શિ​ક્ષિત હોવાથી મહિલાને કામ કરવાની ફરજ ન પાડી શકાય : મુંબઈ હાઈ કોર્ટ

12 June, 2022 10:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પોતાનાથી છૂટી પડેલી પત્નીને મેઇન્ટેનન્સ આપવાના પુણેની ફૅમિલી કોર્ટના આદેશને પડકારતા મુંબઈ હાઈ કોર્ટમાં કરેલી અરજીની સુનાવણીમાં મુંબઈ હાઈ કોર્ટે જણાવ્યું

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

પોતાનાથી છૂટી પડેલી પત્નીને મેઇન્ટેનન્સ આપવાના પુણેની ફૅમિલી કોર્ટના આદેશને પડકારતા મુંબઈ હાઈ કોર્ટમાં કરેલી અરજીની સુનાવણીમાં મુંબઈ હાઈ કોર્ટે જણાવ્યું હતું કે એક મહિલાને તે શિ​ક્ષિત હોવાથી જીવનનિર્વાહ માટે કામ કરવાની ફરજ ન પાડી શકાય.

જસ્ટિસ ભારતી ડાંગરેની સિંગલ બેન્ચે શુક્રવારે સુનાવણી દરમ્યાન કહ્યું હતું કે ‘શિ​ક્ષિત હોય અને ગ્રૅજ્યુએટની પદવી ધરાવતી હોવા છતાં એક મહિલા પાસે કામ કરવાનો અથવા તો ઘરે રહેવાનું પસંદ કરવાનો વિકલ્પ હોય છે. આપણા સમાજમાં મહિલાએ ઘરમાં નાણાકીય યોગદાન આપવું જ પડે એવી સ્થિતિને સ્વીકારાઈ નથી. મહિલાને કામ કરવાની ફરજ પાડી શકાય નહીં. શિ​ક્ષિત હોવાથી તે ઘરમાં ન બેસી શકે એવું જરૂરી નથી.’

પતિના વકીલે દલીલ કરતાં જણાવ્યું હતું કે ‘પુણેની ફૅમિલી કોર્ટે અન્યાયી રીતે તેના ક્લાયન્ટને મેઇન્ટેનન્સ ચૂકવવાનો આદેશ આપ્યો છે, જ્યારે તેની પત્ની ગ્રૅજ્યુએટ છે અને કામ કરીને પોતાનો જીવનનિર્વાહ ચલાવી શકે છે.’

પતિએ દાવો કર્યો હતો કે તેની છૂટી પડી ગયેલી પત્ની પાસે હાલમાં આવકનો સ્થિર સ્રોત હતો, પરંતુ તેણે આ હકીકત કોર્ટથી છુપાવી હતી. આ કેસની આગલી સુનાવણી આવતા અઠવાડિયે કરવામાં આવશે.

mumbai mumbai news bombay high court