ઑટો-ટૅક્સીના ભાડા માટે નવી સમિતિ રચવાની રાજ્ય સરકારે કોર્ટને ના પાડી

07 November, 2012 05:55 AM IST  | 

ઑટો-ટૅક્સીના ભાડા માટે નવી સમિતિ રચવાની રાજ્ય સરકારે કોર્ટને ના પાડી



રિક્ષા અને ટૅક્સીનાં ભાડાં વધારવામાં આવ્યાં એ પછી આ ભાડાં વધારવા માટેની ભલામણો કરનારી એક મેમ્બર ધરાવતી હકીમ સમિતિ બાબતે આકરી ટીકા કરીને બૉમ્બે હાઈ કોર્ટે સોમવારે વધુ મેમ્બરો અને નિષ્ણાતો ધરાવતી સમિતિ રચવાનો રાજ્ય સરકારને આદેશ આપ્યો હતો, પણ ગઈ કાલે રાજ્ય સરકારે કોર્ટમાં સ્પષ્ટપણે કહ્યું હતું કે સરકાર કોર્ટના આદેશ મુજબ નવી સમિતિ રચવા તૈયાર નથી. ભાડાં નક્કી કરવા માટે શા માટે એક મેમ્બરની હકીમ સમિતિની રચના કરવામાં આવી એ નિર્ણયને સમર્થન આપતું એક ઍફિડેવિટ પણ સરકાર કોર્ટમાં રજૂ કરશે. કોર્ટે આ માટે સરકારને ૨૨ નવેમ્બર સુધીનો સમય આપ્યો હતો અને ભાડાવધારાના વિરોધમાં જનહિતની અરજી કરનારી મુંબઈ ગ્રાહક પંચાયતને એની પિટિશનને સુધારવા અને એમાં લોકોની મુશ્કેલીઓ અને હકીમ સમિતિની ભલામણોમાં રહેલી છટકબારીઓની વિગત સામેલ કરવા પણ જણાવ્યું હતું.

છેલ્લા એક વર્ષમાં ત્રણ વાર રિક્ષા અને ટૅક્સીનાં ભાડાં વધી ગયાં છે અને છેલ્લો વધારો ૧૧ ઑક્ટોબરે થયો હતો જે સૌથી વધારે અને લોકોના ખિસ્સાને ભારે પડે એમ હતો. આ ભાડાવધારો એક મેમ્બરની બનેલી હકીમ સમિતિની ભલામણોના આધારે થતાં મુંબઈ ગ્રાહક પંચાયતે એની વિરુદ્ધ જનહિતની અરજી કરી હતી. જસ્ટિસ ધનંજય ચંદ્રચૂડ અને જસ્ટિસ આર. જી. કેતકરની ડિવિઝન બેન્ચે ગયા મહિને થયેલી સુનાવણીમાં રાજ્ય સરકારના આ નિર્ણયની આકરી ટીકા કરી હતી અને સોમવારે થયેલી સુનાવણીમાં જણાવ્યું હતું કે જે બાબતની અસર લાખો લોકોને થવાની હોય એ વિશે નિર્ણય લેનારી સમિતિમાં માત્ર એક મેમ્બર ન હોવો જોઈએ અને એથી કોર્ટે વધુ મેમ્બરોની સમિતિ રચવાનો આદેશ આપ્યો હતો.

જોકે ગઈ કાલે થયેલી સુનાવણીમાં ઍડિશનલ ગવર્નમેન્ટ પ્લીડર એસ. એસ. શિંદેએ કોર્ટને જણાવ્યું હતું કે ‘સોમવારે આ વિષયને લઈને સંબંધિત મિનિસ્ટરો અને સેક્રેટરીઓની એક બેઠક યોજાઈ હતી અને એમાં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે આ મુદ્દે વધુ મેમ્બરો અને નિષ્ણાતોની સમિતિ બનાવવા પહેલાં સરકાર આ ભાડાવધારો શા માટે યોગ્ય હતો એ વિશે ઍફિડેવિટ કરશે અને જો કોર્ટને એનાથી સંતોષ ન થાય તો પછી એ બીજી સમિતિ બનાવવા માટે આદેશ આપી શકે છે.’