‘વૉટર ફૉર ઑલ’ નીતિથી ઝૂંપડપટ્ટીમાં કોઈ ફરક પડશે?

23 April, 2022 10:24 AM IST  |  Mumbai | Prajakta Kasale

હાઈ કોર્ટના આદેશને પગલે ૨૦૧૬થી બધા માટે પાણી માટેની નીતિ અસ્તિત્વમાં છે, પરંતુ માત્ર મુઠ્ઠીભર ઝૂંપડપટ્ટીના રહેવાસીઓએ જ ખરેખર જોડાણ મેળવ્યું છે.

‘વૉટર ફૉર ઑલ’ નીતિથી ઝૂંપડપટ્ટીમાં કોઈ ફરક પડશે?

શહેરની ઝૂંપડપટ્ટીમાં પાણીની સમસ્યા ચાલુ રહે એવી સંભાવના હોવા છતાં બીએમસી પહેલી મેથી ‘વૉટર ફૉર ઑલ’ની નવી નીતિ લાગુ કરવા માટે તૈયાર છે. જોકે આ નીતિને અમલમાં મૂકવામાં હાલની ડ્રેનેજ સિસ્ટમની સ્થિતિ અવરોધ ઊભો કરશે એવું રહેવાસીઓનું માનવું છે. હાઈ કોર્ટના આદેશને પગલે ૨૦૧૬થી બધા માટે પાણી માટેની નીતિ અસ્તિત્વમાં છે, પરંતુ માત્ર મુઠ્ઠીભર ઝૂંપડપટ્ટીના રહેવાસીઓએ જ ખરેખર જોડાણ મેળવ્યું છે.
મુંબઈ હાઈ કોર્ટે એના ડિસેમ્બર ૨૦૧૪ના આદેશમાં ઘર કાયદેસર હોય કે ગેરકાયદે પાણીપુરવઠો પ્રત્યેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે એમ જણાવ્યું હતું, જેને પગલે  બીએમસીએ ૨૦૧૬માં ‘વૉટર ફૉર ઑલ’ નીતિ મંજૂર કરી હતી. જોકે બીએમસીએ પૉલિસીને અમલમાં મૂકવા માટે કેટલીક શરતો મૂકી હતી, જેમાંથી એક હતી પ્રત્યેક બાંધકામમાં ડ્રેનેજ સિસ્ટમ (ગટર-વ્યવસ્થા) આવશ્યક હોવી. 
વર્સોવાસ્થિત સિદ્ધાર્થનગર ઝૂંપડપટ્ટીનાં ૮૫૦ ઘરોમાંથી એકમાં રહેતા જય માતીએ જણાવ્યા અનુસાર તેઓ વર્ષોથી પાણીની લાઇન મેળવવા કોશિશ કરી રહ્યા છે. ૨૦૧૯માં બીએમસીએ પાણીની લાઇન પણ બિછાવી હતી પરંતુ ગટર-વ્યવસ્થાના અભાવે કનેક્શન મળી શક્યાં નહોતાં.  
પ્રતીક્ષાનગરમાં કોકરી અગર ટ્રાન્ઝિટ કૅમ્પમાં ૩૬૦૦ પરિવાર રહે છે. ઘણી મથામણ પછી બીએમસીએ આખા વિસ્તાર માટે પાણીની બે લાઇન નાખી છે, પરંતુ ફોર્સ ઓછો હોવાથી એક બાલટી ભરાતાં લગભગ અડધો કલાક થાય છે.  

mumbai news prajakta kasale