31 August, 2026 07:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મેઘા રાવલે આ કાર ચલાવીને અકસ્માત કર્યો હતો.
બાંદરા-વેસ્ટમાં મેહબૂબ સ્ટુડિયો પાસે થયેલા એક અકસ્માતમાં ૮ વર્ષના બાળકનું મોત થયું હતું. અકસ્માતની આ ઘટના ગઈ કાલે બપોરે ૨.૧૫થી ૨.૩૦ વાગ્યા દરમ્યાન બની હતી.
બાંદરા-વેસ્ટના જૉન બૅપ્ટિસ્ટ રોડ પર જિજામાતા ગાર્ડન સામે પૂરઝડપે જઈ રહેલી એક કાર ૮ વર્ષના અંશ ગુપ્તા પરથી ફરી વળી હતી. ઘાયલ અંશને તરત જ હૉલી ફૅમિલી હૉસ્પિટલમાં લઈ જવાયો હતો જ્યાં સારવાર દરમ્યાન મૃત્યુ પામ્યો હતો. કાર ચલાવનાર બાંદરામાં જ રહેતી ૪૪ વર્ષની જિમ ટ્રેઇનર મેઘા રાવલની સામે પોલીસે કેસ નોંધ્યો હતો. બાંદરા પોલીસના કહેવા મુજબ જે વખતે કાર એ સ્પૉટ પર પહોંચી ત્યારે જ મેઘાને મોબાઇલ પર ફોન આવતાં તે બેધ્યાન બની હતી અને તેણે અંશને અડફેટે લેતાં કાર તેના પરથી ફરી વળી હતી.
એક આઇ-વિટનેસે કહ્યું હતું કે છોકરાને અડફેટે લીધો હોવા છતાં પણ એ કાર ચલાવી રહેલી મહિલાએ ફોન પર વાત કરવાનું ચાલુ જ રાખ્યું હતું. અકસ્માત થયેલો જોઈને દોડી આવેલા બે રાહદારીએ કારની નીચેથી ઘાયલ થયેલા છોકરાને બહાર કાઢ્યો પછી એ જ કારમાં તેને હૉસ્પિટલમાં લઈ ગયા હતા. જોકે છોકરાનું મોત થયું હતું. તે છોકરો રસ્તો ક્રૉસ નહોતો કરી રહ્યો પણ રસ્તાની સાઇડ પર હતો. પોલીસે મેઘાની સામે કેસ નોંધી તેની ધરપકડ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.