ભાઇંદરમાં ચાલુ ટ્રેનમાં મહિલાએ બાળકીને જન્મ આપ્યો

30 December, 2012 04:23 AM IST  | 

ભાઇંદરમાં ચાલુ ટ્રેનમાં મહિલાએ બાળકીને જન્મ આપ્યો



વિરારથી દાદર જતી લોકલ ટ્રેનમાં ભાઈંદર રેલવે-સ્ટેશન પાસે એક મહિલાએ બાળકીને જન્મ આપ્યો હતો. આ મહિલાને સ્ટેશનથી હૉસ્પિટલમાં લઈ જવા ઍમ્બ્યુલન્સ અને હમાલનો થતો ખર્ચ રેલવે દ્વારા આપવામાં આવ્યો હતો.

વિરારમાં રુસ્તમજી ગ્લોબલ સિટીમાં બાંધકામનું કામ કરતા કર્ણાટકના ૪૦ વર્ષના મુત્તપ્પા રાઠોડની ૩૩ વર્ષની ગર્ભવતી પત્ની સંતોષીને છેલ્લો મહિનો હોવાથી તપાસ માટે બોરીવલીની હૉસ્પિટલમાં દાખલ કરાવવા ટ્રેનમાં લઈ જવામાં આવી રહી હતી. અચાનક જ વસઈ સ્ટેશન છોડ્યા બાદ તેને પેટમાં ભારે દુખાવો થવા લાગ્યો હતો. નાયગાંવ સ્ટેશન પહોંચતાં આ દુખાવો અતિશય વધી ગયો હતો. નાયગાંવ સ્ટેશન પછી અને ભાઈંદર સ્ટેશનની પાસે જ આ મહિલાએ બાળકીને જન્મ આપ્યો હતો. રેલવેના પ્રવાસીઓએ ટ્રેનની ચેઇન ખેંચતાં ૧૨.૫૩ વાગ્યે ભાઈંદર રેલવે-સ્ટેશન પર ટ્રેન રોકવામાં આવી હતી. બે રેલવે મહિલા-પોલીસની મદદથી મહિલાએ બાળકીનો જન્મ આપ્યો હતો, જેથી ભાઈંદરના સ્ટેશન-માસ્ટરે તરત જ ઍમ્બ્યુલન્સ બોલાવી તેને હૉસ્પિટલમાં દાખલ કરાવી હતી.

ભાઈંદરના સ્ટેશન-માસ્ટર અશોક કુમારે આ વિશે વધુ માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ભાઈંદર રેલવે-સ્ટેશન પાસે ટ્રેનની ચેઇન ખેંચવામાં આવતાં ટ્રેન છ મિનિટ સુધી રોકવામાં આવી હતી. એ દરમ્યાન મેં ભાઈંદરની એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં સંપર્ક કરીને ઍમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી હતી. આ અકસ્માતનો કેસ ન હોવાથી રેલવે હૉસ્પિટલનો ખર્ચ આપી શકે નહીં, પણ ઍમ્બ્યુલન્સના ૫૦૦ રૂપિયા અને સ્ટ્રેચર ઉપાડતા હમાલને પ્રતિ વ્યક્તિ ૧૦૦ રૂપિયા એમ ૪૦૦ રૂપિયા પણ આપ્યા હતા. મા-દીકરી બન્નેને હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી અને ત્યાં તેમને ઇન્ટેન્સિવ કૅર યુનિટમાં રાખવામાં આવી હતી. તેમની હાલત સારી હોવાનું જાણવા મળ્યું હતું.’