સોમવારથી બેસ્ટની બસો બંધ થશે?

15 May, 2020 07:39 AM IST  |  Mumbai Desk | Mayur Parikh

સોમવારથી બેસ્ટની બસો બંધ થશે?

બેસ્ટ બસ

શહેરમાં હાલમાં કાર્યાન્વિત પરિવહનનું એકમાત્ર સાધન એટલે કે બીઈએસટી (બેસ્ટ)ની બસ હવે સોમવારથી રસ્તા પર નહીં દોડે એવી જાહેરાત બેસ્ટના યુનિયને કરી છે. વાત કંઈક એમ બની છે કે બેસ્ટના ૭ કર્મચારીઓનાં કોરોનાને કારણે મૃત્યુ થયાં છે. એ ઉપરાંત બેસ્ટના ૧૦૦ જેટલા કર્મચારીઓને અત્યારે કોરોના લાગુ પડ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે ગોરેગામ બસ-ડેપો સૌથી વધારે ચેપગ્રસ્ત બન્યો છે. અહીં પાંચથી વધુ બેસ્ટના કર્મચારીઓને કોરોના લાગુ પડ્યો છે. યુનિયનનો દાવો છે કે છેલ્લા ઘણા સમયથી તેઓ આ મુદ્દે પ્રશાસનનું ધ્યાન દોરી રહ્યા હતા, એટલું જ નહીં, તેઓએ પ્રશાસનને વિનંતી કરી હતી કે કર્મચારીઓના સ્વાસ્થ્ય માટે પર્યાપ્ત પગલાં લેવામાં આવે, પરંતુ આવાં કોઈ પગલાં ન લેવામાં આવતાં યુનિયને ‘બસ બંધ’ની ઘોષણા કરી છે. 
ઉલ્લેખનીય છે કે મુંબઈ શહેરમાં હાલમાં પરિવહનની કોઈ જ વ્યવસ્થા નથી. ઑટોરિક્ષા અને ટૅક્સી બંધ છે તેમ જ લોકલ ટ્રેનો પણ ૨૩ માર્ચથી સંપૂર્ણપણે બંધ છે. એ ઉપરાંત પ્રાઇવેટ વાહનો અને સ્કૂટરોને રસ્તા પર ઉતારવાની મનાઈ છે. આવી પરિસ્થિતિમાં ઇમર્જન્સી સેવા તરીકે બેસ્ટની બસ ઉપયોગમાં લેવાય છે. જોકે બસની અંદર માત્ર એ જ વ્યક્તિ મુસાફરી કરી શકે છે જેની પાસે સરકારી પાસ હોય અથવા જે વ્યક્તિ અશેન્સિયલ સર્વિસ હેઠળ કામ કરી રહી હોય. ખાસ કરીને મહાનગરપાલિકા, પોલીસ અને હૉસ્પિટલમાં કામ કરી રહેલા કર્મચારીઓ માટે બેસ્ટની બસ ઘણી સારી સુવિધા પૂરી પાડી રહી છે. 
આ સંદર્ભે ‘મિડ-ડે’ સાથે વાત કરતાં બેસ્ટ કર્મચારીઓના સૌથી મોટા યુનિયનના નેતા શશાંક રાવે જણાવ્યું કે ‘અમે લોકોને હાકલ કરી છે કે તેઓ સોમવારથી પોતાની ડ્યુટી પર ન જાય. અમારી માગણી માત્ર એટલી જ છે કે બેસ્ટના કર્મચારીઓનું સ્વાસ્થ્ય જળવાઈ રહે.
બીજી તરફ બેસ્ટના જનસંપર્ક અધિકારી મનોજ વરાડેએ ગુજરાતી ‘મિડ-ડે’ને જણાવ્યું કે ‘યુનિયન તરફથી થઈ રહેલા આરોપ પાયાવિહોણા છે. બેસ્ટના કર્મચારીઓને સૅનિટાઇઝર માસ્ક અને હૅન્ડ-ગ્લવ્ઝ આપવામાં આવે છે, એટલું જ નહીં, સમયાંતરે બેસ્ટની તમામ બસને ડિસઇન્ફૅક્ટ કરવામાં આવે છે. આ ઉપરાંત ફરજ પર હાજર કર્મચારીઓને અતિરિક્ત ૩૦૦ રૂપિયાનું દૈનિક ભથ્થું પણ આપવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં બંધ કરવું યોગ્ય નથી.’
કાયદાકીય રીતે જોવા જઈએ તો હાલમાં ભારત દેશમાં સ્વાસ્થ્ય સંદર્ભની ઇમર્જન્સી લાગુ થઈ ચૂકી છે. આવા સમયે બંધની હાકલ કરવાથી શક્ય છે કે કર્મચારીઓની નોકરી પર તવાઈ આવી શકે.
હવે જોવાનું એ રહે છે કે સોમવારે બેસ્ટની બસો રસ્તા પર દોડે છે કે નહીં?

mumbai mumbai news