ટૅક્સમાં વિશ્વાસઘાત

03 January, 2021 09:42 AM IST  |  Mumbai | Prakash Bambhrolia

ટૅક્સમાં વિશ્વાસઘાત

પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં ૫૦૦ ફુટ કે એનાથી નાનાં ઘર ધરાવનારાઓને જે રાહત આપવામાં આવી હતી એ પાછી ખેંચવામાં આવી છે, એટલું જ નહીં, સુધરાઈનું કહેવું છે કે તેમનાથી આ ભૂલ થઈ ગઈ હતી અને અત્યાર સુધી જે છૂટ આપવામાં આવી હતી એ પૈસા લોકો પાસેથી પાછા વસૂલ કરવા કે નહીં એ બાબતે તેઓ વિચારી રહ્યા છે. સુધરાઈ પર રાજ કરતી શિવસેનાએ લીધેલા આ નિર્ણય વિશે રાજ ઠાકરેના પક્ષ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ-મનસે)એ જનઆંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી છે અને એનું કહેવું છે કે શિવસેનાએ મુંબઈના લોકો સાથે વિશ્વાસઘાત કર્યો છે. પહેલાં વીજળીનાં બિલ અને હવે પ્રૉપર્ટી ટૅક્સમાં માફી બાબતે સરકારે યુટર્ન લીધો હોવાથી લોકો શિવસેનાને આગામી સમયમાં પાઠ ભણાવશે એમ એમએનએસના પ્રવક્તા સંદીપ દેશપાંડેએ કહ્યું હતું.

મુંબઈ મહાનગરપાલિકાએ પ્રૉપર્ટી ટૅક્સનાં બિલ મોકલવાનું શરૂ કર્યું છે ત્યારે લોકોને ગયા વર્ષ કરતાં વધારે ટૅક્સનાં બિલ આવી શકે છે, કારણ કે ૫૦૦ ફુટથી ઓછો એરિયા ધરાવતી પ્રૉપર્ટીને ટૅક્સ ભરવામાંથી ગયા વર્ષે જે મુક્તિ અપાઈ હતી એ આ વખતે રદ કવામાં આવી છે, કારણ કે ગયા વર્ષે સરકારે માત્ર જનરલ ટૅક્સમાં રાહત આપવાના ફેરફાર કર્યા હતા, જ્યારે પાલિકાએ પ્રૉપર્ટી ટૅક્સમાં સામેલ વૉટર ટૅક્સ, સ્ટૉર્મ વૉટર ડ્રેનેજ ટૅક્સ, બીએમસી એજ્યુકેશન સેસ, સ્ટેટ એજ્યુકેશન સેસ, એમ્પ્લૉયમેન્ટ ગૅરન્ટી સેસ, ટ્રી સેસ અને રોડ ટૅક્સ વગેરે પણ માફ કરીને લોકોને બિલ મોકલ્યાં હતાં.

મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઇકબાલ સિંહ ચહલે કહ્યું હતું કે ‘સરકારે જનરલ ટૅક્સમાં મુક્તિ આપવાના ફેરફાર કર્યા હતા, પરંતુ ગયા વર્ષે ભૂલથી તમામ ટૅક્સ-માફીનાં બિલ મોકલવાની શરૂઆત થઈ હતી. જોકે બાદમાં ભૂલ સમજાતાં બિલ મોકલવાનું બંધ કરી દેવાયું હતું. જનરલ ટૅક્સ સિવાયના બાકી નીકળતા ટૅક્સ લોકો પાસેથી ક્યારે અને કેવી રીતે લેવામાં આવશે એનો નિર્ણય ટૂંક સમયમાં લેવાશે.

