શિવસેના જોડાશે યુપીએમાં?

07 December, 2021 01:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આજે સંજય રાઉત રાહુલ ગાંધીને તો આવતી કાલે પ્રિયંકા ગાંધીને દિલ્હીમાં મળવાના હોવાથી તર્કવિતર્ક: જાણકારો આને એનસીપીને કન્ટ્રોલમાં રાખવાની રાજરમતનો એક ભાગ માને છે

ફાઈલ તસવીર

મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી પ્રયોગથી શિવસેના, કૉન્ગ્રેસ અને એનસીપીના ગઠબંધનની સરકાર બે વર્ષ પહેલાં બની હતી. સરકાર બનાવવા માટે ૨૦૧૯માં શિવસેનાએ એનડીએ સાથેનો છેડો ફાડી નાખ્યો હતો. આવતા વર્ષે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, મણિપુર અને પંજાબ સહિતનાં પાંચ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી છે ત્યારે શિવસેના યુપીએમાં સામેલ થાય એવી શક્યતા વધી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. આ માટે શિવસેનાના રાજ્યસભાના સંસદસભ્ય અને મુખ્ય પ્રવક્તા સંજય રાઉત આજે રાહુલ ગાંધી અને આવતી કાલે પ્રિયંકા ગાંધીની મુલાકાત લે એવી શક્યતા છે.
તાજેતરમાં પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજી મુંબઈની મુલાકાતે આવ્યાં હતાં ત્યારે તેમણે કૉન્ગ્રેસ પર નિશાન તાક્યું હતું. મમતા બૅનરજીએ યુપીએ અને કૉન્ગ્રેસ સંદર્ભે કરેલા નિવેદન બાબતે સંજય રાઉતે કહ્યું હતું કે બીજેપીને સત્તામાંથી દૂર કરવા માટે કૉન્ગ્રેસની ભૂમિકા મહત્ત્વની છે. આથી શિવસેના અને કૉન્ગ્રેસ નજીક આવી રહ્યાં હોવાનું મનાય છે. દિલ્હીમાં સંજય રાઉત કૉન્ગ્રેસના નેતાઓને મળી રહ્યા હોવાથી શિવસેના યુપીએમાં સામેલ થવાની અટકળો લગાવાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે બીજેપી સાથે વર્ષોથી યુતિ કરનારા શિવસેનાએ મહારાષ્ટ્રમાં ૨૦૧૯માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી સાથે લડ્યા બાદ મુખ્ય પ્રધાનપદ બાબતે વાંધો પડતાં બીજેપી સાથેની યુતિ તોડી નાખી હતી. રાજ્યમાં કૉન્ગ્રેસ અને એનસીપી સાથે મળીને મહાવિકાસ આઘાડી સરકારની સ્થાપના કર્યા બાદ કેન્દ્રમાં એનડીએમાંથી શિવસેના બહાર પડી હતી. એ સમયે શિવસેનાના સંસદસભ્ય અરવિંદ સાવંતે કેન્દ્રના પ્રધાનપદેથી રાજીનામું આપી દીધું હતું.
જોકે અમુક જાણકારોનું કહેવું છે કે રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસને કન્ટ્રોલમાં રાખવા માટે શિવસેના કૉન્ગ્રેસની નજીક જવાનો દેખાવ કરી રહી છે.

mumbai mumbai news shiv sena sanjay raut priyanka gandhi rahul gandhi