જીવ બચાવનાર પોલીસનો પગે પડીને આભાર

10 January, 2021 09:50 AM IST  |  Thane | Gujarati Mid-day Correspondent

જીવ બચાવનાર પોલીસનો પગે પડીને આભાર

પ્રતીકાત્મક તસવીર

થાણે સ્ટેશન પર ગઈ કાલે પ્લૅટફૉર્મ પર પેટ્રોલિંગ કરી રહેલી પોલીસે ચપળતા દાખવી ચાલુ ટ્રેનમાંથી ઊતરેલી મહિલાને પ્લૅટફૉર્મ અને ટ્રેનની વચ્ચેના ગેપમાંથી પાટા પર પડતી અણીના સમયે બચાવી લેતાં એ મહિલાનો જીવ બચી ગયો હતો. મોતના મુખમાંથી પાછી ફરેલી મહિલાના પરિવારે પોલીસના પગે પડીને આભાર માનતા પોલીસની આંખ પણ ભીંજાઈ ગઈ હતી.

આ ઘટના વિશે માહિતી આપતા થાણે જીઆરપીના સિનિયર પીઆઇ એન. જી. ખડકીકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે લોકોને બચાવવા એ અમારી ફરજ છે અને આવું અવારનવાર બનતું હોય છે. ફરજ બજાવવી એ બરોબર પણ ચપળતા દાખવી પોતાનો જીવ જોખમમાં મૂકી કોઈનો જીવ બચાવવો એ બહુ જ મોટી વાત છે. 

વધુ માહિતી આપતાં સિનિયર પીઆઇ એન. જી. ખડકીકરે કહ્યું હતું કે

યુપીથી આવેલી મહનાગરી એક્સપ્રેસ સીએસટી જઈ રહી હતી. સવારે ૧૦.૪૨ વાગ્યે પ્લૅટફૉર્મ નંબર પાંચ પર એ ટ્રેનમાંથી પ્રવાસીઓ ઊતર્યા હતા. રાજુ ભારદ્વાજ અને તેમની દીકરી તો પ્લૅટફૉર્મ પર ઊતરી ગયાં હતાં પણ તેમની પત્ની ધનપટ્ટીને ઊતરવામાં સહેજ મોડું થઈ જતાં ટ્રેન ચાલુ થઈ ગઈ હતી. ગભરાયેલી ધનપટ્ટી ચાલુ ટ્રેનમાં ઊતરવા ગઈ પણ એ સંતુલન ન રાખી શકી અને પ્લૅટફૉર્મ પર પડી હતી. એ ટ્રેન અને પ્લૅટફૉર્મના ગેપની અંદર સરકી રહી હતી ત્યારે જ પ્લૅટફૉર્મ પર પેટ્રોલિંગ કરી રહેલા પીએસઆઇ નીતિન પાટીલ અને એએસઆઇ સત્તાર શેખ એક પણ પળ વગર ગુમાવ્યા વગર દોડ્યા હતા અને ધનપટ્ટી ગેપમાં સરી પડે પહેલાં તેને પ્લૅટફૉર્મ પર ખેંચી લઈ તેનો જીવ બચાવ્યો હતો.

mumbai mumbai news thane