ઠંડીના કારણે મેયરની પહેલી વિદેશ યાત્રામાં સિનિયર અધિકારી ન જોડાયા

22 December, 2014 05:53 AM IST  | 

ઠંડીના કારણે મેયરની પહેલી વિદેશ યાત્રામાં સિનિયર અધિકારી ન જોડાયા




મેયર સ્નેહલ આંબેકરની પહેલી વિદેશયાત્રામાં તેમની સાથે જોડાવવામાં સુધરાઈના સિનિયર અધિકારીઓએ ટાળ્યું હતું. કારણ? આંબેકરને રશિયામાં એક ઇવેન્ટમાં હાજરી આપવાનું આમંત્રણ મળ્યું હતું અને સુધરાઈનાં સૂત્રો જણાવે છે  કે રશિયામાં હાલમાં પડી રહેલી ઠંડી તેઓ સહન કરવાની સ્થિતિમાં નહોતા. આંબેકરે મૉસ્કોમાં ચોથા અર્બન  ફોરમમાં ૧૦ ડિસેમ્બરથી ૧૪ ડિસેમ્બર સુધી ભાગ લીધો હતો. આ સમારંભમાં  જુદા-જુદા દેશોના સરકારી અધિકારીઓ, શહેરી નિષ્ણાતો અને સક્રિય નાગરિકો મળી તેમના શહેરનો વિકાસ કરવાની રસપ્રદ બાબતોની ચર્ચા કરે છે.

 ભૂતકાળમાં મેયર સાથે આવી વિદેશી મુલાકાતો વખતે ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર અથવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગયા હતા. જોકે આ વખતે મેયર સાથે અસિસ્ટન્ટ સુધરાઈ કમિશનર દેવેન્દ્રકુમાર જૈન ગયા હતા. સુધરાઈનાં સૂત્રોએ આપેલી જાણકારી મુજબ રશિયામાં હાલમાં પડી રહેલી ઠંડીને કારણે સુધરાઈનો કોઈ સનદી અધિકારી રશિયા જવા તૈયાર નહોતો એથી જૈન અને તેના હાથ નીચેના અધિકારીને મોકલવામાં આવ્યા હતા.

 જોકે મેયરે આથી  વિપરીત નિવેદન આપતાં જણાવ્યું હતું કે ‘મને છેલ્લી ઘડી સુધી જાણ નહોતી કે મારી સાથે કયો અધિકારી આવે છે? મેં સુધરાઈના કમિશનરને મારી સાથે આવવા જણાવ્યું હતું, પરંતુ તેઓ આવી શક્યા નહોતા. તેમને બદલે દેવેન્દ્રકુમાર જૈનને મારી સાથે મોકલ્યા હતા. જો તમને બદલે કોઈ સિનિયર અધિકારી મારી સાથે આવ્યો હોત તો નિર્ણયો લેવામાં સરળતા પડી હોત, પરંતુ જૈને સારું કામ કર્યું હતું. તેઓ ટૂંક સમયમાં તેમનું પ્રસ્તુતીકરણ આપશે.

અધિકારીઓ શું કહે છે?

જ્યારે ‘મિડ-ડે’એ એડિશનલ કમિશનર સંજય દેશમુખને આ વિશે પ્રશ્ન કર્યો હતો ત્યારે તેમણે કહ્યું હતું કે આ સમારંભ શહેરી વિકાસ ખાતાનો હતો. એથી આ ટ્રિપમાં મારે જવાનો સવાલ જ ઊભો થતો નથી. કારણ કે હું આરોગ્ય વિભાગ સંભાળું છું.