મુલુંડવાસીઓ કેમ રસ્તા પર ઊતરી આવ્યા?

04 December, 2014 06:05 AM IST  | 

મુલુંડવાસીઓ કેમ રસ્તા પર ઊતરી આવ્યા?


મુલુંડ (વેસ્ટ)માં LBS માર્ગ પર વીર સંભાજીનગર પાસે સિગ્નલ મૂકો અથવા સ્પીડબ્રેકર બેસાડો એવી માગણી સાથે ગઈ કાલે સવારે રહેવાસીઓએ રસ્તારોકો આંદોલન કરીને લગભગ દોઢેક કલાક સુધી ટ્રાફિક ખોરવી નાખ્યો હતો.LBS માર્ગ પર વીર સંભાજીનગર પાસે સોમવારે સુધરાઈના હેલ્થ ડિપાર્ટમેન્ટમાં કામ કરતી ચિત્રા પાટીલ રસ્તો ક્રૉસ કરતી હતી ત્યારે મોટર બાઇકવાળાએ તેને અડફેટેમાં લીધી હતી. ઍક્સિડન્ટમાં તેનું મૃત્યુ થયું હતું એને કારણે લોકો ભડકી ગયા હતા અને ગઈ કાલે સવારે સાડાઅગિયાર વાગ્યે તેમણે રસ્તારોકો કર્યું હતું. એને કારણે દોઢેક સુધી ટ્રાફિક જૅમ થઈ ગયો હતો. બપોરે દોઢ વાગ્યા બાદ ટ્રાફિક ક્લિયર થયો હતો.

રસ્તારોકો આંદોલનમાં સહભાગી થયેલા સ્થાનિક રહેવાસી અમિત આર્યએ કહ્યું હતું કે ‘લાંબા સમયથી વીર સંભાજીનગર પાસે સિગ્નલ બેસાડો અથવા સ્પીડબ્રેકર બનાવી આપો એવી માગણી કરવામાં આવી રહી છે, પણ અમારી વાત કોઈ સાંભળતું જ નથી. સોમવારે રસ્તો ક્રૉસ કરતી વખતે સુધરાઈની કર્મચારી ચિત્રાનું એક્સિડન્ટ થયું અને તેનું મૃત્યુ થતાં સ્થાનિક રહેવાસીઓ ભડકી ઊઠયા હતા. આ વિસ્તારમાં બે સ્કૂલ છે અને દરરોજ સેંકડો બાળકો જીવના જોખમે રસ્તો ક્રૉસ કરે છે. પાંચ-છ મહિના પહેલાં બાજુમાં આવેલી એક સ્કૂલના બાળકનું પણ રસ્તો ક્રૉસ કરતી વખતે થયેલા ઍક્સિડન્ટમાં મૃત્યુ થયું હતું. સુધરાઈ પાસે, નગરસેવક પાસે અને ટ્રાફિક-પોલીસ પાસે જઈ આવ્યા, પણ કોઈ અમારી વાત સાંભળતું નથી. છેવટે અમે સીધા રસ્તા પર ઊતરી આવ્યા અને રસ્તા પર સિગ્નલ અથïવા સ્પીડબ્રેકર બેસાડવાની માગણી કરી હતી. ટ્રાફિક પોલીસે આવીને અમને આશ્વાસન આપ્યા બાદ છેવટે મામલો શાંત થયો હતો અને સ્પીડબ્રેકર બેસાડી દેવાનું આશ્વાસ ટ્રાફિક પોલીસે આપ્યું છે.