એનસીપીનાં મહિલા-કાર્યકરની હત્યા

02 December, 2020 09:41 AM IST  |  Ahmednaga | Gujarati Mid-day Correspondent

એનસીપીનાં મહિલા-કાર્યકરની હત્યા

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં એનસીપીની ૩૯ વર્ષની મહિલા-કાર્યકર અને મહિલા સંગઠનના પ્રમુખને બે અજાણ્યા મોટરસાઇકલ સવારો સાથે તકરાર થતાં મહિલાની હત્યા કરવામાં આવી હતી.

રેખા ભાઉસાહેબ જારે સોમવારે રાત્રે તેમનાં માતા, પુત્ર અને મિત્ર સાથે કારમાં પુણેથી અહમદનગર જઈ રહ્યાં હતાં ત્યારે આશરે ૮.૨૦ વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી.

મૃતકની કારે પારનેરમાં જાતેગાંવ ઘાટ પર એક મોટરસાઇકલને ઓવરટેક કરી હતી. ત્યાર બાદ આરોપીઓએ આગળ આવીને માર્ગની વચ્ચે બાઇક પાર્ક કરી દેતાં જારેએ કાર થોભાવી હતી. ત્યાર બાદ બાઇકસવારોએ જારે સાથે દલીલ કરી હતી. જારે મહિલાઓના કલ્યાણ માટે કાર્યરત સ્થાનિક સંગઠન યશસ્વિની મહિલા બ્રિગેડનાં પ્રમુખ હતાં.

કારમાં બેઠેલા અન્ય પરિવારજનોએ દરમિયાનગીરી કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેમ છતાં, દલીલબાજી યથાવત્ રહી હતી. તકરાર દરમિયાન એક બાઇકસવારે ચાકુ કાઢીને જારેના ગળા પર ફેરવી દીધું હોવાથી તેઓ પડી ગયાં હતાં.

પીડિતાને હૉસ્પિટલ લઈ જવાયાં હતાં, પણ એ અગાઉ તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

અહમદનગરના સુપા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા હુમલાખોરો વિરુદ્ધ હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે આ હુમલા પાછળનું ખરું કારણ જાણવા તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં છે.

maharashtra ahmednagar nationalist congress party