મુંબઈ મહાનગરપાલિકા પ્રૉપર્ટી ટૅક્સમાં વધારામાં 50 ટકા રાહત આપશે?

21 September, 2020 10:37 AM IST  |  Mumbai | Mumbai Correspondent

મુંબઈ મહાનગરપાલિકા પ્રૉપર્ટી ટૅક્સમાં વધારામાં 50 ટકા રાહત આપશે?

પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં કોરોનાના દેશભરમાં સૌથી વધારે પેશન્ટ હોવાની સાથે અહીંની સ્થિતિ સૌથી ખરાબ હોવાથી મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈકરોને રાહત આપવાનો નિર્ણય લીધો છે. મોટા ભાગના રહેવાસીઓ આર્થિક તકલીફમાં હોવાથી પાલિકા દ્વારા પ્રૉપર્ટી ટૅક્સમાં વધારાના પ્રસ્તાવમાં ૫૦ ટકાની રાહત આપવાનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે, જેનો નિર્ણય ૨૩ સપ્ટેમ્બર એટલે કે બુધવારે પાલિકાની જનરલ બૉડી મીટિંગમાં લેવાશે. જો આ પ્રસ્તાવ પાસ થશે તો ૨.૮૩ લાખ મિલકતધારકોને રાહત મળશે. માર્ચ મહિનાના ત્રીજા અઠવાડિયાથી લઈને અત્યાર સુધી આખા દેશમાં કોરોનાના સૌથી વધારે કેસ મુંબઈમાં નોંધાઈ રહ્યા છે. આને લીધે છ મહિનાથી દેશના આર્થિક પાટનગર મુંબઈની ઇકૉનૉમી પાટા પરથી ઊતરી ગઈ છે. લાંબા સમય સુધી લૉકડાઉન રહેવાથી અને એમાં હવે છૂટછાટ અપાયા બાદ પણ કામધંધા ઠંડા હોવાથી મોટા ભાગના મુંબઈકરો આર્થિક મુશ્કેલી અનુભવી રહ્યા છે.

લોકોની આ સ્થિતિ જોઈને મુંબઈ મહાનગરપાલિકાએ આ વર્ષે ૨.૮૩ લાખ મિલકતધારકોને પ્રૉપર્ટી ટૅક્સમાં ૫૦ ટકા રાહત આપવાનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે. જોકે પાલિકાના અધિકારીઓએ આ નિર્ણયથી પાલિકાને કેટલું આર્થિક નુકસાન થશે એની માહિતી નથી આપી.

મુંબઈ મહાનગરપાલિકાનાં મેયર કિશોરી પેડણેકર ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોરોનાને લીધે પાલિકાની આર્થિક સ્થિતિ ખરાબ છે, પણ મુંબઈગરાઓ પાલિકા કરતાં વધારે મુશ્કેલીમાં હોવાથી તેમને રાહત આપવા માટે અમે આ વર્ષે પ્રૉપર્ટી ટૅક્સના સૂચિત વધારામાં ૫૦ ટકાની રાહત આપવાનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે જે ૨૩ સપ્ટેમ્બરે થનારી પાલિકાની બેઠકમાં માંડવામાં આવશે. મને વિશ્વાસ છે કે એ લોકોની પરિસ્થિતિ જોઈને પાસ થશે.’

એક અંદાજ મુજબ મુંબઈમાં ૪.૨ લાખ પ્રૉપર્ટી રજિસ્ટર્ડ છે, જેમાંથી ૧.૩૭ લાખ પ્રૉપર્ટીધારકો ૫૦૦ ચોરસ ફીટથી નાની મિલકત ધરાવતા હોવાથી તેમનો પહેલેથી જ પ્રૉપર્ટી ટૅક્સ માફ કરી દેવાયો છે. છેલ્લે ૨૦૧૫માં મિલકત વેરામાં ફેરફાર કરાયો હતો. મુંબઈ મહાનગરપાલિકાના કાયદા મુજબ દર પાંચ વર્ષે ટૅક્સમાં ફેરફાર કરવામાં આવે છે.

mumbai mumbai news coronavirus covid19 lockdown brihanmumbai municipal corporation