો ભુલાવી દેવાનું આ વર્ષે મુંબઈપોલીસે નક્કી કરી લીધું હોય એમ લાગે છે. ન્યુ યરની પાર્ટીમાં તમારી બાજુમાં ડાન્સ કરી રહેલી યુવતી મુંબઈપોલીસની સભ્ય પણ હોઈ શકે છે. મુંબઈના વેસ્ટ તથા નૉર્થ ઝોનમાં ભૂતકાળમાં થયેલા વિનયભંગ તથા બળાત્કારના કેસ પરથી પાઠ શીખીને પોલીસે આ વર્ષે ન્યુ યરની પાર્ટીમાં જનારા લોકો પર નજર રાખવા કેટલીક મહિલાઓને આ વિશેષ કામગીરી સોંપી છે. મહિલા કૉન્સ્ટેબલ ઉપરાંત ૩૦૦ જેટલી મહિલાઓને પાર્ટી પર નજર રાખવા પોલીસે ભાડે રાખ્ાી છે જેમને નાઇટ ક્લબ તથા પાર્ટીઓમાં આવા કેસોને ડામવા ફરજ પર મૂકવામાં આવશે, કારણ કે દરેક પાર્ટી પર નજર રાખવી પોલીસ માટે શક્ય નથી. વળી વિનયભંગ કરનારાઓ તથા ચોરો ભીડનો ફાયદો પણ ઉઠાવતા હોય છે એટલે ભાડેથી રાખવામાં આવેલી આ મહિલાઓ પોલીસના જાસૂસ તરીકે પણ કામ કરશે.

ગોરેગામ (ઈસ્ટ)માં રિક્ષાચાલકે નેધરલૅન્ડ્સની ૧૮ વર્ષની યુવતી પર કરેલા બળાત્કારના બનાવ બાદ પોલીસને એવું લાગ્યું કે મુંબઈમાં ખાસ કરીને મહિલાઓ રાતના સમયે સુરક્ષિત નથી.

આવા વધુ બનાવો ન બને એ માટે આજે પોલીસે એકાંત સ્થળો પર સુરક્ષા-વ્યવસ્થામાં ત્રણગણો વધારો કર્યો છે. ઍડિશનલ કમિશનર ઑફ પોલીસ (નૉર્થ રીજન) રામરાવ પવારે કહ્યું હતું કે ‘છેડતી કરનારાઓને રોકવા અમે મહિલાઓની મદદ લેવાનું નક્કી કર્યું છે તેમ જ તેમને પાર્ટીઓમાં પણ મોકલવામાં આવશે. પાર્ટીમાં પહેરે એવાં કપડાંઓ પહેરીને આ મહિલાઓ ડાન્સ-ફ્લોર પર લોકોનાં ટોળાંમાં ભળી જશે તેમ જ છેડતી કરનારાઓ પર નજર રાખી તેમની માહિતી પાર્ટીની બહાર ફરજ બજાવતા કૉન્સ્ટેબલ સુધી પ્ાહોંચાડવાનું કામ કરશે.’

ઝોન ૯ના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસના પ્રતાપ દીઘાવકરે કહ્યું હતું કે ન્યુ યરની ઉજવણીનાં સ્થળો પર પોલીસ-બંદોબસ્ત મૂકવા માટે આઠ જેટલી પોલીસ-સ્ક્વૉડની રચના કરવામાં આવી છે. કોઈને પણ શંકા ન જાય કે આ મહિલાઓ પોલીસની જાસૂસ છે એ માટે તેમને પૈસા ખર્ચીને આવી પાર્ટીઓમાં મોકલવામાં આવશે.