કમોસમી વરસાદ કાંદાના અમુક વેપારીઓ માટે વરદાન બનશે?

20 November, 2021 12:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તાજેતરમાં પડેલા કમોસમી વરસાદની અન્ય પાકની જેમ કાંદાના પાક પર પણ અસર જોવા મળશે અને એ વખતે માથે પડેલા ઈરાનના કાંદા માર્કેટમાં ઉતારીને સારા ભાવે વેચવાની વેપારીઓની નીતિ

પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં થોડા દિવસ પહેલાં કાંદાની માર્કેટ ઉપર જતી રહી હોવાથી ભાવ વધ્યા હતા. કાંદાની માગ સામે સપ્લાય ઓછી હોવાથી કાંદાના વેપારીઓએ ઈરાનથી કાંદાનો પુરવઠો આયાત કર્યો હતો. ઈરાનના કાંદાને મુંબઈની માર્કેટમાં ઉતારવાની શરૂઆત કરાઈ હતી અને એ સાથે ભારતનાં અન્ય રાજ્યોમાં ઈરાનના કાંદાની આયાત કરાઈ હતી. દરમિયાન, ભારતભરમાં કાંદાની માર્કેટ ડાઉન થઈ જતાં ભારતીય કાંદાનો પણ ભાવ નીચો આવ્યો હતો. એની સીધી અસર ઈરાનથી આવેલા કાંદા પર પડી હોવાથી વેપારીઓએ ઈરાનના કાંદા માટે વેઇટ ઍન્ડ વૉચની નીતિ અપનાવી છે અને કમોસમી વરસાદ હવે તેમના માટે વરદાન બનશે એવું તેમને લાગી રહ્યું છે.
ભારતભરમાં કાંદાની માર્કેટ ડાઉન થઈ ગઈ છે એમ કહેતાં કાંદા-બટાટા અળદ વ્યાપારી સંઘના રાજેન્દ્ર શેળખેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘મહિના અગાઉ કાંદાના ભાવ ૮૦ રૂપિયાથી વધુ થઈ જતાં કાંદાએ સામાન્ય લોકોને રડાવ્યા હતા. કાંદાના પાક પર અસર થતાં માલનો પુરવઠો અપૂરતો આવી રહ્યો હતો. એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માર્કેટના અમુક વેપારીઓએ ઈરાનથી કાંદા આયાત કર્યા હતા. આ વેપારીઓને એવું લાગ્યું કે માર્કેટ ઉપર છે તો કાંદાના સારા ભાવ મળી રહેશે. જોકે આ કાંદા માર્કેટમાં ઊતર્યા અને ગણતરીના દિવસોમાં જ ફરી કાંદાની માર્કેટ ભારતભરમાં ડાઉન થઈ ગઈ છે.’
મુંબઈના અનેક વેપારીઓએ ઈરાનના કાંદા ગોડાઉનમાં સ્ટોર કરીને રાખ્યા છે એમ કહેતાં રાજેન્દ્ર શેળખેએ ઉમેર્યું હતું કે ‘ઈરાનના કાંદાને હરિયાણા, દિલ્હી, પંજાબ, બૅન્ગલોર વગેરે રાજ્યોમાં મોકલવામાં આવ્યા છે. જોકે ભારતભરમાં કાંદાની માર્કેટ પડી હોવાથી ત્યાં પણ જોઈએ એટલા ભાવ મળી રહ્યા નથી અને તેમને નુકસાની વેઠવી પડી છે. મુંબઈના અમુક વેપારીઓએ હાલમાં ઈરાનના કાંદા સ્ટોર કરીને રાખી દીધા છે. જોકે, કમોસમી વરસાદને કારણે કાંદાનો નવો માલ ઓછા પ્રમાણમાં આવશે એ ગણતરી રાખીને તેઓ એ વખતે ઈરાનના કાંદા માર્કેટમાં ઉતારવાનું વિચારી રહ્યા છે. હાલમાં માથે પડેલા ઈરાનના કાંદાને વેપારીઓ આગામી સમયમાં ચાન્સ મળશે એ વખતે સારા ભાવમાં વેચશે. સારા ભાવ મળે એ માટે અમુક વેપારીઓએ ઈરાનના કાંદા સ્ટોર તો કર્યા છે, પરંતુ ભારતીય જૂના અને નવા કાંદાનો સારોએવો સ્ટૉક ઉપલબ્ધ હોવાથી તેમનો પ્લાન સફળ જશે કે નહીં એ પ્રશ્ન છે. ઈરાનના કાંદા ૩૨ રૂપિયા કે એનાથી વધુ ભાવે માર્કેટમાં વેચાય તો તેમને નફો મળી શકે છે, પરંતુ હાલમાં કે એ પછી પણ ભાવ વધુ ઉપર જાય એવી હમણાં તો પરિસ્થિતિ દેખાઈ રહી નથી.’

કાંદાનો હોલસેલ 
માર્કેટમાં ભાવ ભારતીય કાંદા પ્રતિ કિલો
જૂના કાંદા - ૨૦, ૨૨, ૨૫ રૂપિયા 
નવા કાંદા - ૨૨, ૨૮ રૂપિયા
ઈરાનના કાંદા હાલમાં માર્કેટમાં ઊતરે તો ૨૨થી ૨૩ રૂપિયા પ્રતિ કિલો ભાવ માંડ મળી શકે છે, જ્યારે આ વેપારીઓએ નફો કમાવો હોય તો ૩૨ રૂપિયા ભાવ માર્કેટમાં મળવો જોઈએ. 

Mumbai mumbai news