એકની અંદર એક

14 June, 2022 09:30 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

પ્રફુલ્લા શાહના હૃદયના બગડેલા વાલ્વમાં નવો વાલ્વ બેસાડ્યો, એ પણ ઓપન હાર્ટ સર્જરી નહીં કરીને : વેસ્ટર્ન ઇન્ડિયામાં આવી પ્રથમ વિરલ સર્જરી

પ્રફુલ્લા શાહ (વચ્ચે), ડૉ. મૌલિક પારેખ અને પ્રફુલ્લાબહેનની દીકરી વિશ્રુતિ સર્જરી પછી ખુશખુશાલ

મુંબઈની એચ. એન. રિલાયન્સ હૉસ્પિટલ (હરકિસનદાસ હૉસ્પિટલ)માં એક દરદી પર નવી જ ટેક્નિક સાથેની સર્જરી કરીને તેમના હૃદયમાં બગડી ગયેલા વાલ્વની અંદર જ નવો વાલ્વ બેસાડવામાં આવ્યો છે અને તેમને જીવતદાન આપવામાં આવ્યું છે. આ કેસમાં અગાઉ દરદીનો વાલ્વ બગડી જતાં ઓપન હાર્ટ સર્જરી કરીને નવો વાલ્વ બેસાડવામાં આવ્યો હતો. જોકે એ વાલ્વ કેટલાંક વર્ષો બાદ બગડી જતાં નવો વાલ્વ બેસાડવાની જરૂર ઊભી થઈ હતી, પણ બીજો વાલ્વ બદલતી વખતે ઓપન હાર્ટ સર્જરી કરવી બહુ જોખમી હોવાથી આખરે નૉન-સર્જિકલ ટ્રીટમેન્ટનો આશરો લેવો પડ્યો અને તેમના બગડી ગયેલા વાલ્વમાં જ નવો વાલ્વ બેસાડવામાં આવ્યો હતો. વેસ્ટર્ન ઝોનમાં પહેલી જ વાર આવી જટિલ પરંતુ ઓછી જોખમી એવી ટ્રીટમેન્ટ કરવામાં આવી છે.

આ અનોખા કેસ વિશે માહિતી આપતાં આ સારવાર કરનાર ડૉ. મૌલિક પારેખે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘માણસના હૃદયમાં કુલ ચાર વાલ્વ હોય છે. એમાંનો આ વાલ્વ જમણી સાઇડે હોય છે. આ કેસમાં ૬૪ વર્ષનાં દરદી પ્રફુલ્લા શાહની પંદરેક વર્ષ પહેલાં ઑલરેડી ઓપન હાર્ટ સર્જરી કરીને એ વાલ્વ બદલવામાં આવ્યો હતો, પણ વર્ષો જતાં એ વાલ્વ બગડી ગયો હતો, એથી તેમને પગમાં સોજા આવવા માંડ્યા હતા અને ચાલવામાં તકલીફ થતી હતી. ફરીથી ચેક કરતાં તેમનો એ વાલ્વ બગડી ગયેલો જણાયો હતો એટલે એ બદલવો જરૂરી હતો. તેમની ઉંમર જોતાં ફરી એક વખત ઓપન હાર્ટ સર્જરી કરીને આખું હૃદય ખોલી એ વાલ્વ બદલવો બહુ જોખમી હતું એથી નવી નૉન-સર્જિકલ ટેક્નિકનો સહારો અમે લીધો હતો. જે રીતે હૃદયની નળીઓમાં બ્લૉકેજ હોય તો સ્ટેન્ટ બેસાડવામાં આવે એવી રીતે આ વાલ્વ બેસાડાયો હતો, પણ મૂળ વાત એ છે કે એ સ્ટેન્ટની સાઇઝ માત્ર પાંચથી છ મિલીમીટર હોય છે, જ્યારે આ વાલ્વ ૨૫થી ૨૬ એમએમનો હોય છે. પગની નસમાંથી ટ્યુબ પાસ કરીને એ હૃદય સુધી લઈ જવાય અને એ પછી એમાંથી સંકોચીને રાખેલો વાલ્વ જૂના વાલ્વમાં ઇન્સર્ટ કરાય. એ વખતે સંકોચીને રખાયેલો વાલ્વ ખૂલીને જૂના વાલ્વમાં ફિસટ થઈ જાય અને એનું કામ કરવા માંડે. જોકે આ ટેક્નિકમાં જૂના વાલ્વને કાઢી નથી શકાતો, જૂના વાલ્વમાં જ નવો વાલ્વ ફિ્ટ થઈ જાય છે.’

મુંબઈમાં, વેસ્ટર્ન ઇન્ડિયામાં પહેલી જ વાર આવી ટ્રીટમેન્ટ કરવામાં આવી છે એમ જણાવતાં ડૉ. મૌલિક પારેખે વધુમાં કહ્યું હતું કે ‘આ વાલ્વ ટિકશ્યુમાંથી બને છે અને એ આપણે ત્યાં તૈયાર નથી કરી શકાતો એથી વિદેશથી ઇમ્પોર્ટ કરવો પડે છે, જેથી ટ્રીટમેન્ટની કૉસ્ટ વધી જાય છે. અંદાજે આ ટ્રીટમેન્ટનો ખર્ચ ૧૫થી ૨૫ લાખ આવી શકે છે, પણ ડેફિનેટલી એ લાઇફ સેવિંગ ડિવાઇસ તો કહી જ શકાય અને જીવથી મોટું કંઈ જ નથી.’   

mumbai mumbai news reliance bakulesh trivedi