બીએમસીની બેદરકારીથી કુર્લામાં મહિલાનો જીવ ગયો?

24 November, 2020 10:55 AM IST  |  Mumbai | Mumbai correspondent

બીએમસીની બેદરકારીથી કુર્લામાં મહિલાનો જીવ ગયો?

કુર્લામાં દીવાલ તૂટી પડતાં મહિલા દબાઈને મૃત્યુ પામી.

કુર્લા વેસ્ટના નવપાડા વિસ્તારમાં આવેલા એક પબ્લિક ટૉઈલેટની ભીંત ગઈ કાલે સવારે તૂટી પડતાં એક મહિલાનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ થયું છે. પાલિકા દ્વારા એ જૂના ટૉઈલેટ તોડી નવાં બનાવવાના હોવાથી શુક્ર-શનિમાં એ તોડવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી, પણ સ્થાનિકોએ વિરોધ કરતા પાલિકાએ ટૉઈલેટ કોઈ વાપરી ન શકે એવા કરી દીધા હતા. છતાં સોમવારે ૪ મહિલા તેનો ઉપયોગ કરી રહી હતી. ૩ મહિલાઓ બહાર આવી ગઈ પણ એક મહિલા ગંભીર રીતે ઘવાતાં મૃત્યુ પામી હતી. પાલિકાએ નવું ટૉઈલેટ બાંધ્યા વિના જૂનું બંધ કરી દેવાથી મહિલાઓ માટે વિકલ્પ ન હોવાથી એનો ઉપયોગ કરતી હતી. આથી પાલિકાની બેદરકારીથી મહિલાનો જીવ ગયો હોવાનો આરોપ લોકો કરી રહ્યા છે.
કુર્લા વેસ્ટના એલબીએસ માર્ગ પર આવેલી નાઝ હોટેલ પાછળના નવપાડા બૉમ્બે ઉત્કલ સમિતિમાં આવેલા પબ્લિક ટૉઈલેટની ભીંત ગઈ કાલે સવારે ૭.૪૩ વાગ્યે તૂટી પડી હતી. એ ભીંતનો કાટમાળ ૫૫ વર્ષના દ્રોપદી પરશુરામ રાવલ પર પડતાં એ હેઠળ તેઓ ફસાઈ ગયાં હતાં. તરત જ આ બાબતે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરબ્રિગેડના જવાનો ઘટનાસ્થળે ધસી ગયા હતા. તેમણે કાટમાળ ખસેડી દ્રોપદી રાવલેને બહાર કાઢ્યાં હતાં. તરત જ સારવાર માટે તેમને રાજાવાડી હૉસ્પિટલ લઈ જવાયાં હતાં જ્યાં ડૉક્ટરોએ તેમને તપાસીને મૃત જાહેર કર્યાં હતાં.
ઘટના વિશે માહિતી આપતાં મુંબઈ મહાનગરપાલિકાના એલ વૉર્ડના વૉર્ડ ઑફિસર મનીષ વળુંજે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે હાલ હાથમાં ધરાયેલા એક અભિયાન હેઠળ અમે જૂના ટૉઈલેટ તોડી નવા બનાવી રહ્યા છીએ. એ અંતર્ગત આ પબ્લિક ટૉઈલેટનો પણ સમાવેશ થતો હતો. ત્યાં છ જેન્ટસ અને છ લેડિઝ ટૉઈલેટ હતાં. મેલ ટૉઈલેટ અમે ઓલરેડી ડીમોલિશ કર્યું હતું અને ફિમેલ ટૉઈલેટ ડીમોલિશ કરવા અમારી ટીમ ત્યાં શુક્રવારે ગઈ પણ હતી, પણ ત્યાંના સ્થાનિક લોકોએ તેનો વિરોધ કર્યો હતો. એથી અમે તેને અનયુઝેબલ (કોઈ વાપરી ન શકે તેવું) કરીને રાખ્યું હતું. ગઈ કાલે સવારે ચાર મહિલાઓ તેનો ઉપયોગ કરવા ગઈ હતી, પણ દીવાલ તૂટી રહી છે એની જાણ થતાં ૩ મહિલાઓ ત્યાંથી ઝડપભેર નીકળી જતાં બચી ગઈ હતી, પણ એક મહિલા તેના કાટમાળ હેઠળ ફસાઈ ગઈ હતી. અમે એ ટૉઈલેટ તોડીને લોકોને અસુવિધા ન થાય એ માટે પહેલાં ત્યાં ટેમ્પરરી ટૉઈલેટ બનાવી દેવાના હતા, પણ લોકોએ એ જૂનું ટૉઈલેટ તોડવા જ ન દીધું એથી ટેમ્પરરી ટૉઈલેટ પણ ત્યાં ન બની શક્યું. આમ નવા ટૉઈલેટ બને એ પહેલાં જ એ દુર્ઘટના બની હતી અને મહિલાએ જીવ ગુમાવવો પડ્યો હતો.

mumbai mumbai news brihanmumbai municipal corporation kurla