મીરા રોડમાં બાલાનું રીરન: ટાલની પોલ

30 October, 2020 08:00 AM IST  |  Mumbai | Preeti Khuman Thakur

મીરા રોડમાં બાલાનું રીરન: ટાલની પોલ

પ્રતીકાત્મક તસવીર

બૉલીવુડની ‘બાલા’ ફિલ્મની લોકોએ સારી રીતે સરાહના કરી હતી. ફિલ્મમાં આયુષ્માન ખુરાનાએ એક ટકલા માણસનો રોલ કર્યો હતો, જેનાં લગ્ન માથામાં ટાલને કારણે નહોતાં થઈ રહ્યાં એટલે નકલી વાળની વિગ પહેરીને તે લગ્ન કરે છે. જોકે લગ્ન બાદ પોલ ખૂલી જતાં તેની પત્ની તેને ડિવૉર્સ આપી દે છે. આવો જ બનાવ મીરા રોડમાં એક રિયલ લાઇફમાં પણ બન્યો છે, જ્યાં પતિ ટાલિયો હોવાની પોલ ખૂલી જતાં પત્નીએ મીરા રોડના નયાનગર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મીરા રોડ પોલીસે જણાવ્યું કે ‘નયાનગરમાંના લક્ષ્મી પાર્કમાં રહેતા ૨૯ વર્ષના મોહમ્મદ મુર્તઝા સઈદનાં લગ્ન એક મહિના પહેલાં ૨૭ વર્ષની એક મહિલા સાથે થયાં હતાં. લગ્ન કરીને પતિ-પત્ની બન્ને ખૂબ ખુશ હતાં, પરંતુ લગ્ન બાદ મહિલાને જાણવા મળ્યું કે તેનો પતિ ટાલિયો છે અને માર્કેટમાં મળતી નકલી વાળની વિગ તે માથા પર પહેરે છે. આ વાત જાણ્યા બાદ મહિલાને જોરદાર ધ્રાસ્કો લાગ્યો હતો. એ ઉપરાંત મોહમ્મદ મુર્તઝા પત્નીના ચારિત્ર્ય પર શંકા કરતો હતો અને લગ્નમાં ઓછું દહેજ મળ્યું હોવાથી મહેણાં-ટોણાં પણ મારતો હતો એવો આરોપ પત્નીએ કર્યો છે. એટલું જ નહીં, મોહમ્મદ પત્નીનો મોબાઇલ હૅક કરીને તેની જાસૂસી પણ કરતો હતો. આવી બધી વાતોથી કંટાળીને મહિલાએ પતિ સામે નયાનગર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે કલમ ૪૯૮, ૩૭૭, ૪૦૬, ૫૦૦, ૩૪ અને સૂચના તક્નિક અધિનિયમ ૬૬ અને ૬૬(સી) અનુસાર ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.’

નયાનગરના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર કૈલાશ બારવેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે મહિલાએ તેના પતિ સામે તે ટકલુ છે અને તેની જાસૂસી કરે છે એવા આરોપ મૂક્યા છે. પોલીસે મહિલાની ફરિયાદના આધારે કેસ નોંધીને તપાસ હાથ ધરી છે.

mumbai mumbai news mira road preeti khuman-thakur