જે પાંચ રાજ્યોમાં ચૂંટણી આવી રહી છે ત્યાં હું સરકારની વિરુદ્ધ પ્રચાર કરીશ : અણ્ણા હઝારે

28 December, 2011 05:12 AM IST  | 

જે પાંચ રાજ્યોમાં ચૂંટણી આવી રહી છે ત્યાં હું સરકારની વિરુદ્ધ પ્રચાર કરીશ : અણ્ણા હઝારે

 

પણ સાંજ સુધીમાં તો ૧૦,૦૦૦ જેટલા સમર્થકોથી ગ્રાઉન્ડ ભરાઈ ગયું હતું. તાવ હોવા છતાં અણ્ણા હઝારેએ ગઈ કાલે ઉપવાસ કર્યો હતો. તેમની કોર ટીમના સભ્યો કિરણ બેદી અને અરવિંદ કેજરીવાલ તથા અન્ય મંચ પર આવતા વક્તાઓ દ્વારા તેમને રિક્વેસ્ટ કરવામાં આવતી હતી કે તેઓ અનશન છોડી દે, પણ અણ્ણા અડગ રહ્યા હતા. તેમણે ઉપવાસ ચાલુ જ રાખ્યા હતા. 

ગાંધીવાદી સમાજસેવક અણ્ણા હઝારેએ તેમની આ લડત આર યા પારની લડાઈ હશે એમ જણાવતાં કેન્દ્રની યુપીઆઇ (યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ) સરકારને ચેતવણી આપતાં કહ્યું હતું કે ‘આવનારા દિવસોમાં હું પાંચ રાજ્યોમાં જ્યાં ચૂંટણી યોજાવાની છે ત્યાં તેમની વિરુદ્ધ પ્રચાર કરીશ. લોકપાલ બિલ માટેની ચળવળ એ આઝાદીની બીજી લડત જેવી ચળવળ રહી છે અને જો એ પાસ કરાવવા મારે જેલમાં જવું પડે તો એ માટે પણ હું તૈયાર છું. આ લડાઈ અણ્ણાની કે ટીમ અણ્ણાની નથી, આ લડાઈ લોકોની છે અને લોકો તેમને સબક શીખવાડશે. કેટલાક લોકો અમને ધમકી આપી રહ્યા છે કે જ્યાં ચૂંટણીઓ થવાની છે ત્યાં મને આવવા નહીં દે.

હું કાંઈ તેમનાથી ડરવાનો નથી. મને મોતનો ડર નથી.’ તેમણે એમ પણ કહ્યું હતું કે લોકપાલ બિલ જો પાસ થશે તો પણ તેમની લડત તો ચાલુ જ રહેશે અને તેઓ રાઇટ ટુ રીકૉલના મુદ્દે ચળવળ ઉપાડશે.

ગાંધી ટુ ગાંધી

ગઈ કાલે સવારે જુહુ બીચ પર ગાંધીજીની પ્રતિમાને વંદન કર્યા પછી અણ્ણા હઝારે તેમના સમર્થકો સાથે સરઘસાકારે બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સના એમએમઆરડીએ ગ્રાઉન્ડ પર પહોંચ્યા હતા. ત્યાં સ્ટેજ પર પણ ગાંધીજીની વિશાળ તસવીર મૂકવામાં આવી છે. શરૂઆતમાં જોકે આંદોલન-સ્થળ ખાલી હતું, પણ ધીમે-ધીમે લોકો આવવાના શરૂ થયા હતા.