મલાડમાં કચ્છી યુવતીએ શું કામ સુસાઇડ કર્યું?

02 July, 2020 08:07 AM IST  |  Mumbai | Mumbai correspondent

મલાડમાં કચ્છી યુવતીએ શું કામ સુસાઇડ કર્યું?

જીવન ટૂંકાવનારી કમનસીબ દેવાંશી ગડા.

મલાડ (ઈસ્ટ)માં રાહેજા ટાઉનશિપમાં રહેતી ૨૯ વર્ષની એક કચ્છી જૈન ગૃહિણીએ ગઈ કાલે સવારે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈને કથિત રીતે આત્મહત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના બની હતી. વાગડ સમાજની એમકૉમ ભણેલી આ યુવતીનાં લગ્ન બે વર્ષ પહેલાં ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ સાથે થયાં હતાં.

પોલીસના જણાવ્યા મુજબ મલાડ (ઈસ્ટ)માં રાણી સતી માર્ગ પર આવેલી રાહેજા ટાઉનશિપના ટિપ્કો ટાવરમાં ૧૯મા માળે ૨૯ વર્ષની દેવાંશી લતેશ ગડા સંયુક્ત પરિવારમાં રહેતી હતી. સવારે તેણે પોતાને રૂમમાં બંધ કરી દીધી હતી. અનેક વખત પ્રયાસ કરાયા બાદ પણ દેવાંશીએ કોઈ જવાબ ન આપતાં પરિવારજનોએ કોઈક રીતે દરવાજો ખોલતાં તે ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. તેને નીચે ઉતારીને હૉસ્પિટલમાં લઈ જવાઈ હતી, પરંતુ ડૉક્ટરે તેને દાખલ કરતાં પહેલાં જ મૃત્યુ પામેલી જાહેર કરી હતી.

દેવાંશીના પિતરાઈ ભાઈ ધીરેન શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દેવાંશીનાં ૨૦૧૮ના ફેબ્રુઆરીમાં મલાડમાં રહેતા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ લતેશ ગડા સાથે લગ્ન થયાં હતાં. સવારે દેવાંશીના સાસરિયાઓનો પિતા ઈશ્વર ગાલાને ફોન આવ્યો હતો કે તેણે પોતાને રૂમની અંદર બંધ કરી દીધી છે. બાદમાં તેમણે જાણ કરી હતી કે તેણે ગળાફાંસો ખાઈ લીધો છે. તેઓ તેને મલાડની એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં લઈ ગયા હતા, પરંતુ ડૉક્ટરે તેને ચકાસીને મૃત જાહેર કરી હતી. બાદમાં પોસ્ટમૉર્ટમ કરવા માટે કાંદિવલીની શતાબ્દી હૉસ્પિટલમાં મૃતદેહ લઈ જવાયો હતો. અહીં પહેલાં કોવિડ-19ની ટેસ્ટ કરવામાં આવશે. એનો રિપોર્ટ આવ્યા બાદ ડૉક્ટરો પોસ્ટમૉર્ટમ કરશે. બાદમાં જ તેની અંતિમ ક્રિયા થઈ.

દેવાંશીના પતિ લતેશ ગડા સાથે ‘મિડ-ડે’એ ફોન પર વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમના તરફથી કોઈ જવાબ નહોતો મળ્યો.

દિંડોશી પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર ધરણેન્દ્ર કાંબલેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રાહેજા ટાઉનશિપમાં રહેતી ૨૯ વર્ષની દેવાંશી લતેશ ગડાએ ગળાફાંસો ખાઈ લીધો હોવાની જાણ તેના પરિવારજનોએ કર્યા બાદ અમે તેના આકસ્મિક મૃત્યુનો કેસ નોંધ્યો છે. પોસ્ટમૉર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ આગળની તપાસ હાથ ધરવામાં આવશે.’

mumbai mumbai news malad suicide coronavirus