BMC On Potholes: ત્રણ વર્ષમાં મુંબઈને ખાડા મુક્ત કરીશું, BMC કમિશનરની હાઈકોર્ટમાં ખાતરી

30 September, 2022 05:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈમાં રસ્તાઓ પર પડેલા ખાડાઓની સમસ્યાને લઈને હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે

ફાઇલ તસવીર

મુંબઈ મહાનગર પાલિકા (BMC)ના કમિશનર ઈકબાલ સિંહ ચહલે શુક્રવારે હાઈકોર્ટમાં ખાતરી આપી હતી કે તેઓ અમને મુંબઈના રસ્તાઓ અંગે સંપૂર્ણ સત્તા આપવામાં આવશે તો તેઓ આગામી ત્રણ વર્ષમાં મુંબઈને ખાડામુક્ત કરી દેશે. મુંબઈના રસ્તાઓ પર ખાડા પડતાં આખું મુંબઈ મહાનગર પાલિકાના માથે જ માછલાં ધોવે છે, પરંતુ લોકોએ હકીકતો પણ સમજવી જોઈએ.
મુંબઈ મહાનગર પાલિકાના કમિશનર ઈકબાલ ચહલે હાઈકોર્ટમાં કહ્યું કે “અમને મુંબઈના રસ્તાઓ અંગે સંપૂર્ણ અધિકાર આપવામાં આવે. અમે 2 ફેબ્રુઆરી 2021ના રોજ મુખ્ય સચિવને આવો પત્ર મોકલ્યો હતો, પરંતુ હજુ સુધી તેનો નિર્ણય લેવાયો નથી. જો આમ થશે તો આગામી 20-30 વર્ષમાં તેના સારા પરિણામો જોવા મળશે.”

હાઇકોર્ટે આની નોંધ લેતા આદેશ જારી કરતા નિર્દેશ આપ્યો છે કે “અમે શહેરી વિકાસ વિભાગને તમારા પત્ર પર સકારાત્મક વિચારણા કરવા નિર્દેશ આપીશું.”

મુંબઈમાં રસ્તાઓ પર પડેલા ખાડાઓની સમસ્યાને લઈને હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. આ સુનાવણી માટે મહાનગર પાલિકાના કમિશનર અને જાહેર બાંધકામ વિભાગના સચિવ કોર્ટમાં હાજર થયા હતા. ચીફ જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ મકરંદ કર્ણિકની બેંચ સમક્ષ થયેલી સુનાવણીમાં મુંબઈ મહાનગર પાલિકાના કમિશનર ઈકબાલ સિંહ ચહલે પ્રેઝન્ટેશન દ્વારા હાઈકોર્ટને માહિતી આપી હતી.

બોરીવલીમાં બનેલી ઘટનાના રસ્તા માટે એમએસઆરડીસી જવાબદાર હોવાનું સમજાવતા, જણાવવામાં આવ્યું હતું કે ખાડાઓ માટે માત્ર મહાનગર પાલિકાનું વહીવટીતંત્ર જવાબદાર નથી. આ સમગ્ર રજૂઆતનો સકારાત્મક પ્રતિસાદ આપતાં હાઇકોર્ટે દર બે મહિને આ વિષયનો અહેવાલ રજૂ કરવાનો આદેશ કર્યો છે.

mumbai mumbai news brihanmumbai municipal corporation bombay high court