મેનો ઉકળાટ માર્ચમાં કેમ?

28 March, 2021 08:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે પારો ૪૧ ડિગ્રીની લગોલગ પહોંચી જવા વિશે વેધશાળાનું કહેવું છે કે રાજસ્થાનથી આવતા સૂકા પવનો આ વખતે થોડા વહેલા આવી ગયા હોવાથી આ સ્થિતિ નિર્માણ થઈ. જોકે હવે તાપમાન ઘટશે

માર્ચ મહિનાનું આ ઑલટાઇમ હાઈ ટેમ્પરેચર છે જે ૧૯૫૬ની ૨૮ માર્ચના રોજ નોંધાયું હતું.

છેલ્લા ત્રણ-ચાર દિવસથી વધી રહેલી ગરમીએ ગઈ કાલે માર્ચ મહિનાનો અત્યાર સુધીનો રેકૉર્ડ તોડી નાખ્યો હતો. ગઈ કાલે સાંતાક્રુઝમાં ૪૦.૯ ડિગ્રી અને કોલાબામાં ૩૮ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગઈ કાલે બપોરના સમયે રીતસરની લૂ વાતી હતી. મુંબઈમાં આવું બહુ જ ઓછું જોવા મળે છે. મુંબઈગરાઓને માર્ચ મહિનામાં જ મેમાં પડે એના કરતાં પણ વધારે તીવ્ર ગરમીનો અનુભવ ગઈ કાલે થયો હતો. આ પહેલાં ૨૦૧૮ના માર્ચ મહિનામાં પારો ૪૧ ડિગ્રી સુધી પહોંચ્યો હતો. 
મુંબઈમાં વધેલી ગરમીનું કારણ સમજાવતાં આઇએમડીનાં ડિરેક્ટર શુભાંગી ભુતેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હાલ રાજસ્થાનના ગરમ અને સૂકા પવનો મુંબઈ આવી રહ્યા છે. એથી મુંબઈમાં પારો ઊંચે જઈ રહ્યો છે. એ પવનોમાં ભેજ નથી એટલે પણ લોકો વધુ ગરમી અનુભવી રહ્યા છે. જોકે આ પરિસ્થિતિમાં ફરક જણાશે અને આજથી પારો થોડો નીચે જશે. દર વર્ષે આવું થતું હોય છે, પણ એ એપ્રિલમાં જોવા મળતું હોય છે. આ વખતે એ થોડું વહેલું જોવા મળ્યું છે. હવે પછી એપ્રિલમાં ધીમે-ધીમે ઉનાળો જામતો જશે.’  
ગઈ કાલે જે રીતે મુંબઈગરાઓ શેકાયા હતા એ વિશે કાંદિવલીની ઈરાનીવાડીમાં રહેતા જયદેવ રાવલે કહ્યું હતું કે ‘એવી ગરમી હતી કે ઑફિસમાં બેસવામાં તકલીફ પડતી હતી. એમ ને એમ બેઠાં-બેઠાં પરસેવો થતો હતો. આવી ગરમીમાં માસ્ક પહેરીને બહાર નીકળવામાં પણ તકલીફ થાય છે. બારીના કાચ ખોલતા હતા તો ગરમ પવન આવતો હતો. માર્ચમાં આ હાલત છે તો એપ્રિલ અને મેમાં શું થશે?’
વિક્રોલીમાં રહેતાં ગૃહિણી મંગળા સોનીએ કહ્યું હતું કે ‘બપોરના સમયે તો ઘરમાં બેસાતું નહોતું. પંખામાંથી પણ ગરમ પવન આવતો હતો. પહેલાં તો ગરમી વધી જાય તો બાળકોને લઈને મૉલમાં આંટો મારવા જતા રહેતા હતા, પરંતુ અત્યારે કોરોનાને લીધે એ પણ શક્ય નથી. રાતના અમારી હાલત ખરાબ થઈ જાય છે. મચ્છરના ત્રાસને લીધે બારી ખુલ્લી નથી રાખી શકતા અને પંખાનો પવન અડતો નથી. ગરમીમાં થોડી રાહત મળે તો સારું.’
છેલ્લાં દસ વર્ષમાં માર્ચ મહિનામાં 
રેકૉર્ડ થયેલું મૅક્સિમમ ટેમ્પરેચર
૨૦૧૧ : ૪૧.૩ ડિગ્રી
૨૦૧૨ : ૩૯.૫ ડિગ્રી
૨૦૧૩ : ૪૦.૫ ડિગ્રી
૨૦૧૪ : ૩૮.૦ ડિગ્રી
૨૦૧૫ : ૪૦.૮ ડિગ્રી
૨૦૧૬ : ૩૮.૨ ડિગ્રી
૨૦૧૭ : ૩૮.૪ ડિગ્રી
૨૦૧૮ : ૪૧.૦ ડિગ્રી
૨૦૧૯ : ૪૦.૩ ડિગ્રી
૨૦૨૦ : ૩૭.૫ ડિગ્રી

mumbai mumbai news mumbai weather