ભાઇંદરના મથુરા કુંજને કેમ સીલ કર્યું?

12 July, 2020 10:48 AM IST  |  Mumbai Desk | Shirish Vaktania

ભાઇંદરના મથુરા કુંજને કેમ સીલ કર્યું?

મથુરા કુંજ

મીરા-ભાઇંદર મહાનગરપાલિકાનું ભાઇંદર-ઈસ્ટના કૅબિન રોડ પરની મથુરા કુંજ કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટી સીલ કરવાનું પગલું વિવાદાસ્પદ બન્યું છે, કારણ કે એ હાઉસિંગ સોસાયટીના સભ્યો કહે છે કે બિલ્ડિંગમાં કોરોનાનો એક પણ દરદી નથી. ૧૬ ફ્લૅટ્સ ધરાવતું બિલ્ડિંગ સીલ કરવામાં આવ્યું હોવાની સૂચનાનું બૅનર ગેટ પાસે લગાડવામાં આવ્યું છે. સોસાયટીના મેમ્બર્સને ૧૮ જુલાઈ સુધી ગેટની બહાર પગ નહીં મૂકવાની સૂચના આપવામાં આવી છે.
મકાનમાં કોરોનાનો દરદી નહીં હોવાનું જણાવવા મથુરા કુંજના રહેવાસીઓ મીરા-ભાઇંદર મહાનગરપાલિકાની ઑફિસમાં ફોન કરે છે, પરંતુ તેમને કોઈ જવાબ મળતો નથી. જોકે સોસાયટીના મેમ્બર્સ પાલિકાની સૂચનાનું પાલન તો કરે જ છે. મથુરા કુંજ કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીના સેક્રેટરી પંકજ ભાવસારે જણાવ્યું હતું કે ‘મીરા-ભાઇંદર મહાનગરપાલિકાના અધિકારીઓએ પાંચમી જુલાઈએ સોસાયટીની મુલાકાત લીધી હતી. એ વખતે કોઈને કંઈ પૂછ્યા કે જણાવ્યા વગર બિલ્ડિંગના ગેટ પર સીલ કર્યાની સૂચનાનું હોર્ડિંગ લગાવીને નીકળી ગયા. હોર્ડિંગ મૂક્યા પછી લોકો બિલ્ડિંગમાં કોરોના પૉઝિટિવ દરદી હોવાની ધારણાથી ગભરાઈ ગયા હતા. જોકે સોસાયટીના ૧૬ ફ્લૅટ્સમાં રહેતા ૬૪ રહેવાસીઓમાં કોરોના ઇન્ફેક્શનનો એક પણ દરદી નથી.’
મીરા-ભાઇંદર મહાનગરપાલિકાનાં સંબંધિત વૉર્ડ ઑફિસર દિપાલી પવારે જણાવ્યું હતું કે ‘મથુરા કુંજ બિલ્ડિંગમાં કોરોનાનો પૉઝિટિવ દરદી મળ્યો હોવાથી અમે એ બિલ્ડિંગ સીલ કર્યું છે. મીરા-ભાઇંદરમાં કોરોના પૉઝિટિવ કેસની સંખ્યા ઝડપથી વધી રહી છે. હૉસ્પિટલે મોકલેલી યાદીમાં મથુરા કુંજ કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીનો ઉલ્લેખ છે. ફરિયાદ મળતાં અમારા અધિકારીઓ હૉસ્પિટલનો રેકૉર્ડ તપાસશે.’

bhayander mumbai mumbai news shirish vaktania