હીરાના વેપારીઓ સાથે દોઢ કરોડની બનાવટ : ગુજરાતી મહિલાની ધરપકડ

28 December, 2014 04:37 AM IST  | 

હીરાના વેપારીઓ સાથે દોઢ કરોડની બનાવટ : ગુજરાતી મહિલાની ધરપકડ




શનિવારે સવારે DB માર્ગ પોલીસ-સ્ટેશને ૩૯ વર્ષીય એક મહિલાની બે હીરાના વેપારીઓ સાથે ૧.૫ કરોડની છેતરપિંડી કરવાના આરોપસર ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર નાનાચોક ખાતે રહેતાં નિમિષા શાહ અને તેના પતિએ ઑપેરા હાઉસના હીરાના એક વેપારી રાજીવ રવિ બેરી પાસેથી ૨૧ લાખ રૂપિયાની કિંમતના હીરાઓ લીધા હતા અને તેમને જણાવ્યું હતું કે આ માટે તેમને સારું એવું વળતર આપશે, પરંતુ તેઓ આ હીરાઓ લઈને જ ભાગી ગયાં હતાં.

આ ઘટના બાદ રાજીવ રવિ બેરીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાંથી પોલીસનું ધ્યાન બીજે દોરવા માટે નિમિષા શાહે ગામદેવી પોલીસ ખાતે પોતાના પતિની ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

‘તેના પતિને શોધવા માટે અમે જ્યારે-જ્યારે તેનો સંપર્ક સાધ્યો ત્યારે તેણે અમને સહયોગ આપ્યો ન હતો. ઊલટાનું તેનો પતિ નિર્દોષ છે એવો તેના પતિ દ્વારા લખાયેલો એક પત્ર અમને બતાવતી હતી. આનાથી અમને શંકા ગઈ હતી અને અમે તેના કૉલ રેકૉડ્ર્સ તપાસ્યા હતા. એમાં સ્પષ્ટપણે દેખાઈ આવતું હતું કે નિમિષા એક અજાણ્યા નંબર વડે તેના પતિ સાથે સતત સંપર્કમાં છે. અમે આ નંબરને જ્યારે ટ્રૅક કર્યો ત્યારે જાણવામાં આવ્યું કે આ નંબર રૂપેશકુમારનો છે.’ એવું DB માર્ગ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સુરેશ હુજબંદે જણાવ્યું હતું.

પોલીસની તપાસ દરમ્યાન જાણવા મળ્યું છે આ આરોપીઓએ જેમ રાજીવ રવિ બેરી સાથે ૨૧ લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે એમ અન્ય બિઝનેસમૅન સાથે પણ ૧.૩૦ કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. આ દંપતી સામે છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યાનો ફોજદારી ગુનો નોંધવામાં આવ્યો છે. જોકે પોલીસે નિમિષા શાહની ધરપકડ કરી છે, પરંતુ તેનો પતિ હજી ફરાર છે.