અનિલ દેશમુખના ઘરે પાંચ વાર દરોડા પાડવાની શી જરૂર છે? : શરદ પવાર

14 October, 2021 09:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એનસીપીના ચીફે મોદી સરકાર કેન્દ્રીય તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરતી હોવાનો આરોપ મૂક્યો

ગઈ કાલે શરદ પવારે યોજેલી પ્રેસ-કૉન્ફરન્સમાં તેમની સાથે જયંત પાટીલ અને નવાબ મલિક. પીટીઆઇ

એનસીપીના ચીફ શરદ પવારે કેન્દ્ર સરકાર સીબીઆઇ, ઈડી, આઇટી અને એનસીબી જેવી એજન્સીઓનો દુરુપયોગ કરી રહી હોવાનો ગઈ કાલે આરોપ મૂક્યો હતો. તેમણે સવાલ કર્યો હતો કે ‘ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખના ઘરે પાંચ-પાંચ વખત દરોડા શા માટે પાડવામાં આવ્યા? મને આશ્ચર્ય છે. એક જ ઘર પર પાંચ વખત છાપો મારવાની શી જરૂર છે?’
પત્રકારોની સાથેની વાતચીતમાં શરદ પવારે વધુમાં કહ્યું હતું કે ‘એવો માહોલ બનાવાયો કે અનિલ દેશમુખે રાજીનામું આપવું પડ્યું. તેમના પર આરોપ કરનારા મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ આજે ગાયબ છે. જનતાએ પણ આ વાતો સમજવી જરૂરી છે.’
કાશ્મીરમાં જવાનો પર થઈ રહેલા હુમલા વિશે શરદ પવારે કહ્યું હતું કે ‘ચીન સાથેની વાતચીત સફળ થઈ રહી છે, પરંતુ કાશ્મીરમાં જુદી સ્થિતિ ઊભી થઈ છે. ઘાટી વિસ્તારમાં સૈનિકો પર થઈ રહેલા હુમલા નિંદનીય અને ચિંતાજનક છે. આ બાબતે બધા પક્ષોએ સામૂહિક ભૂમિકા લેવી જરૂરી છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે મને અને કૉન્ગ્રેસના એ. કે. ઍન્થનીને બોલાવીને સીમા પર શું ચાલી રહ્યું છે એની માહિતી આપી છે. દેશની સુરક્ષા માટે અમે સાથે મળીને કામ કરીશું. અમારે જનતાને સતર્ક કરવી રહી.’
ક્રૂઝ શિપમાં એનસીબીનો દુરુપયોગ કરાઈ રહ્યો હોવા વિશે શરદ પવારે કહ્યું હતું કે ‘બીજેપી આ એજન્સીનો ખોટી રીતે ઉપયોગ કરી રહી છે. શાહરુખ ખાનના પુત્રની ધરપકડ કરવામાં આવી છે. આર્યન ખાન અને બીજાઓને ધરપકડ કરાયા બાદ જે વ્યક્તિઓ લઈ જઈ રહી હતી એ કે. પી. ગોસાવી અને મનીષ ભાનુશાલીના બીજેપીના મોટા પ્રધાનો સાથેના ફોટો છે. આથી આ મામલામાં એનસીબીની ભૂમિકા શંકાસ્પદ બની છે.’
ઉત્તર પ્રદેશના લખીમપુર મામલે શરદ પવારે કહ્યું હતું કે ‘કેન્દ્રીય પ્રધાનના પુત્રની કારથી ખેડૂતો કચડાઈને મૃત્યુ પામ્યા હોવા છતાં સરકાર સાંભળી નહોતી રહી. પાંચ-છ દિવસ પછી સુપ્રીમ કોર્ટમાં મામલો ગયા બાદ સરકારે પ્રધાનના પુત્રની ધરપકડ કરી હતી. મારું માનવું છે કે આની જવાબદારી ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાનની છે. તેઓ આનાથી બચી ન શકે. કેન્દ્રીય ગૃહરાજ્યપ્રધાને રાજીનામું આપવું જોઈએ.’

Mumbai mumbai news