પ્રૉપર્ટી ટૅક્સની જેમ કોરોનામાં લૉકડાઉન વખતે અસંખ્ય લોકોને વીજળીનાં વધુ પડતાં બિલ મળવાની ફરિયાદ મળ્યા બાદ રાજય સરકારે એમાં ઘટતું કરવાનું આશ્વાસન આપ્યું હતું, પરંતુ બાદમાં હાથ ઉપર કરી દીધા હતા. આવી જ રીતે મુંબઈમાં ૫૦૦ ફુટથી ઓછો એરિયા ધરાવતી મિલકતનો પ્રૉપર્ટી ટૅક્સ રદ કર્યો હોવાનું કહ્યા બાદ હવે એમાં પણ પાલિકાએ ફેરવી તોળ્યું છે ત્યારે વિરોધી પક્ષોની સાથે જનતામાં પણ ભારે નારાજગી જોવાઈ રહી છે.

રાજ ઠાકરેના પક્ષ મનસેના પ્રવક્તા સંદીપ દેશપાંડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પાલિકા અને રાજ્યમાં શિવસેનાની સરકારે લોકોને ફસાવ્યા છે. સત્તા મેળવવા માટે શિવસેના લોકો સાથે વિશ્વાસઘાત કરી રહી છે. કોઈને હવે તેમની વાત કે વચનમાં વિશ્વાસ નથી રહ્યો. મુંબઈમાં મોટા પ્રમાણમાં મરાઠીઓનાં ૫૦૦ ફુટથી નાનાં મકાનો છે. તેમને શિવસેનાએ દગો દીધો છે. પાલિકા પ્રૉપર્ટી ટૅક્સમાં રાહત નહીં આપે તો અમે મનસે-સ્ટાઇલમાં જનઆંદોલન છેડીશું.’

મુંબઈ મહાનગરપાલિકાનાં ચીફ અસેસમેન્ટ ઍન્ડ કલેક્શન ઑફિસર સંગીતા હસનાળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સરકારના નોટિફિકેશનમાં જનરલ ટૅક્સ માફ કરવાનું જ સ્પષ્ટ રીતે લખાયું છે. આથી પ્રૉપર્ટી ટૅક્સ સાથે સંકળાયેલા બાકીના ૮ પ્રકારના ટૅક્સ ૫૦૦ ફુટ સુધીની મિલકત ધરાવતા લોકોએ ભરવા જ પડશે. ગયા વર્ષે ભૂલથી તમામ ૯ ટૅક્સ માફી સાથેનાં બિલ મોકલવાની શરૂઆત કરાઈ હતી, પરંતુ ભૂલ ધ્યાનમાં આવતાં બિલ રોકી દેવાયાં હતાં.’

માર્ચ સુધીમાં બિલ નહીં ભરો તો પેનલ્ટીની ધમકી

મુંબઈમાં ૪.૫ લાખ રજિસ્ટર્ડ મિલકત છે, જેમાંથી ૧.૮૫ લાખ મિલકત ૫૦૦ ફુટથી ઓછા એરિયાની છે. પાલિકાનું પ્રૉપટી ટૅક્સનું વાર્ષિક ક્લેક્શન ૫૬૦૦ કરોડ રૂપિયાનું છે. ૫૦૦ ફુટથી નાની પ્રૉપર્ટી પર પાલિકાને વર્ષે ૩૬૦ કરોડની આવક થાય છે, જેમાં જનરલ ટૅક્સરૂપે ૭૫ કરોડ રૂપિયા મળે છે, જે ગયા વર્ષે રાજ્ય સરકારે માફ કર્યા હતા. જોકે ગયા વર્ષે કોરોનાને લીધે પાલિકાએ માર્ચ મહિનામાં પ્રૉપર્ટી ટૅક્સનાં બિલ જારી નહોતાં કર્યાં, જે અત્યારે આપવાની શરૂઆત કરી છે. ૮ માર્ચ, ૨૦૨૧ સુધીમાં બિલ નહીં ભરાય તો દર મહિને બે ટકાના હિસાબે પેનલ્ટી લગાડવામાં આવશે.’

mumbai mumbai news prakash bambhrolia