મહિલા પોલીસની દાદાગીરી : પતિ અને પુત્ર સાથે મળીને કરી સેક્રેટરીની મારપીટ

31 January, 2023 11:00 AM IST  |  Mumbai | Prakash Bambhrolia

પોલીસ કમિશનરની ઑફિસમાં કામ કરતી મહિલા કૉન્સ્ટેબલના દબાણથી પોલીસે એફઆઇઆર નોંધવાને બદલે માત્ર એનસી નોંધી : મારપીટમાં પગમાં ફ્રૅક્ચર આવ્યું હોવા છતાં આરોપીઓ સામે કાર્યવાહી ન કરાતાં પોલીસ કમિશનરને રજૂઆત કરાઈ

સેક્રેટરી સંતોષ સફાલીગાના પગનું હાડકું તૂટી જતાં પ્લાસ્ટર બાંધવામાં આવ્યું છે.

મીરા રોડમાં મહિલા પોલીસ કૉન્સ્ટેબલે તેના પતિ અને પુત્ર સાથે મળીને સોસાયટીના સેક્રેટરીની મારપીટ કરી હોવાની ઘટના ત્રણ દિવસ પહેલાં બની હતી. સોસાયટીના એક રહેવાસીએ બર્થ-ડેની ઉજવણી કરવા માટેની મંજૂરી મેળવવા અરજી કરતી એ સેક્રેટરીએ મંજૂર કરતાં મને પૂછ્યા વિના કેમ પરમિશન આપી એવો સવાલ કરીને મહિલા કૉન્સ્ટેબલના ચૅરમૅન પતિ, સગીર પુત્ર અને ખુદ મહિલા કૉન્સ્ટેબલે સેક્રેટરીને સોસાયટીના ગ્રાઉન્ડમાં બોલાવીને મારપીટ કરી હતી. એમાં સેક્રેટરીના પગનું હાડકું તૂટી ગયું હતું. સેક્રેટરીને ત્રણ લોકો મારતા હોવાનું જોઈને રહેવાસીઓ દોડી આવ્યા હતા. જો તેઓ વચ્ચે ન પડત તો સેક્રેટરીના જીવનું જોખમ ઊભું થયું હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવ બાદ સોસાયટીના રહેવાસીઓએ કાશીમીરા પોલીસ સ્ટેશનમાં ચાર કલાક સુધી મહિલા કૉન્સ્ટેબલ, તેના પતિ અને પુત્ર સામે એફઆઇઆર નોંધાવવા માટે પ્રયાસ કર્યા હતા, પરંતુ આરોપી પોલીસ હતી એટલે માત્ર એનસી નોંધીને બધાને રવાના કર્યા હતા. આથી સેક્રેટરીએ આ મામલે મીરા-ભાઈંદર, વસઈ-વિરાર પોલીસના કમિશનરને આ મામલે રજૂઆત કરવાનો નિર્ણય લીધો છે.

મીરા રોડ-પૂર્વમાં જીસીસી ક્લબની સામેના ભાગમાં ચાર વિંગની ન્યુ મીરા સોસાયટી આવેલી છે. ચારેય વિંગની સોસાયટીની કમિટીમાં સંતોષ સફાલીગા સેક્રેટરી છે, જ્યારે વિજયાનંદ નાઈક ચૅરમૅન છે. સોસાયટીમાં ખુલ્લી જગ્યા ઘણી છે એટલે અહીં અવારનવાર ગણેશોત્સવ, નવરાત્રિ અને હોળી જેવા તહેવારની સામૂહિક ઉજવણી થાય છે. આ સિવાય રહેવાસીઓ બર્થ-ડે કે બીજું કોઈ ફૅમિલી ફંક્શન પણ અમુક ચાર્જ આપીને અહીં કરે છે.

સોસાયટીના રહેવાસીઓના કહેવા મુજબ તાજેતરમાં એક રહેવાસીએ બર્થ-ડેની ઉજવણી કરવા માટે મંજૂરી માગી હતી, જેને સેક્રેટરી સંતોષ સફાલીગાએ બીજા કમિટી મેમ્બરોની સહમતીથી આપી હતી. આ વાતની જાણ થતાં ચૅરમૅન વિજયાનંદ નાઈકે સેક્રેટરી સંતોષ સફાલીગાને ૨૬ જાન્યુઆરીએ રાત્રે ૯.૩૦ વાગ્યે સોસાયટીના ગ્રાઉન્ડમાં આવવાનું કહ્યું હતું. સેક્રેટરી ગ્રાઉન્ડમાં પહોંચ્યા ત્યારે ચૅરમૅનના પુત્ર વેદાંતે સેક્રેટરી પર હુમલો કરી દીધો હતો. સેક્રેટરીએ પ્રતિકાર કરતાં ચૅરમૅન વિજયાનંદ નાઈક અને તેની કૉન્સ્ટેબલ પત્ની સુજાતા નાઈક પણ સેક્રેટરી પર તૂટી પડ્યાં હતાં. ત્રણેયના હુમલામાં સેક્રેટરીને ગંભીર ઈજા થઈ હતી અને તેમના પગમાં ફ્રૅક્ચર આવ્યું હતું.

