કબૂતરખાનાંઓ કેમ સીલ કરો છો? જીવદયાપ્રેમીઓ બરાબરના ભડક્યા

15 December, 2019 09:34 AM IST  |  Mumbai Desk

કબૂતરખાનાંઓ કેમ સીલ કરો છો? જીવદયાપ્રેમીઓ બરાબરના ભડક્યા

ગોવા‌લિયા ટૅન્કમાં કબૂતરખાનાને બીએમસીએ સીલ કર્યું છે.

મુંબઈમાં ફરી પાછો કબૂતરખાનાંનો ‌વિષય ઊભો થયો છે. જોકે આ વખતે મુંબઈના વર્ષો જૂના મુખ્ય કબૂતરખાના પર બીએમસીની નજર પડી ગઈ છે અને અનેક જગ્યાએ કબૂતરખાનાં સીલ કરવામાં આવ્યાં છે. કબૂતરખાનાં સીલ કરવાને લીધે કબૂતરોને જીવદયાપ્રેમીઓ ચણ આપી શકતા ન હોવાથી તેઓ ભૂખ્યા હોવાનું જીવદયાપ્રેમીઓનું કહેવું છે. ગોવા‌લિયા ટૅન્ક સાથે ખારના કબૂતરખાનાને પણ સીલ કરવામાં આવ્યું છે અને દંડ વસુલવા માટે ત્યાં પ્રશાસને વૉચમૅનને બેસાડ્યા હોવાથી જીવદયાપ્રેમીઓએ ભારે રોષ દાખવીને લડત શરૂ કરી છે, એટલું જ નહીં, જીવદયાપ્રેમીઓ રૅલીનું આયોજન કરીને ‌વિરોધ પણ દર્શાવવાના છે તેમ જ આ સંદર્ભે સંબંધિત સત્તાવાળાઓ સામે વિરોધ પણ દર્શાવવામાં આવ્યો છે.

આ ‌વિશે સંપૂર્ણ મા‌હિતી આપતાં ઓનરરી ‌ડિ‌સ્ટ્રિક્ટ ઍનિમલ વેલ્ફેર ઑ‌ફિસર મિતેશ જૈને ‌‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ગોવા‌લિયા ટૅન્કમાં ફૉર્જેટ સ્ટ્રીટના ચોક પર વીસેક વર્ષથી જ્યાં કબૂતરો અને અન્ય પક્ષીઓને ચણ અપાતું હતું એ જગ્યા બીએમસીએ સીલ કરી દીધી છે. ગોવા‌લિયા ટૅન્ક જૈન સંઘ દ્વારા અહીં દેખભાળ રાખવામાં આવે છે. એની સાથોસાથ ખાર-વેસ્ટમાં ખાર માર્કેટમાં આવેલા ૪૦ વર્ષ જૂના ખાર કબૂતરખાનાને પણ બંધ કરવામાં આવ્યું છે. ત્યાં વર્ષોથી જીવદયાપ્રેમીઓ કબૂતરને ચણ આપતા હોવાથી લગભગ ૨૦૦૦થી વધુ કબૂતરોને અહીં ખોરાક મળી રહેતો હતો. ખારના કબૂતરખાનાની દેખભાળ જીવદયા કબૂતરખાના ચૅ‌રિટેબલ ટ્રસ્ટ નામની સંસ્થા છેલ્લાં ૨૫ વર્ષથી કરી રહી છે. જોકે બીએમસીએ કોઈ રહેવાસીની ફ‌રિયાદના આધારે કબૂતર બીમાર પડે છે એમ કહીને છેલ્લા પાંચેક ‌દિવસથી અહીં કબૂતરખાનાં સીલ કરી દીધાં છે. ચારેય બાજુ જાળી લગાડી દીધી છે જેથી કબૂતરો જખમી થયાં છે. જ્યારે કબૂતરને ખાવાનું આપીને લોકો કોઈક ગુનો આચરતા હોય એમ ત્યાં વૉચમૅનને પણ બેસાડવામાં આવ્યા છે.’
જીવદયાપ્રેમીઓ અંત સુધી લડત આપશે એમ કહેતાં ‌‌‌મિતેશ જૈન કહે છે, ‘કબૂતરખાનાં પર કાર્યવાહી થયા ‌વિશે મા‌હિતી મળતાં હું તાત્કા‌લિક અહીં પહોંચ્યો હતો. બીએમસીની કાર્યવાહીને કારણે હજારો કબૂતરોની હાલત કફોડી થઈ છે એથી આ ‌વિષયને પશુ કલ્યાણ બોર્ડ ભારત સરકાર સામે ઉપાડ્યો છે. મેં સંબં‌ધિત ‌વિભાગ સ‌હિત ઍ‌નિમલ વેલ્ફેર બોર્ડ ઑફ ઇન્ડિયાને પત્ર લખીને આની જાણ કરી હતી. એ મુજબ ભારતીય જીવજંતુ કલ્યાણ બોર્ડનાં સ‌ચિવ ડૉક્ટર નીલમ બાલાએ બીએમસીના ક‌મિશનરને લેટર લખીને આ ‌‌વિશે સ્પષ્ટીકરણ કરવાનું જણાવ્યું છે તેમ જ બાંદરાના ‘એચ’ વૉર્ડના અ‌સિસ્ટન્ટ ક‌મિશનર ‌વિનાયક વીસકુંટેને લેટર આપ્યો હોવાથી તેઓ લે‌ખિતમાં જવાબ આપશે એવું કહ્યું હતું. જોકે આ રીતે હજારો કબૂતરોને પ્રશાસન ભૂખ્યાં મારી રહ્યાં છે. જોકે જીવદયાપ્રેમીઓ આ સંદર્ભે અંત સુધી લડત ચલાવશે એ પાક્કું છે.’

રૅલી કરવાનો પ્લાન
બીએમસી દ્વારા કરાયેલી આ કાર્યવાહી સામે જીવદયાપ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. એનો ‌વિરોધ દર્શાવવા અને કબૂતરખાનાં ફરી શરૂ કરવાની માગણી સાથે ટૂંક સમયમાં રૅલીનું આયોજન કરવામાં આવશે.

mumbai