વૅક્સિનની ટ્રાયલ માટે બાળકો આગળ આવશે?

28 July, 2021 08:13 AM IST  |  Mumbai | Prajakta Kasale

બાળકો માટેની કોરોનાની રસીની ટ્રાયલ ચાલી રહી છે, પણ અત્યાર સુધીમાં માત્ર પાંચ જ બાળક આવ્યાં છે

કોરોનાની સંભવિત ત્રીજી લહેર બાળકોને સૌથી વધુ પ્રભાવિત કરશે એવી ચેતવણીઓ અને ચિંતાઓ વચ્ચે તેમના માટેની રસીની ટ્રાયલ હાથ ધરાઈ રહી છે.

નાયર હૉસ્પિટલમાં બાળકો ઉપર ભારતીય બનાવટની ઝાઇકોવ-ડી રસીની ક્લિનિકલ ટ્રાયલ શરૂ થયાનાં ત્રણ સપ્તાહમાં અત્યાર સુધીમાં માત્ર પાંચ વૉલન્ટિયર બાળકોને જ ડોઝ અપાયો છે. પ્લાન હેઠળ ૧૨થી ૧૭ વર્ષ વચ્ચેની વયનાં ૫૦ બાળકોને રસી અપાશે. હૉસ્પિટલને વધુ વાલીઓ બાળકો પર ટ્રાયલ માટે સંમત થશે એવી આશા છે.
કોરોનાની સંભવિત ત્રીજી લહેર બાળકોને વધુ પ્રભાવિત કરશે એવી નિષ્ણાતોની ચેતવણી વચ્ચે ટ્રાયલ હાથ ધરવામાં આવી છે. વર્તમાન સમયમાં દેશભરમાં વિવિધ રસીઓ ટ્રાયલ્સના જુદા-જુદા તબક્કે પહોંચી છે.
અમદાવાદસ્થિત દવા ઉત્પાદક ઝાયડસ કેડિલાએ ઝાઇકોવ-ડી પ્લાઝમિડ ડીએનએ રસી વિકસાવી છે અને મહાનગરપાલિકા સંચાલિત હૉસ્પિટલમાં બાળકો તથા ટીનેજર્સ પરની તેની ક્લિનિકલ ટ્રાયલ્સ જુલાઈના બીજા સપ્તાહમાં શરૂ કરાઈ હતી.
નાયર હૉસ્પિટલના ડૉક્ટરે જણાવ્યું હતું કે ‘પ્રાથમિક ઉદ્દેશ કોવિડ-19ના નિવારણમાં ઝાઇકોવ-ડીની અસરકારકતાનો અભ્યાસ કરવાનો છે. ૧૨થી ૧૭ વર્ષ વચ્ચેની વયનાં બાળકોને ચાર સપ્તાહના અંતરાલ પર ત્રણ ડોઝમાં રસી અપાશે. ૫૦ બાળકોને આવરી લેવાશે અને એમાંથી અડધાને પ્લેસીબો અપાશે.’ 
નાયર હૉસ્પિટલના ડીન ડૉ. રમેશ ભારમલ જણાવે છે કે ‘ઘણા લોકો હૉસ્પિટલે આપેલા નંબર પર ઇન્ક્વાયરી માટે ફોન કરી રહ્યા છે. અમે તેમને માહિતી આપીએ છીએ. અમે અત્યાર સુધીમાં પાંચ બાળકોને રસી આપી છે.’
ઉલ્લેખનીય છે કે પહેલી એપ્રિલથી ૧૫ જૂન વચ્ચે બીએમસી દ્વારા હાથ ધરાયેલા સીરો-સર્વેમાં માલૂમ પડ્યું હતું કે શહેરનાં આશરે ૫૧ ટકા બાળકોમાં કોવિડ સામેનાં ઍન્ટિબૉડીઝ વિકસ્યાં છે. અર્થાત્ કુલ વસ્તીનાં અડધોઅડધ બાળકો વાઇરસથી સંક્રમિત થઈ ચૂક્યાં હતાં.

 ઘણા લોકો હૉસ્પિટલે આપેલા નંબર પર ઇન્ક્વાયરી માટે ફોન કરી રહ્યા છે. અમે તેમને માહિતી આપીએ છીએ. અમે અત્યાર સુધીમાં પાંચ બાળકોને રસી આપી છે.
ડૉ. રમેશ ભારમલ, 
નાયર હૉસ્પિટલના ડીન

Mumbai mumbai news prajakta kasale