બિહારમાંથી આરોપીઓને પકડવામાં ક્ષતિ હશે તો અમે સુધારીશું : પોલીસ-કમિશનર

02 September, 2012 04:51 AM IST  | 

બિહારમાંથી આરોપીઓને પકડવામાં ક્ષતિ હશે તો અમે સુધારીશું : પોલીસ-કમિશનર

આઝાદ મેદાનમાં ૧૧ ઑગસ્ટે થયેલાં તોફાનો બાદ અરૂપ પટનાઈકનું સ્થાન લેનારા કમિશનર સત્યપાલ સિંહે ગઈ કાલે પત્રકારો સમક્ષ બોલતાં કહ્યું હતું કે ‘બિહારના ડીજીપી તરફથી અમને લેટર આવ્યો છે, પણ મારે હજી જોવાનો બાકી છે. બિહારના ડીજીપી બહુ મદદશીલ છે એટલે કોઈ સમસ્યા ઉદ્ભવે એવું મને નથી લાગતું. અમે એકબીજાને સહકાર આપતા હોઈએ છીએ એટલે બિહારમાંથી પકડીને લાવવામાં આવેલા આરોપીઓની ધરપકડની પ્રક્રિયામાં કોઈ સમસ્યા હશે તો અમે એનો યોગ્ય રીતે ઉકેલ લાવીશું.’

૧૯ વર્ષના અબ્દુલ અન્સારીની મુંબઈની ક્રાઇમ બ્રાન્ચે ગયા સોમવારે બિહારના સીતામઢી ગામથી અમર જવાન સ્મારકને નુકસાન પહોંચાડવાના ગુના હેઠળ ધરપકડ કરી હતી. એની સામે બિહાર પોલીસની મંજૂરી લીધા વગર બિહારમાંથી કઈ રીતે તેની ધરપકડ કરવામાં આવી એવો સવાલ બિહારના સચિવે મુંબઈપોલીસને કર્યો હતો. આ સામે એમએનએસના અધ્યક્ષ રાજ ઠાકરેએ વિરોધ દર્શાવી મહારાષ્ટ્રમાંથી ઘૂસણખોર બિહારીઓને હાંકી કાઢવામાં આવશે એવી ધમકી આપી હતી અને રાજકીય સ્તરે વાતાવરણ ગરમ થઈ જતાં આ પૂરો વિવાદ વકરી ન જાય એ માટે ગઈ કાલે મુંબઈના પોલીસ-કમિશનરે આ વિવાદનો શાંતિપૂર્વક ઉકેલ લાવવાનું આશ્વાસન આપ્યું હતું.