એકનાથ ખડસે નોરતાંમાં ‘પવાર પ્લૉટ’માં જશે?

17 October, 2020 11:40 AM IST  |  Mumbai | Dharmendra Jore

એકનાથ ખડસે નોરતાંમાં ‘પવાર પ્લૉટ’માં જશે?

એનસીપીના કેટલાક નેતાઓએ કહ્યું છે કે એકનાથ ખડસેનું પક્ષમાં સ્વાગત છે. (તસવીર ​: પ્રદીપ ધિવાર)

નોરતાંના શુકનિયાળ દિવસોમાં એકનાથ ખડસે બીજેપી છોડીને રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસમાં જોડાય એવી શક્યતાઓ ચર્ચાઈ રહી છે. પરંતુ અટકળોના શોરબકોર વચ્ચે બીજેપી એવો દાવો કરે છે કે પક્ષના સારા-નરસા સમયમાં સાથ નિભાવનારા વરિષ્ઠ નેતા એકનાથ ખડસે પક્ષાંતરનું પગલું નહીં લે. બીજેપીના પુરોગામી જનસંઘના વખતથી એકનાથ ખડસેની સાથે રહેલા તેમના સહયોગીઓ-ટેકેદારો કહે છે કે ખડસે રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસમાં જોડાવાની શક્યતાઓ જણાતાં તેઓ પણ તેમની સાથે એ પક્ષમાં જોડાવાની તૈયારી કરી રહ્યા છે.
આ બાબતે ખડસે તરફથી કે રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ તરફથી કોઈ સત્તાવાર ટ‌િપ્પણી કરવામાં આવી નથી. પરંતુ રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે બીજેપીના મહારાષ્ટ્ર એકમના ધુરંધર નેતા તેમના પક્ષમાં સામેલ થવા ઇચ્છતા હોય તો તેમનું સ્વાગત છે. એકનાથ ખડસેને 2016માં દેવેન્દ્ર ફડણવીસની સરકારમાં ભ્રષ્ટાચારના આરોપોના અનુસંધાનમાં રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવી હતી. ખડસેએ ભ્રષ્ટાચારના આરોપો નકાર્યા હતા. ત્યાર પછી તેઓ ક્યારેય મંત્રાલયમાં ગયા નહોતા અને ગયા વર્ષે રાજ્ય વિધાનસભાની ચૂંટણીની ટિકિટ પણ ફાળવાઈ નહોતી. મુક્તાઈ નગરની બેઠકની ઉમેદવારી ખડસેની જગ્યાએ તેમની દીકરી રોહિણીને આપવામાં આવી હતી. પરંતુ જે બેઠક પર એકનાથજી સતત બે વખત જીત્યા હતા એ બેઠક પર રોહિણી હારી ગયાં હતાં.
રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ રાજ્યમાં હાલની સત્તાધારી મહારાષ્ટ્ર વિકાસ આઘાડીનો ઘટક પક્ષ હોવાથી એકનાથ ખડસેને પ્રધાનપદ પ્રાપ્ત થવાની શક્યતા ચર્ચાય છે. જાણકાર સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ખડસેએ પ્રધાનપદ માટે ગૃહ મંત્રાલય અથવા કૃષિ મંત્રાલયમાંથી એકની પસંદગી દર્શાવી હોવાનું કહેવાય છે.

mumbai mumbai news dharmendra jore