પૈસા હશે તો અમે આપીશું ફ્રીમાં વીજળી: ઊર્જાપ્રધાન

21 November, 2020 08:06 AM IST  |  Mumbai | Dharmendra Jore

પૈસા હશે તો અમે આપીશું ફ્રીમાં વીજળી: ઊર્જાપ્રધાન

મહારાષ્ટ્રના ઊર્જા ખાતાના પ્રધાન નીતિન રાઉતે ગઈ કાલે જણાવ્યું હતું કે ‘દરેક ઇલેક્ટ્રિસિટી કનેક્શનને ૧૦૦ યુનિટ વીજપુરવઠો વિનામૂલ્ય આપવાનું વચન હું ભૂલ્યો નથી. રાજ્યની વીજપુરવઠા કંપની પાસે પૂરતું ભંડોળ નહીં હોવાથી એ બાબતે તાત્કાલિક કોઈ નિર્ણય લઈ શકાય એમ નથી. હાલમાં વીજબિલોની લેણી રકમનો આંકડો ૬૯,૦૦૦ કરોડ (તેમાં ખેડૂતોના બાકી બિલોની રકમ ૪૦,૦૦૦ કરોડ) પર પહોંચ્યો છે. એ રકમની ચુકવણીઓ થવા માંડે તો રાજ્ય સરકાર દર વર્ષે ૬૦૦૦ કરોડ રૂપિયા ૧૦૦ યુનિટ વિનામૂલ્ય વીજપુરવઠા માટે ખર્ચી શકશે.’

નીતિન રાઉતે જણાવ્યું હતું કે ‘વિનામૂલ્ય વીજપુરવઠા બાબતે નિયુક્ત કરવામાં આવેલી સમિતિની બેઠક કોરોના રોગચાળાને કારણે યોજી શકાઈ નહોતી, પરંતુ એ સમિતિને વહેલી તકે અહેવાલ સુપરત કરવાની સૂચના આપવામાં આવી છે. એ લોકો કહે છે કે મેં વચન પાળ્યું નથી. હું મારું વચન પૂર્ણ કરવા માટે ભવિષ્યમાં પણ કાર્યરત રહીશ. ૨૦૧૪માં રાજ્યમાં બીજેપીની સરકાર સત્તા પર આવ્યા પછી બિલોની બાકી નીકળતી રકમની રીકવરી સાવ ધીમી પડી ગઈ હતી. તેથી બાકી રકમનો આંકડો વધતો ગયો છે. વીજપુરવઠામાં બિલોના એરિયર્સમાં વૃદ્ધિ અને રાજ્ય સરકારના મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી બોર્ડના નેજા હેઠળની ત્રણ ઊર્જા કંપનીઓની નફાકારકતામાં ઘટાડા વિશે તપાસનો આદેશ આપ્યો છે. વીજબિલોને મુદ્દે બીજેપી રાજકારણ ખેલે છે.’

mumbai news mumbai brihanmumbai electricity supply and transport dharmendra jore bharatiya janata party