સેન્ટ્રલ રેલવે કેમ મોડી છે?

13 January, 2022 09:08 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

થાણે અને દિવા સ્ટેશનની વચ્ચે પાંચમી અને છઠ્ઠી લાઇનના કામના ભાગરૂપે ત્રણ દિવસથી ટ્રેનને નવા ટ્રૅક પર દોડાવવામાં આવે છે, પણ શરૂઆતમાં સુરક્ષાની દૃષ્ટિએ સ્પીડ લિમિટ રાખી હોવાથી પ્રવાસીઓને થઈ રહ્યો છે ત્રાસ

સેન્ટ્રલ રેલવેના થાણે અને દિવા રેલવે સ્ટેશન વચ્ચે સમયાંતરે મેગા બ્લૉક લઈને પાંચમી અને છઠ્ઠી લાઇનનું કામ હાથ ધરાયું છે.

મુંબઈઃ સેન્ટ્રલ રેલવેના થાણે અને દિવા રેલવે સ્ટેશન વચ્ચે સમયાંતરે મેગા બ્લૉક લઈને પાંચમી અને છઠ્ઠી લાઇનનું કામ હાથ ધરાયું છે. સેન્ટ્રલ રેલવેએ સોશ્યલ મીડિયા પર મોટી-મોટી જાહેરાતો કરીને નવા ટ્રૅક પરથી સ્લો ટ્રેન દોડાવવાની શરૂઆત પણ કરી હતી. જોકે રવિવારે બ્લૉક લીધા બાદ સતત ૩ દિવસથી સેન્ટ્રલ રેલવેની સ્લો અને સેમી ફાસ્ટ ટ્રેનો સ્ટેશને સમય કરતાં ૧૫ મિનિટ મોડી પહોંચી રહી છે ત્યારે રેલવેનું કહેવું છે કે આ સુરક્ષાની દૃષ્ટિકોણે કરાઈ રહ્યું છે. બીજી બાજુ, સવારે કામ પર જતા પ્રવાસીઓને ટ્રેન-સર્વિસના વિલંબને લીધે મુશ્કેલીઓની સાથે સ્ટેશનો પર ભીડ પણ જોવા મળે છે. 
સેન્ટ્રલ રેલવેના કલ્યાણથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પર જતી સ્લો અને સેમી ફાસ્ટ ટ્રેનો સમય કરતાં આશરે ૧૫ મિનિટ માટે મોડી ચાલી રહી છે. આ ટ્રેનો નવા ટ્રૅક પર ચાલી રહી હોવાથી ત્યાં સાવચેતી રાખવાનો આદેશ અપાયો હોવાથી સુરક્ષાને લીધે સ્પીડ મર્યાદિત કરાઈ હોવાનું કહેવાયું છે. નવા ટ્રૅક અને નવા ફોર્મેશનનું એકીકરણ સુનિશ્ચિત કરી લીધા બાદ થોડા દિવસોમાં સ્પીડ ધીમે-ધીમે વધારવામાં આવશે. આ વિશે રેલવેએ અગાઉ અનાઉન્સમેન્ટ કરી હતી, પરંતુ પ્રવાસીઓને સવારના સમયે હાલાકી થતી હોવાનું જોવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે સેન્ટ્રલ રેલવેએ થાણે-દિવા વચ્ચેની પાંચમી અને છઠ્ઠી લાઇન પર કામ પૂર્ણ કરવા માટે શનિવાર અને રવિવારે થાણે અને કળવા સ્ટેશનો વચ્ચે ૩૬ કલાકનો મુખ્ય લાઇન પર મેગા બ્લૉક લીધો હતો અને ટૂંક સમયમાં ૭૨ કલાક સુધીનો અંતિમ બ્લૉક લેવાય એવી શક્યતા છે. 
બૉક્સ
રેલવેનું શું કહેવું છે?
આ વિશે માહિતી આપતાં સેન્ટ્રલ રેલવેના વરિષ્ઠ પ્રવક્તા એ. કે. જૈને ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘નવો ટ્રૅક હોવાથી સુરક્ષાની દૃષ્ટિએ ટ્રેનને મર્યાદિત સ્પીડે દોડવવામાં આવી રહી છે. રવિવારે બ્લૉક લઈને ટ્રૅકનું કામ કરાયું હતું અને છેલ્લા ૩ દિવસથી સ્લો અને સેમી ફાસ્ટ ટ્રેન ૧૦થી ૧૫ મિનિટ મોડી દોડે છે. આ વિશે આગામી અનાઉન્સમેન્ટ પણ કરાઈ હતી તેમ જ આગામી આદેશ સુધી આ રીતે ટ્રેનની સ્પીડ સ્લો રહેશે.’
બૉક્સ
પ્રવાસીઓ ઓછા થયા
સેન્ટ્રલ રેલવેમાં ડિસેમ્બર મહિનામાં આશરે ૨૭થી ૨૮ લાખ પ્રવાસીઓ પ્રતિદિન પ્રવાસ કરતા હતા, પરંતુ મુંબઈમાં કોવિડ કેસની સંખ્યા વધતાં પ્રવાસીઓની સંખ્યાનો આંકડો ઓછો થઈને આશરે ૨૨ લાખની આસપાસ પહોંચી ગયો છે.            

mumbai mumbai news