બૈઠે-બૈઠે ક્યા કરેં કરના હૈ કુછ કામ;શુરુ કરો એક્સરસાઇઝ લે કર કોરોના નામ

09 May, 2020 08:50 PM IST  |  Mumbai Desk | darshini vashi

બૈઠે-બૈઠે ક્યા કરેં કરના હૈ કુછ કામ;શુરુ કરો એક્સરસાઇઝ લે કર કોરોના નામ

કલ્પતરુ એસ્ટેટ

લૉકડાઉનને થોડું ગમતીલું બનાવવા માટે લોકો કંઈક ને કંઈક નવું શોધી રહ્યા છે. કોઈ ડિસ્ટન્સ મેઇન્ટેન કરીને ગેમ રમાડે છે તો કોઈ ઑનલાઇન રહીને એકબીજાની સાથે કનેક્ટ રહે છે તો કોઈ બાલ્કનીમાં ઊભા રહીને પાડોશીઓની સાથે ગપ્પાં મારીને ટાઇમપાસ કરે છે. પરંતુ આ બધામાં હેલ્થ માટે શું? જોકે ફિટનેસ ચૅલેન્જ પણ અત્યારે સોશ્યલ મીડિયા પર ટ્રેન્ડમાં છે, પરંતુ એની પહોંચ લિમિટેડ ઑડિયન્સ સુધીની જ છે. બાકી બધાનું શું? બસ, કદાચ કંઈક આવું વિચારીને જેવીએલઆર (જોગેશ્વરી-વિક્રોલી લિન્ક રોડ) પર આવેલી કલ્પતરુ એસ્ટેટ અને ઑબેરૉય સ્પ્લેન્ડર એમ બે સોસાયટીના સભ્યોએ તાજેતરમાં સન્ડે ફિટનેસ ચૅલેન્જનું આયોજન કર્યું હતું.

જેવીએલઆર પર કલ્પતરુ સોસાયટી અને ઑબેરૉય સોસાયટી બાજુ-બાજુમાં સ્થિત છે. આ બન્ને સોસાયટીએ સાથે મળીને તાજેતરમાં તેમના સભ્યો માટે ‘સન્ડે ફિટનેસ ચૅલેન્જ’નું આયોજન કર્યું હતું જેમાં સભ્યોએ ઘરમાં રહીને જ ફિટનેસ ચૅલેન્જમાં ભાગ લેવાનો હતો. ચૅલેન્જમાં ભાગ લેવા માટે કોઈ વયમર્યાદા રાખવામાં આવી નહોતી. તમામ વયજૂથના લોકો ભાગ લઈ શકે એ માટે માત્ર ત્રણ ફિટનેસ ઍક્ટિવિટી પસંદ કરવામાં આવી હતી, જેમાંથી કોઈ પણ એક અથવા તેથી વધુ ઍક્ટિવિટીમાં સભ્યોને ભાગ લઈ શકવાની મંજૂરી હતી. આ ઍક્ટિવિટીમાં ભાગ લેનારે તેનો એક ફિટનેસ ઍક્ટિવિટી કરતો નાનકડો વિડિયો વૉટ્સઍપ પર મોકલવાનો હતો. અને સાથે ફિટનેસ ઍપ પર કરેલી ઍક્ટિવિટીની નોંધ ફૉર્વર્ડ કરવાની હતી જેના આધારે વિનર નક્કી કરવામાં આવ્યા હતા. આવી આ અલગ પ્રકારની ફિટનેસ ચૅલેન્જને સોસાયટીના સભ્યો પાસેથી જોરદાર પ્રતિસાદ મળ્યો હતો.
સન્ડે ફિટનેસ ચૅલેન્જ પર જણાવતાં કલ્પતરુ સોસાયટીનાં સભ્ય અમીશા શાહ કહે છે, ‘સોસાયટીની ફિટનેસ ચૅલેન્જમાં મોટે ભાગે દરેક ઘરના સભ્યોએ ભાગ લીધો હતો. નાનાં બાળકોથી માંડીને સિનિયર સિટિઝન સભ્યોએ પણ આ ચૅલેન્જમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. અમને કેટલીક ફિટનેસ ઍપ સજેસ્ટ કરવામાં આવી હતી જેમાં અમારે કરેલી ઍક્ટિવિટીના ડેટા એકત્ર કરવાના હતા. સવારના પાંચ‍થી લઈને બપોરે બે વાગ્યા સુધી ગમે તે સમયે અમારે એ ઍક્ટિવિટી કરવાની હતી જેમાં રનિંગ, જૉગિંગ અને પ્લૅન્કનો સમાવેશ કરવામાં આવ્યો હતો. બન્ને સોસાયટી મળીને કુલ ૪૧૨ લોકોએ આ ચૅલેન્જમાં ભાગ લીધો હતો. એમાં રનિંગ કૅટેગરીમાં મારા એજ ગ્રૂપમાં હું પ્રથમ આવી હતી. તેમ જ ઍવરેજ પ્લૅન્ક્સ કરવામાં પણ હું અવ્વલ રહી હતી. જોકે હૅટ્સ ઑફ તો સિનિયર સિટિઝનને કહેવું પડે. અમારી સોસાયટીના એક વરિષ્ઠ નાગરિકે આઠ કિલોમીટરની રન પૂરી કરી હતી અને લગભગ ચાર મિનિટ સુધી સતત પ્લૅન્ક્સ કર્યાં હતાં. એવી જ રીતે પાંચ વર્ષથી ઓછી ઉંમરના એક છોકરાએ ચાર મિનિટ સુધી પ્લૅન્ક્સ કર્યાં હતાં. લૉકડાઉનના લીધે ઘણા સમય બાદ સોસાયટીના તમામ લોકો એકીસાથે અચાનક ઍક્ટિવ થઈ ગયા હતા. તેમ જ આ ચૅલેન્જના માધ્યમ થકી એકબીજાની નજીક આવ્યા હતા. મારી વાત કરું તો હું પોતે નિયમિત રીતે એક્સરસાઇઝ કરવામાં માનું છું, પરંતુ લૉકડાઉનના લીધે મારું શેડ્યુલ ખોરવાઈ ગયું છે. પરંતુ ફિટનેસ ચૅલેન્જને લીધે હું પાછી જોશમાં આવી ગઈ છું. હું આટલું બધું ઘરે પણ કરી શકું છું, એ પણ કોઈ પણ પ્રકારના સાધન વિના એનાથી મારો ઉત્સાહ વધ્યો છે અને હવે રોજ આ નિયમ જળવાઈ રહે એની કોશિશ કરી રહી છું.’

darshini vashi mumbai mumbai news santacruz