તમારા જામીન શું કામ રદ ન કરવા જોઈએ?

10 May, 2022 10:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જામીનની શરતોનો ભંગ કર્યો હોવાનો આક્ષેપ કરીને મુંબઈ પોલીસે કરેલી અરજી પર સ્પેશ્યલ કોર્ટે રાણા દંપતી પાસે માગ્યો જવાબ

મને વીસ ફૂટ નીચે દાટી દેવાની ધમકી આપનારા ‘પોપટ’ સંસદસભ્ય સામે હું ફરિયાદ કરીશ : અમરાવતીનાં સંસદસભ્ય નવનીત રાણા

સ્પેશ્યલ કોર્ટે હનુમાન ચાલીસાના પઠન મામલે થયેલા વિવાદમાં અપક્ષ સંસદસભ્ય નવનીત રાણા અને તેમના વિધાનસભ્ય પતિ રવિ રાણાને નોટિસ પાઠવીને તેમના જામીન રદ કરવાની માગણી કરતી મુંબઈ પોલીસની અરજી પર તેમનો પ્રતિભાવ માગ્યો હતો.
પોલીસે રાણા દંપતીએ ગયા સપ્તાહે સ્પેશ્યલ કોર્ટે તેમના જામીન મંજૂર કરતી વખતે તેમની સામે મૂકેલી કેટલીક પૈકીની એક શરતનું ઉલ્લંઘન કર્યું હોવાના આધારે તેમના જામીન રદ કરવાની માગણી કરી હતી.
સ્પેશ્યલ જજ આર. એન. રોકડેએ ગઈ કાલે સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટર પ્રદીપ ઘરાતનો પક્ષ સાંભળ્યો હતો અને રાણા દંપતીને નોટિસ પાઠવીને તેમનો જવાબ માગ્યો હતો. અદાલત આ મામલાની આગામી સુનાવણી ૧૮ મેના રોજ હાથ ધરશે.
સ્પેશ્યલ કોર્ટે ચોથી મેના રોજ દંપતીને જામીન પર છોડ્યું હતું અને કેટલીક શરતો લાદી હતી, જેમાંની એક શરત માધ્યમ સાથે વાત ન કરવાની હતી.
જે સામે સોમવારે ખાર પોલીસે સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટર મારફત અરજી દાખલ કરી હતી, જેમાં દંપતીએ માધ્યમ સાથે વાત ન કરવાની શરતનો ભંગ કર્યો હોવાથી જામીન રદ કરવાની માગણી કરાઈ હતી.

મને વીસ ફૂટ નીચે દાટી દેવાની ધમકી આપનારા ‘પોપટ’ સંસદસભ્ય સામે હું ફરિયાદ કરીશ : અમરાવતીનાં સંસદસભ્ય નવનીત રાણા

શિવસેનાની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર સરકાર સાથે ચાલી રહેલી ટસલને પગલે અમરાવતીનાં અપક્ષ સંસદસભ્ય નવનીત રાણાએ સંજય રાઉતને ‘પોપટ’ ગણાવ્યા હતા, સાથે જ તેમણે ઉમેર્યું હતું કે પોતાને (નવનીત રાણાને) ૨૦ ફૂટ નીચે દાટી દેવાની ધમકી આપવા બદલ તેઓ સંજય રાઉત સામે એફઆઇઆર નોંધાવશે.
લીલાવતી હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયાના બીજા દિવસે નવનીત રાણાએ પત્રકારો સાથે વાત કરતાં કહ્યું હતું કે ‘ગુંડા જેવા સંસદસભ્યે મને ખુલ્લી ધમકી આપી હતી... હું જઈને ‘પોપટ’ જેવા સંજય રાઉત સામે એફઆઇઆર નોંધાવીશ, તેમણે કહ્યું હતું કે તેઓ મને ૨૦ ફૂટ નીચે દાટી દેશે.’
ઉદ્ધવ ઠાકરે પર નિશાન તાકતાં તેમણે કહ્યું હતું કે ‘બીજેપી સાથે વિશ્વાસઘાત કરનારા મુખ્ય પ્રધાને અમને સિદ્ધાંતોની શીખ ન આપવી જોઈએ.’
આ અગાઉ દંપતીએ કહ્યું હતું કે ‘તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનો સંપર્ક સાધીને જેલવાસ દરમ્યાન મહારાષ્ટ્ર સત્તાતંત્રએ તેમની સાથે કરેલા દુર્વ્યવહારનો મુદ્દો તેમની સમક્ષ ઉઠાવશે.

રાણા દંપતીના ખારસ્થિત ઘરમાં બીએમસીને મળ્યું ગેરકાયદે બાંધકામ

રાણા દંપતીના ખાર-વેસ્ટમાં ૧૪મા રસ્તા પર આવેલા બિલ્ડિંગના ૧૪મા માળ પર આવેલા ઘરમાં ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હોવાનું સુધરાઈએ ગઈ કાલે જણાવ્યું હતું. તેમના ઘરની તપાસ કરનારી ટીમે જણાવ્યું હતું કે મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન ઍક્ટ ૧૮૮૮ હેઠળ સવારે ૧૧.૩૦ વાગ્યે પહોંચેલી ટીમે નોંધ્યું હતું કે તેમના રહેઠાણમાં કાયદાનું ઉલ્લંઘન કરીને મંજૂર કરાયેલા પ્લાનથી અલગ બાંધકામ કરવામાં આવ્યું હતું. અમે રિપોર્ટ તૈયાર કરી રહ્યા છીએ અને તે મુજબ રાણા દંપતીને નોટિસ આપવામાં આવશે.

Mumbai mumbai news