દિવાળી સુધરશે કે બગડશે? મુંબઈ નૉર્મલ થવાના સંકેત મળ્યા

29 October, 2020 07:36 AM IST  |  Mumbai | Mumbai correspondent

દિવાળી સુધરશે કે બગડશે? મુંબઈ નૉર્મલ થવાના સંકેત મળ્યા

મુંબઇ લોકલ

મુંબઈગરા છેલ્લા કેટલાય સમયથી એક જ સવાલ પૂછી રહ્યા છે કે ભાઈ મુંબઈની લાઇફલાઇન લોકલ ટ્રેન બધા માટે ક્યારથી શરૂ થશે? ગઈ કાલે મહારાષ્ટ્ર સરકારે રેલવેને કહી જ દીધું કે શરૂ કરી દો ટ્રેન બધા માટે. હા, પણ શરતોય મૂકી છે. એટલી વાત નક્કી, દિવાળી પહેલાં જ કદાચ લોકલ ટ્રેનમાં બધાને પ્રવાસ કરવાની પરવાનગી મળી જશે. જોકે એક્સપર્ટ્‌સનું માનીએ તો જો સોશ્યલ ડિસ્ટન્સિંગ રાખવા અને માસ્ક પહેરવા જેવા નિયમોને લોકલના ટ્રાવેલિંગમાં મુંબઈગરા ફૉલો નહીં કરે તો આ છૂટ દિવાળી સુધારશે નહીં પણ બગાડશે, કારણ કે લોકલ ચાલુ થવા સાથે જ કોરોના-કેસનો વિસ્ફોટ થઈ શકે છે

મુંબઈઃ (મિડ-ડે પ્રતિનિધિ) કોરોનાને કારણે માર્ચ મહિનાથી મુંબઈની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેન સામાન્ય મુંબઈગરા માટે બંધ છે. અત્યારે અત્યાવશ્યક સેવા, સરકારી કર્મચારીઓ, મેડિકલ સ્ટાફ અને બહુ જ જૂજ લોકોને પ્રવાસ કરવાની પરવાનગી છે. ગયા અઠવાડિયાથી સામાન્ય મહિલાઓને પીક અવર્સ સિવાયના સમયમાં પ્રવાસ કરવાની પરવાનગી અપાઈ હતી. હવે રાજ્ય સરકારે સામાન્ય જનતા માટે પણ લોકલમાં પ્રવાસ કરવા દેવાનો પ્રસ્તાવ રેલવેને મોકલ્યો છે. આથી આગામી એક કે બે દિવસમાં સામાન્ય મુંબઈગરાઓ માટે લોકલનો પ્રવાસ શક્ય બનવાની શક્યતા છે. સરકારે લોકલમાં ગિરદી ન થાય એવી રીતે પ્રવાસનું ટાઇમટેબલ બનાવીને રેલવેને મોકલ્યું છે.
રાજ્ય સરકારના ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ઍન્ડ રીહૅબિલિટેશન ડિપાર્ટમેન્ટના સેક્રેટરી કિશોર રાજે નિમ્બાળકરે મધ્ય રેલવેના જનરલ મૅનેજર-સીએસએમટી, વેસ્ટર્ન રેલવેના જનરલ મૅનેજર-ચર્ચગેટ અને પોલીસ કમિશનર (રેલવે)ને ઉદ્દેશીને આપેલા આદેશના પત્રમાં મહિલાઓ માટે પણ દર એક કલાકે લેડીઝ સ્પેશ્યલ ટ્રેન છોડવામાં આવે એવી માગણી કરી છે.

સૂચવાયેલા ટાઇમ સ્લૉટ

અત્યાવશ્યક સેવા, મેડિકલ સ્ટાફ, સરકારી કર્મચારીઓ જે ક્યુઆર કોડ ધરાવતા પાસ ધરાવે છે તેમના માટે પીક અવર્સમાં સવારે 8થી 10.30 અને સાંજે 5થી 7.30નો સમય ફાળવાયો છે. સામાન્ય મુંબઈગરા માટે સવારે પહેલી ટ્રેનથી સવારના 7.30 સુધી અને સવારે 11થી બપોરે 4.3૦ વાગ્યા દરમ્યાન અને રાત્રે 8 વાગ્યાથી છેલ્લી ટ્રેન સુધી પ્રવાસ કરવા દેવાનું સૂચન કરાયું છે. મહિલાઓ માટે દર એક કલાકે લેડીઝ સ્પેશ્યલ ટ્રેન દોડાવવાનું સૂચન કરાયું છે.

mumbai mumbai news mumbai local train