પોલીસે ચાર કલાક બેસાડ્યા
ન્યુ મીરા સોસાયટીના સેક્રેટરી સંતોષ સફાલીગાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી સોસાયટીની ‘એ’ વિંગમાં ૭૦૨ નંબરના ફ્લૅટમાં મહિલા પોલીસ કૉન્સ્ટેબલ સુજાતા નાઈક પતિ વિજયાનંદ અને ૧૭ વર્ષના પુત્ર વેદાંત સાથે રહે છે. ૨૬ જાન્યુઆરીએ રાત્રે મને ગ્રાઉન્ડમાં બોલાવીને બર્થ-ડે માટેની મંજૂરી કેમ આપી? એવો સવાલ કરીને મારી મારપીટ કરી હતી. મારા ડાબા પગમાં ફ્રૅક્ચર આવ્યું હોવા છતાં કાશીમીરા પોલીસે આરોપીઓ સામે એફઆઇઆર નોંધવાને બદલે માત્ર એનસી લીધી છે. રાતના ચાર કલાક સુધી અમે પોલીસને એફઆઇઆર નોંધવાની વિનંતી કરી હોવા છતાં આરોપી મહિલા કૉન્સ્ટેબલ છે એટલે કાશીમીરા પોલીસે અમારી વાત નહોતી સાંભળી. સુજાતા નાઈક પોલીસ કમિશનરની ઑફિસમાં કામ કરે છે એટલે તેની સામે હજી સુધી કોઈ કાર્યવાહી નથી કરાઈ. અમે પોલીસ કમિશનર મધુકર પાંડેને મળીને આ મામલે કાર્યવાહી કરવાની માગણી કરવાના છીએ.’

સોસાયટીના લોકોને ધમકાવવાનો પ્રયાસ
મારપીટની ઘટના બાદ સોસાયટીના રહેવાસીઓ સાક્ષી ન બને અને કાર્યવાહી કરવાની માગણી ન કરે એ માટે કાશીમીરા પોલીસની ટીમ બે દિવસથી સોસાયટીમાં આવે છે. આ વિશે સેક્રેટરી સંતોષ સફાલીગાએ કહ્યું હતું કે ‘સોસાયટીના ૬૦થી વધુ લોકોએ નાઈક પરિવારના ત્રણેય લોકો સામે કાર્યવાહી કરવાની માગણી કરતી અરજીમાં સહી કરી છે. એફઆઇઆર ન નોંધાય એ માટે કૉન્સ્ટેબલ સુજાતા નાઈક બે દિવસથી પોલીસ બોલાવીને સોસાયટીના લોકોને ડરાવી રહી છે. જોકે બધા મક્કમ છે અને સોસાયટીની આખી કમિટી મારી સાથે છે એટલે અમે ડરીશું નહીં.’

ઘટના સીસીટીવી કૅમેરામાં કેદ
મહિલા કૉન્સ્ટેબલ, તેના પતિ અને પુત્રે સોસાયટીના સેક્રેટરીની કરેલી મારપીટની ઘટના સીસીટીવી કૅમેરામાં કેદ થઈ ગઈ છે. સીસીટીવી કૅમેરાનાં ફુટેજમાં કેવી રીતે સેક્રેટરીની મારપીટ કરવામાં આવી હતી અને સોસાયટીના રહેવાસીઓેએ વચ્ચે પડીને તેમને બચાવ્યા હોવાનું જણાઈ આવે છે. આ પુરાવા હોવા છતાં પોલીસે હજી સુધી મહિલા કૉન્સ્ટેબલ કે તેના પતિ અને પુત્ર સામે કોઈ કાર્યવાહી નથી કરી.

મેડિકલ રિપોર્ટ નથી આપ્યો
કાશીમીરા પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સંદીપ કદમે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ન્યુ મીરા સોસાયટીના સેક્રેટરી સંતોષ સફાલીગાની મારપીટ થવાના કેસમાં અમે એનસી નોંધીને તપાસ હાથ ધરી છે. મારપીટમાં ફ્રૅક્ચર થયું હોવાનો મેડિકલ રિપોર્ટ ફરિયાદીએ હજી સુધી અમને આપ્યો નથી. મામલો ગંભીર જણાશે તો આરોપીઓ સામે એફઆઇઆર નોંધીને કાર્યવાહી કરીશું. આ મામલામાં મહિલા કૉન્સ્ટેબલ સુજાતા નાઈક અને તેના પરિવારે પણ ક્રૉસ એનસી નોંધાવી છે.’

mumbai mumbai news Crime News mira road mumbai police prakash bambhrolia