થર્ટીફર્સ્ટે ફુલ નાઇટ ધમાલ કરવા મળશે?

28 December, 2018 09:28 AM IST  |  | મમતા પડિયા

થર્ટીફર્સ્ટે ફુલ નાઇટ ધમાલ કરવા મળશે?

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રનાં મુખ્ય શહેરોમાં આવનારા નવા વર્ષ નિમિત્તે હોટેલો અને મનોરંજનનાં સ્થળોને ચોવીસ કલાક ખુલ્લાં રાખવાની માગણી કરતો પત્ર શિવસેનાના યુથ પ્રેસિડન્ટ આદિત્ય ઠાકરેએ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને લખ્યો હતો. કાયદા અને વ્યવસ્થાનું પાલન કરતાં મુંબઈ, થાણે, નવી મુંબઈ અને પુણે જેવાં મોટા શહેરોના નાગિરકોને નૉન-રેસિડેન્શિયલ વિસ્તારોમાં થર્ટીફર્સ્ટની ઉજવણી આખી રાત કરવા દેવામાં આવે એવી માગણી આદિત્ય ઠાકરેએ પોતાના પત્રમાં કરી હતી.

આદિત્ય ઠાકરેએ મુખ્ય પ્રધાનને લખેલા પત્રમાં કહ્યું હતું કે મુંબઈ રાતે માણવાનું શહેર છે અને થર્ટીફર્સ્ટની પાર્ટી સાથે નાગરિકોને પણ મનોરંજન અને રોજગારની તક કાયદા અંતર્ગત રહીને મળતી હોય તો એથી અનેરું કંઈ નથી.

નવા વર્ષની ઉજવણી નિમિત્તે શહેરના નાગરિકોને રોજગાર અને આવકની તક આપી શકાશે એમ ઉમેરતાં પત્રમાં આદિત્ય ઠાકરેએ લખ્યું હતું કે ‘દિવસ દરમ્યાન જે પ્રવૃત્તિ કાયદેસર છે એ રાતના સમયે ગેરકાયદે કેવી રીતે હોઈ શકે? કલાકો સુધી કામમાં રચ્યાપચ્યા રહેતા આપણા શહેરના નાગરિકો પર વિશ્વાસ રાખીને તેમને ઉજવણી કરવા માટે સ્પેસ આપવી જોઈએ. ૨૦૧૩માં BMC દ્વારા પાસ કરવામાં આવેલા પ્રસ્તાવ અનુસાર નૉન-રેસિડેન્શિયલ વિસ્તારની હોટેલો અને મનોરંજનનાં સ્થળોને ૨૪ કલાક ખુલ્લાં રાખવાની પરવાનગી આપવામાં આવી છે, પરંતુ એના પર હજી સુધી કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો. મારી વિનંતી પર તમે જરૂર સકારાત્મક ધ્યાન આપશો એવી મને ખાતરી છે.’

આ અગાઉ પણ ૨૦૧૫માં મુંબઈની વાઇબ્રન્ટ નાઇટલાઇફ વિશે નાગરિક કાયદામાં ફેરફાર કરવાની માગણી આદિત્ય ઠાકરેએ કરી હતી.

devendra fadnavis aaditya thackeray mumbai news