ઓનલાઇન ક્લાસીસ લેતા હો તો મસમોટી ફી લેવાની શી જરૂર ?

20 July, 2020 04:10 PM IST  |  Mumbai Desk | Pallavi Smart

ઓનલાઇન ક્લાસીસ લેતા હો તો મસમોટી ફી લેવાની શી જરૂર ?

પ્રતીકાત્મક તસવીર

કોરોના રોગચાળાના માહોલમાં જે રીતે સ્કૂલો ચાલે છે, એમાં માળખાકીય સુવિધાઓનો ઓછામાં ઓછો વપરાશ અને મેઇન્ટેનન્સમાં સાવ ઓછા ખર્ચ થાય છે. એ સંજોગોમાં ફી ઘટાડવાની માગણી સ્ટુડન્ટ્સના પેરન્ટ્સ કરી રહ્યા છે. ઓનલાઇન ક્લાસીસ હજુ છ મહિના ચાલશે એવી ધારણા વચ્ચે કમ્યુનિટી સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ લોકલસર્કલ્સ તરફથી ઓન લાઇન સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. ઓનલાઇન એજ્યુકેશન શરૂ કરવામાં આવતાં સ્કૂલો અને પેરન્ટ્સ વચ્ચે શરૂ થયેલા નવા વિવાદના વિશ્લેષણના ઉદ્દેશથી સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું.
સર્વેક્ષણમાં સામેલ થયેલા 10,500 પેરન્ટ્સમાંથી 97 ટકા પેરન્ટ્સે ઓગસ્ટ મહિનામાં સ્કૂલો નહીં ખોલવાનો અનુરોધ કર્યો હતો. એમાંથી 87 ટકા પેરન્ટ્સે સ્કૂલોની ફી માળખામાં સુધારાની માગણી કરી હતી. સર્વેક્ષણમાં સહભાગી પેરન્ટ્સમાંથી 29 ટકાએ ફક્ત ટ્યુશન ફી લેવાની અને અન્ય ફી રદ કરવાની માગણી કરી હતી. 41 ટકા પેરન્ટ્સે ફક્ત ટ્યુશન ફી લેવાની જોગવાઈ થાય કે અન્ય ફી યથાવત રખાય એ બન્ને સ્થિતિની તરફેણ કરી હતી. 18 ટકા પેરન્ટ્સે ટ્યુશન ફી અને આઇટી ફીમાં 25 ટકા ઘટાડાની માગણી કરી હતી. 12 ટકા પેરન્ટ્સે ફી માળખું યથાવત રાખી શકાય એમ હોવાનો મત વ્યક્ત કર્યો હતો.
આ સર્વેક્ષણ સ્કૂલ ફીમાં વૃદ્ધિનો વિરોધ કરનારા અને ફી ઘટાડવાની માગણી કરનારા પેરન્ટ્સના અવાજને વધુ બુલંદ કરે છે. તાજેતરમાં મહારાષ્ટ્ર સરકારે એક મહિના સુધી કોરોના ઇન્ફેક્શનનો એકપણ કેસ ન નોંધાયો હોય એવા વિસ્તારોમાં સ્કૂલો ફરી ચાલુ કરી શકાય એમ હોવાનું જણાવ્યું હતું. પરંતુ સર્વેક્ષણમાં સામેલ 26 ટકા પેરન્ટ્સે કોરોનાની વેક્સીન ન શોધાય ત્યાર સુધી સ્કૂલો શરૂ નહીં કરવાનો આગ્રહ દર્શાવ્યો હતો.

mumbai mumbai news pallavi smart