હવે ટમેટાં મારશે સેન્ચુરી?

27 July, 2020 02:38 PM IST  |  Mumbai Desk | Mumbai correspondent

હવે ટમેટાં મારશે સેન્ચુરી?

પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં હાલ ટમેટાના ભાવ ગૃહિણીઓને રડાવી રહ્યા છે. આગામી દિવસોમાં મુંબઈમાં ટમેટાના ભાવ ૧૦૦ રૂપિયા પ્રતિકિલો થવાના છે. આ ભાવવધારો સપ્ટેમ્બર મધ્ય સુધી રહેશે અને ત્યાર બાદ ભાવમાં ઘટાડો થશે. ભાવોમાં નોંધપાત્ર વધારાનું કારણ પાક ઓછો અને આયાત ન હોવાનું છે. અત્યારે સમગ્ર ટમેટાના ભાવ ૬૦થી ૮૦ રૂપિયા પ્રતિકિલો ચાલી રહ્યા છે.
એપીએમસી માર્કેટના વેપારી સુધીર ચૌધરીએ જણાવ્યું હતું કે ‘વાશી એપીએમસીની વાત કરીએ તો અત્યારે ટમેટા ઉપરાંત તમામ શાકભાજીની આવક ઓછી છે. ટમેટાનો પાક ઓછો હોવાથી ટમેટાનો જથ્થો પણ ઓછો આવી રહ્યો છે. સમગ્ર શ્રાવણ માસ ટમેટાના ભાવ વધુ રહેશે, જે સપ્ટેમ્બરના બીજા અઠવાડિયા સુધી ઘટી શકે એમ કહી શકાય છે. જોકે એકાદ અઠવાડિયામાં ટમેટાના ભાવ ૧૦૦ રૂપિયા કિલો પહોંચશે એ પણ નક્કી છે. રીટેલ સ્ટોર્સમાં ભાવ આ રહેશે, હોલસેલમાં અત્યારે ભાવ ૫૦થી ૬૫ વચ્ચે ચાલી રહ્યો છે.’
મલાડમાં રહેતાં ગૃહિણી સેજલ પંડ્યાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘લૉકડાઉનના કારણે અત્યારે તમામ બિઝનેસ ઠપ છે. આર્થિક પરિસ્થિતિ સામાન્ય નથી. આવામાં શાકભાજીના આટલા વધુ ભાવ પોસાય એમ નથી. અમે ટમેટાનો ઉપયોગ જ ઓછો કરી નાખ્યો છે.’
રીટેલ સ્ટોર્સ ચલાવતા વેપારી ઘનશ્યામ તેવરે જણાવ્યું હતું કે ‘સામાન્ય દિવસોમાં જ્યારે ટમેટાં ૪૦ રૂપિયાની અંદર મળતાં ત્યારે અમે રોજના ૫૦થી ૭૦ કિલો ટમેટાં ખરીદ-વેચ કરતા હતા, પણ હવે ભાવ વધુ હોવાથી મુશ્કેલીથી ૩૦ કિલો ટમેટાં રોજનાં વેચાય છે.’

માત્ર બે ટ્રક ઊતરે છે માર્કેટમાં

સામાન્ય દિવસોમાં પાંચથી છ ટ્રક ભરીને ટમેટાંની આવક એપીએમસી માર્કેટમાં થતી હતી. હવે એ ઘટીને બે ટ્રક થઈ છે. એટલે કે અંદાજે ૧૦૦ કિલોથી ઓછાં ટમેટાં એપીએમસી માર્કેટમાં રોજ આવી રહ્યાં છે.

mumbai mumbai news