વાકોલાના રહેવાસીઓને આ વર્ષે પૂરની સ્થિતિ સર્જાવાનો ડર

11 May, 2012 08:46 AM IST  | 

વાકોલાના રહેવાસીઓને આ વર્ષે પૂરની સ્થિતિ સર્જાવાનો ડર

છેલ્લાં છ વર્ષથી મીઠી નદીમાં પૂર આવે છે. છતાં વાકોલાના રહેવાસીઓ બધું ગુમાવી બેસવાના ડર સાથે હજી પણ ત્યાં રહે છે. ત્યાંના રહેવાસીઓનું કહેવું છે કે દરેક ચોમાસામાં વાકોલા નાળું ઊભરાય છે અને પૂર આવે છે. સુધરાઈ અને એમએમઆરડીએ (મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ) દ્વારા મીઠી હેઠળ ૨૨ કિલોમીટરની દીવાલ બાંધવા અને બૃહનમુંબઈ સ્ટૉર્મ વૉટર ડિસ્પોઝલ સિસ્ટમ બેસાડવાનું કાર્ય હાથમાં લેવામાં આવ્યું હતું.

રહેવાસીઓના કહેવા મુજબ દીવાલના બાંધકામમાં સર્વિસ રોડ વપરાતો હોવાથી અસલ પહોળાઈ કરતાં નાળાની પહોળાઈ ઓછી થાય છે અને કુદરતી પ્રવાહ અટકી જાય છે.

એચ-ઈસ્ટના અસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર મનીષ પીંપળેએ મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘નાળા પર સર્વિસ રોડ બાંધવો જરૂરી હતો. આ અસ્થાયી રીતે બાંધવામાં આવેલી દીવાલ છે જેને કામ પૂરું થયા પછી કાઢી નાખવામાં આવશે. બ્રિજનું કામ આગળના ડેવલપરે કાયદાકીય સમસ્યાઓના કારણે અધૂરું મૂક્યું હતું જે અમે માટી કાઢી ક્લિયર કરી આપીશું જેથી મીઠી નદીમાં પૂર આવશે નહીં.’

શ્રી સાંઈનાથ સોસાયટીમાં રહેતા બાવન વર્ષના ધવલ શાહે મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘આ વર્ષે વાદળાંઓ સ્ફોટ કરશે તો અમારી સોસાયટી વિનાશકારી પૂરમાં સપડાય એવી શક્યતા છે. નાળાનું અમારી તરફનું દીવાલ પરનું બાંધકામ હજી તેમણે શરૂ કર્યું નથી, પણ ૧૦ દિવસ પહેલાં તેમણે સીમાનો ભાગ તોડી પાડ્યો હતો.’

અલકાનગર ચાલના રહેવાસી બલિરામ કદમે કહ્યું કે ‘અમે સુધરાઈ અને નગરસેવકને ફરિયાદો કરી-કરીને ત્રાસી ગયા છીએ.’

કૈલાશનગર સોસાયટીના મોહમ્મદ શેખે મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘અમને દર વર્ષે વરસાદનાં પાણી ભરાઈ જતાં તકલીફ તો વેઠવી જ પડે છે, પણ જ્યારે ïવધુ વરસાદ આવે છે ત્યારે જાનહાનિ અને માલહાનિ એમ બન્નેના નુકસાનનો ડર પણ રહે છે. સુધરાઈએ પતરાં બાંધી કામ તો શરૂ કર્યું છે, પણ એ કામ વરસાદ આવતાં પહેલાં પૂરું થાય એવી આશા છે.’

નાળા ઉપરનો અધૂરો બ્રિજ રહેવાસીઓની તકલીફોમાં ઉમેરો કરે છે. ૨૦૦૫ના મુશળધાર વરસાદ પછી બ્રિજનું બાંધકામ જમીનના હકોને કારણે કાનૂની વિવાદમાં અટકી પડ્યું છે.

એમએનએસ (મહારાષ્ટ્ર નવનિર્માણ સેના)ના વૉર્ડ-નંબર ૮૧ના નગરસેવક સ્નેહલ શિંદેએ મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘વૉર્ડ-ઑફિસર સાથે વાત કરતાં તેમણે વચન આપ્યું હતું કે આ બ્રિજ તોડી પાડવામાં આવશે અને નવો બ્રિજ હાઇટ પ્રમાણે જલદી બાંધવામાં આવશે.’

વૉર્ડ-ઑફિસરના કહેવા મુજબ કામ શરૂ કરવામાં આવ્યું છે જે ૩૧ મે સુધી પૂરું થવાની આશા છે. તેમનું કહેવું છે કે જ્યારે કામ પૂરું થઈ જશે ત્યારે આપોઆપ પરિસ્થિતિ સુધરી જશે.